સ્ટાઇપેન્ડના દરોમાં વધારો કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો યજ્ઞા કરી સૂત્રોચ્ચાર
- ટાઉન હોલ નજીક દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પોલીસના વાહનોનો ઘોરાવો કરનારની અટક કરાઈ
હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપના સ્ટાઈપન્ડ દરોમાં વધારો કરવાની માંગ સાથે સતત ત્રીજા દિવસે એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા શહેરના ટાઉનહોલ નજીક સદ્બુધ્ધિ યજ્ઞા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે વિદ્યાર્થીઓના વિરોધના પગલે શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
દરમ્યાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક ઝરી હતી અને વિદ્યાર્થીઓએ પોલીસના વાહનોનો ઘેરાવો કરતા મામલો ગરમાયો હતો. આખરે પોલીસે કેટલાક વિરોધકર્તાઓની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૯-૯-૨૦૧૮ના ઠરાવ પ્રમાણે હોમીયોપેથીકના જૂના સ્ટાઈપેન્ડ વધારો કરાયો હોવા છતાં હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નિસને જુના ઠરાવ મુજબ સ્ટાઈપન્ડ આપવામાં આવી રહ્યું હોઈ વિદ્યાર્થી સંગઠન એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જે અંતર્ગત થોડા સમય પૂર્વે આણંદ સ્થિત હોમીયોપેથીક કોલેજોના આચાર્યોને અને જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓએ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં આ મામલે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા એબીવીપી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આંદોલન તેજ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજે હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નિસના સ્ટાઈપન્ડ દરોમાં વધારો કરવા માટે સરકારને સદ્બુધ્ધિ સુઝે તે હેતુથી આણંદ શહેરના ટાઉનહોલ નજીક આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે સદ્બુધ્ધિ યજ્ઞાનું આયોજન કરાયું હતું. દરમ્યાન વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈ આણંદ શહેર પોલીસની ટીમ ટાઉનહોલ નજીક પહોંચી હતી. જો કે પોલીસ આવતાની સાથે જ વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી પોલીસના વાહનોની ઘેરાબંધી કરી હતી. આખરે પોલીસે વિરોધ કરી રહેલ કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી આણંદ શહેર પોલીસ મથકે લવાયા હતા. જ્યાં બાદમાં તેઓનો છુટકારો થયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d5hbgI
0 Response to "સ્ટાઇપેન્ડના દરોમાં વધારો કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો યજ્ઞા કરી સૂત્રોચ્ચાર"
Post a Comment