મહેસાણા નગરપાલિકાની 44 બેઠકો પર સૌથી વધુ 222 ફોર્મ ભરાયા
મહેસાણા,તા.14 ફેબ્રુઆરી 2021, રવિવાર
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ અને કોંગ્રેસની પોતાના ઉમેદવારોને ટિકીટ ફાળવણી બાદ કાર્યકરોમાં બન્ને પક્ષે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. ક્યાંક બળાપો ઠાલવીને કેટલાક હોદ્દેદારોએ પક્ષમાંથી પોતાના રાજીનામા ધરી દીધા છે. બીજી તરફ પાલિકા અને પંચાયતોની ચુંટણીમાં હવે ફોર્મ ચકાસણી બાદ ૧૬ ફેબ્રુઆરીએ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
મહેસાણા જિલ્લા પંચાયત ઉપરાંત મહેસાણા, કડી, વિસનગર, ઊંઝા નગરપાલિકા અને મહેસાણા, કડી, વિસનગર, ઊંઝા, વિજાપુર, જોટાણા, બેચરાજી, ખેરાલુ સતલાસણા, વડનગર તાલુકા પંચાયતની ચુંટણી આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં સૌથી વધુ મહેસાણા નગરપાલિકાની ૪૪ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના મળી ૨૨૨ ચુંટણીવાંચ્છુઓએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે મહેસાણા જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે ૧૯૧ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં સૌથી વધારે મહેસાણા તાલુકા પંચાયતમાં ૧૪૫ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. હવે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ઉમેદવારો પ્રચાર કાર્યમાં જોતરાશે. જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારો સુધી પહોંચવા લોકસંપર્ક શરૂ થઈ ચુક્યો હોવાનું જણાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MZPDyW
0 Response to "મહેસાણા નગરપાલિકાની 44 બેઠકો પર સૌથી વધુ 222 ફોર્મ ભરાયા"
Post a Comment