ખેડા જિલ્લામાં પાલિકા તા.પં.ની 315 બેઠકોની ચૂંટણીમાં ભાજપે મૂરતિયાનાં નામો જાહેર કર્યા
- ભાજપની નવી પોલિસી મુજબ તા. પંચાયત અને પાલિકામાં ટિકિટોની ફાળવણીમાં કેટલાક પીઢ આગેવાનોના પત્તાં કપાયાં ઃ ૪૦ ટકા યુવાનોને તક અપાઇ
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. ભાજપની નવી પોલિસી મુજબ તા. પંચાયત અને પાલિકામાં ટિકિટોની ફાળવણીમાં કેટલાક પીઢ આગેવાનોના પત્તા કપાયા છે. નડિયાદ નગરપાલિકામાં ઉમેદવારોમાં ઘણા નવા ચહેરા જોઈ જૂનજોગીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. જોકે ધરખમ પરિવર્તનો પછી પણ નડિયાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોમાં સવર્ણોનો દબદબો બરકરાર રહ્યો છે. ભાજપે૧૫ જેટલા ઉમેદવારોને રિપિટ કર્યા છે તો૧૬ જેટલી બેઠકો પર દલિત સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. જ્યારે કે ભાજપના ૩૦ જેટલા કાઉન્સિલરોની ટિકિટ કપાઈ ગઈ છે. તમામ સભ્યોની ટિકિટ વહેંચણીમાં ભાજપે ૪૦ ટકા જેટલું પ્રાધાન્ય યુવાનોને આપ્યું છે.
ઘણા સિનિયર આગેવાનો નવા નિયમ પ્રમાણે ટિકિટનો દાવો છૂટતાં પતિ-પત્ની કે સગાસંબંધી માટે ટિકિટ લેવામાં સફળ થયા છે. નડિયાદ નગરપાલિકામાં ૧૫ જેટલા સભ્યો તો રિપિટ થયા છે, જ્યારે ૬ સભ્યો સગાસંબંધી કે પતિ-પત્નીના નામે ટિકિટ લેવામાં સફળ થયા છે. ભાજપના ઉમેદવારોમાં રંજનબેન ચંદ્રકાન્ત વાઘેલા, ભારતીબેન દિનેશભાઈ પંડયા,પરીન અશોકકુમાર બ્રહ્મભટ્ટ,બકુલભાઈ હરતનભાઈ રબારી, રીમાબેન સ્નેહલભાઈ પટેલ, રિટાબેન ચંદ્રકાન્ત બ્રહ્મભટ્ટ, કાનજીભાઈ દેવશી પરમાર, રીપુબેન સુશીલકુમાર પટેલ, બિનિતાબેન પિન્કેશભાઈ દેસાઈ, કાજલ સુનીલભાઈ પટેલ, તૃપ્તિબેન પિયુષભાઈ પટેલ તથા વિજયભાઈ નટુભાઈ પટેલ વગેરે સભ્યો રિપિટ થયા છે, જ્યારે બાકીના૩૦ જેટલા સિનિયર સભ્યોની ટિકિટ કપાઈ છે.
નડિયાદ નગરપાલિકાના ઉમેદવારોમાં ૧૨ જેટલાં નામો તો તદ્દન નવા જોવા મળ્યા છે. અગાઉના પ્રમુખના સ્થાને તેમના પતિ સંજયભાઈ પટેલને ટિકિટ મળી છે. શિલ્પાબેન રબારી, બકુલભાઈ રબારી, લાભુબેન ભરવાડ, રાકેશભાઈ ઝાલા, પ્રિતિબેન મકવાણા, મીતાબેન પટેલ, જયનીકા બારોટ, હરેશ પટેલ, શીલ્પન પટેલ, મહર્ષિ બ્રહ્મભટ્ટ, કિન્નરીબેન શાહ, પ્રકાશભાઈ દાનાણી અને મિલબેન જોશી જેવા ડજનથી વધારે તદ્દન નવા ચહેરા જોવા મળ્યા છે.
જિલ્લાની નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત ભાજપની ટિકિટ વહેંચણીમાં જાતિગત સમીકરણો બરકરાર રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. જિલ્લામાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૪૦ ટકાથી વધુ યુવાનોનેઉમેદવારી નોંધાવવાની તક આપી છે, જેમાં પાટિદારો, સવર્ણો અને લઘુમતી ત્રણેયને રાજી રાખવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ જોવા મળ્યો છે.
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખે ઉમેદવારો માટે જાહેર કરેલા નવા નિયમો અને અનેક અટકળોના અંત પછી ભાજપી ઉમેદવારોની યાદીમાં ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હોવાની ચર્ચા જોરશોરમાં જામી છે.
આજે બપોરે ભાજપે યાદી જાહેર કરતાની સાથે ટિકિટ કપાઈ હોય તેવા ઉમેદવારોમાં ભાગદોડ જોવા મળી હતી તો લાગતાવળગતાની ટિકિટો મળી હોવાને લીધે નવા ઉમેદવારોના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ભાજપે આજે તાલુકા પંચાયતના ૧૬૬ જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જ્યારે નગરપાલિકા માટેના ૧૪૮ જેટલા ઉમેદવારીનું લિસ્ટ પણ જાહેર કર્યું હતું. કઠલાલ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાટે૧૦-દાંપટ બેઠક પર ભાજપ પક્ષે કપીલાબેન ચીમનભાઈ નાયકાનું નામ જાહેર કર્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માહોલ જામ્યો
ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતો માટે ૭૫, નગરપાલિકાઓ માટે ૫૬ ફોર્મ ભરાયા
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરાવાને હવે માત્ર બે જ દિવસ બાકી રહેતા ઉમેદવારોમાં ઉમેદવારી દાખલ કરાવવાની તડાપડી મચી ગઈ છે. આજે ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતોમાં ૭૫ જેટલા અને નગરપાલિકાઓમાં ૫૬ જેટલા ફોર્મ ભરાયા છે. આજે નડિયાદ તાલુકા પંચાયત માટે ૧૩, ખેડા તાલુકા પંચાયત માટે ૩, માતર અને મહુધા તાલુકા પંચાયત માટે ૬-૬, મહેમદાવાદ અને ગળતેશ્વર તાલુકા પંચાયત માટે ૧૧-૧૧, વસો તાલુકા પંચાયત માટે ૭ અને ઠાસરા તાલુકા પંચાયત માટે ૧૮ ફોર્મ મળી જિલ્લાભરમાં કુલ ૭૫ ફોર્મ ભરાયા છે.
જ્યારે નગરપાલિકાઓમાં આજે દિવસ દરમિયાન નડિયાદમાં ૨૭, કપડવંજમાં ૭,કણજરીમાં ૧, કઠલાલમાં પાંચ અને ઠાસરામાં ૧૬ મળી કુલ ૫૬ ઉમેદવારોએ ઉમેદવારી દાખલ કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d8N3kD
0 Response to "ખેડા જિલ્લામાં પાલિકા તા.પં.ની 315 બેઠકોની ચૂંટણીમાં ભાજપે મૂરતિયાનાં નામો જાહેર કર્યા"
Post a Comment