આણંદ જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી : 70 ટકાથી વધુ નવા ચહેરાને તક
- આઠ તાલુકા પંચાયત, છ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ૪૫૦ બેઠકોના મૂરતિયાની યાદી જાહેર થતા રાજકારણ ફરી ગરમાયું
ભારે ઈન્તેજારી અને અનેક પ્રકારની ચર્ચાઓ બાદ આજે બપોરના સુમારે આણંદ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાની આઠ તાલુકા પંચાયત, છ નગરપાલિકા અને આણંદ જિલ્લા પંચાયત માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ઉમેદવારોના નામની યાદી જાહેર થતા જ જિલ્લાનું રાજકારણ પુનઃ એકવાર ગરમાયું હતું અને અલગ-અલગ નામોને લઈ ચર્ચાઓ એરણે ચઢી હતી. જો કે ચાલુ વર્ષે ભાજપની નવી પોલીસી અંતર્ગત જિલ્લામાં કુલ ૪૫૦ બેઠકો માટે ૭૦ ટકાથી વધુ નવા ચહેરાને તક આપવામાં આવી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે ત્યારે ગત તા.૮મીના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ આણંદ જિલ્લામાં ભાજપ તથા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના નામ અંગેની ચર્ચાઓ હોટફેવરિટ બની હતી. તેમાંય ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચાલુ વર્ષે નવી પોલીસી અમલમાં મુકતા આણંદ જિલ્લામાં યોજાનાર ચૂંટણીઓમાં કોના પત્તા કપાય છે તે અંગેની જાણકારી મેળવવા માટે
પૂર્વ પ્રમુખને વોર્ડ નં. ૯માંથી ટિકિટ અપાઈ
આણંદ નગરપાલિકાની ચૂંંટણીમાં ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. નવી પોલીસી મુજબ ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારોને ટિકિટ નહી આપવાની હોઈ કેટલાય જુના જોગીઓના નામ કપાયા છે ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડાને ભાજપ દ્વારા વોર્ડ નં.૯માંથી ટિકિટ અપાઈ છે. તેઓની ઉંમર અંગે સ્પષ્ટતા કરતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ફોર્મ ભરવાના દિવસે ૬૦ વર્ષ પૂર્ણ ન થયા હોવા જોઈએ તેનો લાભ તેઓને મળ્યો છે અને પક્ષે તેઓને ટિકિટ આપી છે.
જિલ્લામાં ૨૭ ઉમેદવારીપત્રો ભરાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ નગરપાલિકામાં આજે ૯ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે ઉમરેઠ પાલિકામાં ૧૪, બોરસદ પાલિકામાં ૨૪, પેટલાદ પાલિકામાં ૧૪, સોજિત્રા પાલિકામાં ૪ અને ખંભાત પાલિકામાં ૫ મળી આજે જિલ્લાની કુલ ૬ નગરપાલિકાઓમાં કુલ ૭૦ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે આણંદ જિલ્લા પંચાયતમાં ૩ અને આઠ તાલુકા પંચાયતો પૈકી પેટલાદમાં ૩, આંકલાવમાં ૪, તારાપુરમાં ૩, ઉમરેઠમાં ૨, બોરસદમાં ૧૦, આણંદમાં ૧ અને ખંભાતમાં ૪ મળી કુલ ૨૭ ઉમેદવારીપત્રો ભરાયા હતા.
પાલિકાની કેટલીક બેઠકો પર જૂના જોગીઓના સગાને ટિકિટની લહાણી
ભારે ઈન્તેજારી વચ્ચે ગુરૂવાર બપોરના સુમારે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આણંદ નગરપાલિકાના કુલ ૧૩ વોર્ડ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવતા જ માહોલમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. શહેરમાં ઠેર-ઠેર ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ ચકડોળે ચઢી હતી. જેમાં ભાજપે કોથળામાંથી બિલાડુ કાઢ્યું હોય તેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચાઓ વચ્ચે કેટલાક જુનાજોગીઓના પત્તા કપાતા અને કેટલાકના સગાને ટિકિટ અપાઈ હોવાની વાતો વચ્ચે આગામી દિવસોમાં સ્થાનિક કક્ષાએ ચરુ ઉકળવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
પાર્ટીની નવી પોલીસી મુજબ ટિકિટોની ફાળવણી કરાઈ
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાંથી મોવડી મંડળ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સંયુક્ત નિર્ણયથી પસંદગી પામેલ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં પાર્ટીની નવી પોલીસી મુજબ ટીકીટોની ફાળવણી કરાઈ છે. અનિવાર્ય સંજોગોને કારણે કેટલીક બેઠક ઉપર પાર્ટી દ્વારા આગામી દિવસોમાં નામ જાહેર કરવામાં આવશે તેમ તેઓએ ઉમેરતા આણંદ નગરપાલિકા, જિલ્લાની તાલુકા પંચાયતો સહિત જિલ્લા પંચાયતમાં પણ જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કરતા પાર્ટીના સીનીયર કાર્યકર્તાઓને આ અંગેની જવાબદારી સોંપી દીધી હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
જૈન સમાજના ઉમેદવારને ટિકિટ ન અપાતા રજૂઆત કરાઈ
આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આજે બપોરના સુમારે ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા જ ભારે ખળભળાટી મચી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં સગાવાદ અપનાવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે શહેરમાં જૈન સમાજના ઉમેદવારને ટિકિટ નહી આપવામાં આવતા ભારે અસંતોષ વ્યાપ્યો હતો અને જૈન સમાજના આગેવાનો સહિતના નાગરિકો મોટી સંખ્યામાં ૮૦ ફુટ રોડ સ્થિત ભાજપ કાર્યલય ખાતે રજૂઆત માટે પહોંચી ગયા હતા. જો કે જિલ્લા પ્રમુખ કાર્યાલય ખાતે હાજર ન હોઈ અન્ય ભાજપ અગ્રણીએ તેઓની રજૂઆત સાંભળી જિલ્લા સંગઠનમાં રજૂઆત કરવાનો દિલાસો આપ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z5TxIQ
0 Response to "આણંદ જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી : 70 ટકાથી વધુ નવા ચહેરાને તક"
Post a Comment