સ્થાનિક ચૂંટણીના ધમધમાટ વચ્ચે આણંદ જિલ્લામાં કોરોના પ્રકોપ યથાવત : નવા 4 પોઝિટિવ કેસ
આણંદ,તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
જિલ્લામાં આજે નવા ચાર કેસ નોંધાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રાજકીય ગરમાવા વચ્ચે છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લામાં ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. બુધવારના રોજ પણ જિલ્લામાંથી વધુ નવા સાત પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. જેમાં આણંદ શહેરમાં કોરોનાનો પ્રકોપ યથાવત રહેતા શહેરના વિવિધ વિસ્તારમાંથી બે જ્યારે પેટલાદ તાલુકામાંથી ૩ પોઝીટીવ કેસ મળી આવ્યા છે.
જાન્યુઆરી માસમાં કોરોનાનું સંક્રમણ મંદ પડયું હતું. તેમાંય ઉત્તરાયણ પર્વ બાદ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ફેબુ્રઆરી માસના પ્રારંભમાં પણ આ ઘટાડો યથાવત રહ્યો હતો અને પ્રથમ સપ્તાહ દરમ્યાન જિલ્લામાં પ્રતિદિન ૧૦ કરતા ઓછા પોઝીટીવ કેસ નોંધાયા હતા. તેમાંય ગત સોમવારના રોજ જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી હતી. જો કે ત્યારબાદ મંગળવારના રોજ જિલ્લામાં સાત પોઝીટીવ કેસ નોંધાયા બાદ બુધવારે પણ જિલ્લામાંથી વધુ નવા સાત પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં આણંદ શહેરમાં પુનઃ એકવાર કોરોનાએ માથુ ઉંચકતા શહેરના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ એક સોસાયટીના ૩૨ વર્ષીય યુવક અને ૮૦ ફુટ રોડ પરના પેટ્રોલપંપ નજીકની સોસાયટીમાં રહેતી ૫૮ વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે પેટલાદ તાલુકામાં પણ કોરોનાનું સંક્રમણ વધતા પેટલાદ શહેરની ૧૫ વર્ષીય કિશોર, રાધે વીંગ સોસાયટીના ૪૦ વર્ષીય યુવક અને ડેમોલ ગામની ૫૩ વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા છે. જ્યારે આણંદ તાલુકા સારસા ગામે અલકાપુરી અને બોરસદ તાલુકાના સૈજપુર ગામે ઈન્દિરા કોલોનીમાંથી પણ કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ બુધવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૪૮૬૨ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૫૫૨ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૨૬ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧ દર્દી ઓક્સિજન ઉપર અને ૨૫ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rLK5Xy
0 Response to "સ્થાનિક ચૂંટણીના ધમધમાટ વચ્ચે આણંદ જિલ્લામાં કોરોના પ્રકોપ યથાવત : નવા 4 પોઝિટિવ કેસ"
Post a Comment