ધો.6થી 8ની શાળાઓ તા.18મીથી શરૂ કરી દેવા સરકારનો નિર્ણય
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર
ગુજરાતની તમામ શાળાઓના ધોરણ 6થી 8ના પ્રત્યક્ષ (સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવીને) વર્ગો લેવાનું 18મી ફેબુ્રઆરીથી ચાલુ કરી દેવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
જોકે ઓનલાઈન વર્ગો ચાલુ રાખવામાં આવશે. પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વાલીઓ અને વિદ્યાર્થીઓની મરજી પર છોડવામાં આવ્યું છે. પ્રત્યક્ષ હાજરી આપવા માટે પોતાના સંતાનને શાળામાં મોકલવા માગતા વાલીઓ પાસેથી શાળાઓએ સમતિ પત્ર મેળવવાનો રહેશે.
પ્રત્યક્ષ-સ્કૂલના વર્ગોમાં હાજરી આપીને શિક્ષણમાં ન જોડાય તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ લેવાની અત્યારે ચલાવવામાં આવતી કામગીરી ચાલુ રાખવાની સૂચના પણ શિક્ષણ સચિવ વિનોદ રાવે આપી છે. કોરોનાનો ચેપ ધરાવતા વિદ્યાર્થી કે શિક્ષકને શાળામાં ન આવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને દરેક વિદ્યાર્થી માસ્ક પહેરીને જ શાળામાં આવે તેની ખાસ કાળજી લેવા શાળાઓને સૂચના આપવામાં આવીછે. ધોરણ 9થી 11ના વર્ગો અગાઉ પહેલી ફેબુ્રઆરીથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના વર્ગોમાં શરૂઆતમાં માત્ર 40 ટકા વિદ્યાર્થીઓ આવતા હતા. હવે 70 ટકા વિદ્યાર્થીઓ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ લેવા માટે આવતા થઈ ગયા છે.
કોરોના સંક્રમણ ન વધે તે માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરીને શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા આઠમી જાન્યુઆરી 2021ના બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું પણ ચુસ્ત પાલન કરવા શાળાઓને જણાવી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના શિક્ષણના વધુ દિવસો ન બગડે તે હેતુથી તેમના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ સચિવ વિનોદ રાવે આજે આ જાહેરાત કરી છે. આ અગાઉ 11મી જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષના વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતા.
આઠમી ફેબુ્રઆરીથી કૉલેજના પ્રથમ વર્ષના વર્ગો ચાલુ કર્યા બાદ હવે ધોરણ 6થી 8ના વર્ગો ચાલી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જણાવતા શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે વર્ગો ચાલુ કરવાની સાથે જ કોરોના સંક્રમણ ન વધે તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું ચુસ્ત પાલન કરવા માટેનીસ સૂચનાઓ તમામ 33 જિલ્લાના શિક્ષણ અધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આપી દેવામાં આવી છે. કોરોના સંક્રમણના કેસો સતત ઘટી રહ્યા હોવાથી અને રિકવરીના કેસો સતત વધી રહ્યા હોવાથી વર્ગો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ સ્કૂલમાં તો જશે પણ કોરોના ડયૂટીમાં વ્યસ્ત શિક્ષકો જશે ખરા?
સરકારની સૂચના મુજબ 18મી ફેબુ્રઆરીથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ વર્ગ ચાલુ કરવાના નિર્ણયની સરકારે જાહેરાાત તો કરી દીધી છે, પરંતુ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના કાર્યમાં શિક્ષકોને જોતરી દેવામાંઆવ્યા છે.
આ શિક્ષકો ચૂંટણીની ડયૂટી બજાવશે કે પછી વિદ્યાર્થીઓને ભણાવશે તેવો પણ એક સવાલ ઊઠી રહ્યો છે. બીજીતરફ કોરોનાની વેક્સિન આપવાની કામગીરીમાં પણ શિક્ષકોને જોતરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં શિક્ષકો વર્ગો લઈ શકશે કે કેમ તે એક મોટો સવાલ છે. આ સ્થિતિમાં પ્રત્યક્ષ વર્ગો થોડા મોડા ચાલુ કરવા જોઈતા હતા તેવી શિક્ષકોની લાગણી અને માગણી છે.
અડધા વિદ્યાર્થીઓ ઓનલાઈન અને અડધા ઓફલાઇન ભણે તો ફી કઈ રીતે લેવાશે
ઓનલાઈન વર્ગ લેવામાં આવે તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસેથી 75 ટકા જ ફી લેવાની સરકારે શાળા સંચાલકોને સૂચના આપી હતી. વાલીઓએ આ ટકાવારી ઘટાડીને 50 ટકા કરી આપવાની કરેલી માગણીનો સ્વીકાર સરકારે કર્યો નથી.
સરકારે કરેલી ભલામણ મુજબ શાળાના સંચાલકો વાલીઓ પાસેથી લીધેલી 100 ટકા ફીમાંથી 25 ટકા ફી પરત કરતાં જ નથી. પરિણામે વાલીઓ અને શાળાના સંચાલકો વચ્ચે સંઘર્ષ ચાલુ જ છે. જોકે કેટલીક સ્કૂલોએ 25 ટકા ફી પરત કરી છે. સરકાર નિર્ણય લીધા પછી તેનો અમલ કરવામાં આવે છે કે નહિ તેની તકેદારી ન રાખતી હોવાથી વાલીઓને અન્યાય થઈ રહ્યો છે. શાળાઓની જોહુકમી ચાલી રહી છે.
પ્રત્યક્ષ વર્ગમાં જનારા વિદ્યાર્થીઓ માટે બસ સેવા ચાલુ થવા અંગે અનિશ્ચિતતા
પ્રત્યક્ષ વર્ગમાં હાજરી આપવા માટે જનારા વિદ્યાર્થીઓને શાળાએ લાવવા અને લઈ જવા માટે બસ સેવાઓની બાબતમાં કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરિણામે દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓના માતાપિતાએ તેમના સંતાનને મૂકવા અને લેવા જવા માટે મોટો સમય કાઢવો પડે તેવી સંભાવના છે. તેને પરિણામે કદાચ તેઓ પ્રત્યક્ષ વર્ગમાં તેમના સંતાનને ન મોકલવાનું પસંદ કરે તેવી સંભાવના છે.
બીજું, બસમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ કઠિન બનશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એક બસમાં આવે તેટલા વિદ્યાર્થીઓને લઈ જવા અને લાવવા માટે બે બસ મૂકવી પડે તેવી સંભાવના છે. ત્રીજું, શાળાના એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડી શકાય તેવી સ્થિતિ છે કે નહિ તે પણ હજી સુધી સ્પષ્ટ થતું નથી.
અગાઉની માફક એક જ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશ તો સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડી જવાની સંભાવના રહેલી છે. વાલીઓ પાસેથી સંમતિપત્ર મંગાવવામાં આવે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરાવવામાં શાળા નિષ્ફળ જાય તો તેની સામે પગલાં લેવાનું આયોજન થવું જોઈએ. આ માટે શાળાઓ વળતો સંમતિપત્ર આપવા તૈયાર નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tQCLf3
0 Response to "ધો.6થી 8ની શાળાઓ તા.18મીથી શરૂ કરી દેવા સરકારનો નિર્ણય"
Post a Comment