MMS કંપનીની 76.55 કરોડની ઠગાઇ મામલે SITની કરાઇ રચના

MMS કંપનીની 76.55 કરોડની ઠગાઇ મામલે SITની કરાઇ રચના


- નિલમબાગ પોલીસ પાસેથી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ

- વાઘાવાડી રોડ પર આવેલ ઓફીસમાં ડીવાય.એસ.પી. સહિતના અધિકારીઓનું સર્ચ

ભાવનગર, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર


ભાવનગરના વાઘાવાડી રોડ પરના કોમ્પ્લેક્ષમાં આવેલ એમ.એમ.એસ. કંપનીના સંચાલકોએ રોકાણકારોને લોભામણી લાલચ આપી કરોડોનું રોકાણ કરાવી રૂા.૭૬.૫૫ કરોડની છેતરપિંડી કરતા ગુનો નોંધાવા પામ્યો હતો જે મામલે રેન્જ આઇ.જી.એ સીટની રચના કરી છે. ડિવાય.એસ.પી. અને ક્રાઇમ બ્રાંચની અધ્યક્ષતામાં તપાસનો દોર હાથ ધરવામાં આવશે. જ્યારે આજે વાઘાવાડી રોડ પરની ઓફીસમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે તપાસની કમાન ક્રાઇમ બ્રાંચ સંભાળશે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ સુરભી મોલ સ્થિત માય મની સોલ્યુશન કંપનીએ ભાવનગર, રાજકોટ, નડીયાદ, જેતપુર, અમદાવાદ ખાતે ઓફીસો શરૂ કરી રોકાણકારોને લોભામણી લાલચો આપી કંપનીમાં નાણાં રોકવા લલચાવી ૧૦૦ થી વધુ રોકાણકારોએ પોતાની મહામુલી મુડીનું રોકાણ કર્યું હતું. જ્યારે કંપનીના ભાગીદાર ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બન્ટીભાઇ સુરપાલસિંહ ગોહિલનું અવસાન થતા કંપનીના અન્ય ભાગીદારો ચિરાગ વસંતરાય મહેતા (રે.સુમેરૂ ટાઉનશીપ, ઘોઘારોડ), સાયલેન્ટ ભાગીદાર ચિરાગ ઉર્ફે આકાશ કનૈયાલાલ ત્રિવેદી (રે.લક્ષ્મી રેસીડેન્સી, દેસાઇનગર, ચિત્રા), જયદિપસિંહ ઉર્ફે ગુંજન પ્રદિપસિંહ ગોહિલ (રે.શેરી નં.૬, વિજયરાજનગર) સહિતનાએ રોકાણકારોના નાણાં પરત ન કરી ગલ્લા-તલ્લા કરતા રોકાણકારો ઇન્દ્રજીતસિંહના પિતા સુરપાલસિંહ લઘુભા ગોહિલને વાકેફ કરતા તેઓએ પણ રોકાણકારોના નાણાં પરત નહીં આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા દેવુબાગ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા રોકાણકાર હસમુખભાઇ મેઘજીભાઇ વિરડીયાએ તેઓ, તેના સબંધીઓ અને અન્ય રોકાણકારોના રૂપિયા ૭૬,૫૫,૫૬૦૦૦ ઓળવી જઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાં સંદર્ભે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ તેમજ જીપીઆઇડી એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

ઉક્ત મામલે ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાની તપાસ નિપક્ષ અને ઉંડાણપૂર્વક થાય તે માટે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.એમ. સૈયદ અને લોકલ ક્રાઇમ બ્રાંચ પી.આઇ. વી.વી. ઓડેદરાની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે. જ્યારે નિલમબાગ પોલીસ પાસે રહેલ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા હુકમ કર્યો હતો. દરમિયાન આજે વાઘાવાડી રોડ પર સ્થિત એમ.એમ.એસ. કંપનીની ઓફીસમાં નાયબ પોલીસ અધિક્ષક, ક્રાઇમ બ્રાંચ પી.આઇ. સહિતના અધિકારી-કર્મચારીઓએ સર્ચ ધરી તપાસનો દોર હાથ ધર્યો હતો. જ્યારે માય મની સોલ્યુશન કંપનીમાં ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાના નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોએ રોકાણ કરેલ હોય તો વિના શંકોચે ત્રણેય જિલ્લાના કન્ટ્રોલ રૂમ અને તપાસનીશ અધિકારીને જાણ કરી જરૂરી દસ્તાવેજો પુરા પાડવા રેન્જ આઇ.જી.એ અપીલ કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M2Pavc

0 Response to "MMS કંપનીની 76.55 કરોડની ઠગાઇ મામલે SITની કરાઇ રચના"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel