મહેસાણા શહેરમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ચુંટણી ટાણે અપાતી લોલીપોપ
મહેસાણા,તા.18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
૨૮ ફેબુ્રઆરીના રોજ મહેસાણા નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી જણાય છે. જ્યારે કેટલીક બેઠકો ઉપર આમઆદમી પાર્ટીના અને અપક્ષ ઉમેદવારો પણ અપસેટ સર્જે તેવી શક્યતા છે. જોકે, ચુંટણી પ્રચાર વખતે મતદારો સામે વામણા લાગતા ઉમેદવારોમાં પરિણામો બાદ મોટો બદલાવ આવી જતો હોય છે. વળી, પ્રત્યેક ચુંટણી વખતે રાજકીય પક્ષોના ઢંઢેરામાં પ્રજાની સુવિધાઓ માટે અનેક લોલીપોપ અપાતા હોય છે. પરંતુ તે વચનો પૂર્ણ કરવામાં વર્ષોથી ચુંટાતા નગરસેવકો નિષ્ફળતાને વર્યા છે. સીટી બસ સેવા, નાગલપુર તળાવ બ્યુટીફીકેશન, ડમ્પીંગ સાઈટના સ્થળ ફેરફાર તેમજ પરા તળાવમાં બાળકો માટેની છુકછુક ટ્રેનની આજેપણ શહેરીજનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કચરો એકઠો કરવાના ડમ્પીંગ સાઈટનું સ્થળાંતર ક્યારે થશે?
મહેસાણા નગરપાલિકા દ્વારા સમગ્ર શઙેરમાંથી રોજેરોજ ૨૦ ટનથી વધુ સૂકો અને ભીનો કચરો એકઠો કરીને શોભાસણ રોડ ઉપર બનાવાયેલા ડમ્પીંગસાઈટે ભેગો કરવામાં આવે છે. જેના લીધે આ સ્થળે દુર્ગંધયુક્ત કચરાના પહાડ ઉભા થયા છે. ડમ્પીંગ સાઈટ અહીંથી ખસેડવા વર્ષોથી તંત્ર દ્વારા લોલીપોપ અપાય છે. ગત વર્ષે અહીં આગ ફાટી નીકળતાં આસપાસમાં રહેતા અનેક લોકોને ઝેરી ધુમાડાની અસર થઈ હતી. તેમછતાંય ચુંટાતા નગરસેવકોને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં ફુરસદ મળતી નથી.
નાગલપુર વિસ્તારમાં ગંદકીથી ખદબદી રહેલું તળાવ
મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.૧૦માં આવેલા નાગલપુર વિસ્તારમાં આવેલું તળાવ વર્ષોથી ગંદકીથી ખદબદી રહ્યું હોવાથી સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ તળાવનો બ્યુટીફીકેશ યોજના હેઠળ વિકાસ કરવાનો મુદ્દો પાલિકામાં ચર્ચાયો હતો. પરંતુ સ્થાનિક નગરસેવકો અને પાલિકાતંત્રની બેદરકારીને કારણે આ તળાવનો વિકાસ તો દૂર પણ સફાઈ પણ કરવામાં નહી આવતાં લોકો મચ્છરોનો ત્રાસ ભોગવી રહ્યા છે.
સીટી બસ સેવાનું ગાજર વર્ષોથી લટકતું રહ્યું છે
મહેસાણા શહેરમાં નગરપાલિકા સંચાલિત સીટી બસ શરૃ કરવા છેલ્લા દશેક વર્ષમાં અનેકવાર સત્તાધીશો દ્વારા ઠાલા વચનો આપવામાં આવ્યા છે. વખતો વખત યોજાતી સાધારણ સભામાં સીટી બસ સેવા અંગેનું ટેન્ડર રજૂ કરી લટકતું ગાજર રાખવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો જસ ખાટવાના હેતુથી રાજકીય રમત રમતા હોવાથી શહેરમાં હજુસુધી પ્રજાને સીટી બસની સુવિધા મળી શકી નથી.
વિવેકાનંદ લેકમાં બાળકો માટે છુકછુક ટ્રેન સપનું બની!
મહેસાણાની મધ્યમાં આવેલ પરા તળાવ તરીકે ઓળખાતા વિવેકાનંદ લેકને અમદાવાદના કાંકરીયા તળાવની તર્જ ઉપર વિકસાવવાનો પ્રોજેક્ટ પાલિકાએ શરૃ કર્યો હતો. જેમા ંબાળકો માટે ટ્રેન સહિતના આકર્ષણો મુકવાનું આયોજન હતું. લાખો રૃપિયાની ગ્રાન્ટ વપરાઈ ચુકી હોવાછતાં તળાવમાં જોઈએ તો બ્યુટીફીકેશન પ્રોજેક્ટ જાણે અધુરો હોય તેવું લાગે છે. જ્યારે બાળકો માટેની છુકછુક ગાડી ક્યારે દોડશે તેની અટકળો કરી નગરજનો મુછમાં મલકાઈ રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aCtVtT
0 Response to "મહેસાણા શહેરમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ચુંટણી ટાણે અપાતી લોલીપોપ"
Post a Comment