ભાવનગરના વરતેજ ગામનો ફાસ્ટ બોલર ચેતન સાકરીયા આઈપીએલમાં રમશે
- કલકત્તાએ શેલ્ડન જેકસનને રૂ. ર૦ લાખમાં ખરીદ્યો : ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી
ઈન્ડીયન પ્રિમીયર લીગ-ર૦ર૧માં ભાવનગરના બે ખેલાડીઓને સ્થાન મળ્યુ છે તેથી ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. મન હોય તો માળવે જવાય તે કહેવતને ભાવનગર જિલ્લાના વરતેજ ગામના યુવાને સાર્થક કરી છે અને આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યુ છે. વરતેજ ગામના ટેમ્પા ચાલકનો પુત્ર આગામી દિવસોમાં આઈપીએલમાં રમતો જોવા મળશે. સર ભાવસિંહજી ક્રિકેટ કલબના બે ખેલોડીએ મોટી સિધ્ધી મેળવી છે.
ભાવનગરના ક્રિકેટ ખેલાડી ચેતન સાકરીયા અને શેલ્ડન જેકસન આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. ચેતન સાકરીયા પ્રથમવાર આઈપીએલ રમશે, જયારે શેલ્ડન જેકસન અગાઉ કલકત્તાની ટીમમાંથી રમી ચુકયો છે. શેલ્ડનને ગત વર્ષે લેવામાં આવ્યો ન હતો પરંતુ આ વર્ષે ફરી કલકત્તાની ટીમે રૂ. ર૦ લાખમાં ખરીદ્યો છે. ભાવનગર શહેરની નજીક આવેલ વરતેજ ગામે રહેતા અને ટેમ્પો ચલાવી ઘરનુ ગુજરાન ચલાવતા કાનજી સાકરીયાનો પુત્ર ચેતન સાકરીયા હવે આઈપીએલમાં રમતો જોવા મળશે.
આજે ગુરૂવારે ઈન્ડીયન પ્રીમીયર લીગ-ર૦ર૧નુ ઓકશન હતુ, જેમાં જુદી જુદી ટીમના માલિકો દ્વારા સારા ખેલાડીઓને પોતાની ટીમમાંથી રમવા માટે ખરીદવામાં આવ્યા હતા એટલે કે કરાર કરવામાં આવ્યા હતાં. આઈપીએલના ઓકશનમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાની બેસપ્રાઇજ ર૦ લાખ હતી પરંતુ તેને રાજસ્થાન રોયલ્સની ટીમે ૧.ર કરોડની બોલી બોલી ખરીદ્યો હતો તેથી ભાવનગરના ક્રિકેટને લોટરી લાગી હતી તેમ કહી શકાય.
ક્રિકેટ ખેલાડી ચેતન સાકરીયા આશરે ૧૩ વર્ષનો હતો ત્યાોરથી ક્રિકેટ રમતો હતો અને ભાવનગર શહેરની સર ભાવસિંહજી ક્રિકેટ કલબમાં નિયમીત કોચીંગ લેતો હતો. ક્રિકેટ કલબના સિનીયર ખેલાડીઓ દ્વારા તેને કોચીંગ આપવામાં આવતુ હતું. ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેણે રમવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો.
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેણે પ મેચમાં ૧ર વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો તેથી તેણે આઈપીએલમાં સ્થાન મળ્યુ હોવાનુ કહેવાય છે. તે આઈપીએલ-ર૦ર૦માં આરસીબીની ટીમનો નેટ બોલર હતો, જેમાં તેને કેટલાક ઈન્ટરનેશનલ ક્રિકેટર સાથે પ્રેકટીસ કરવા મળી હતી તેથી તેનો સારો અનુભવ મળ્યો હતો. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે આવેલ એમઆરએફની ક્રિકેટ એકેડેમીમાં તેણે ઓસ્ટેલીયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા પાસે તાલીમ લીધી હતી તેથી તેને ઘણુ શીખવા મળ્યુ હતું. શેલ્ડને પણ સર ભાવસિંહજી ક્રિકેટ કલબમાં તાલીમ મેળવી છે અને તેણે સૌરાષ્ટ્રની ટીમમાંથી રણજી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટમાં શાનદાર બેટીંગ તેમજ વિકેટ કિપરીંગ કરેલ છે. ચાલુ વર્ષે તે પોડીંચેરીની ટીમમાંથી રણજી ટ્રોફી રમ્યો હતો અને સુંદર દેખાવ કર્યો હતો.
ભાવનગરના ક્રિકેટ ખેલાડીને આઈપીએલમાં સ્થાન મળતા ભાવનગરવાસીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ક્રિકેટ ખેલાડી ચિરાગ જાની પણ ૪ વર્ષ પૂર્વે આઈપીએલમાં રમી ચુકયા છે અને તેઓએ પણ સર ભાવસિંહજી ક્રિકેટ કલબમાં તાલીમ મેળવી હતી. બંને ખેલાડી આઈપીએલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભાવનગરનુ નામ વધુ રોશન કરે તેવુ રમતપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dyJFQ6
0 Response to "ભાવનગરના વરતેજ ગામનો ફાસ્ટ બોલર ચેતન સાકરીયા આઈપીએલમાં રમશે"
Post a Comment