મહેસાણા નગરપાલિકામાં ટિકીટો જાહેર થતા ભાજપમાં ભડકો

મહેસાણા નગરપાલિકામાં ટિકીટો જાહેર થતા ભાજપમાં ભડકો

મહેસાણા,તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

મહેસાણા નગરપાલિકામાં ભાજપે પોતે બનાવેલા તમામ નીતિ-નિયમોને બાજુમાં મુકી ટિકીટો વહેંચી હતી. ૨૦૧૫નું ઈલેક્શન લડનારા માત્ર ૬ કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જ્યારે એક નગરસેવિકાનું પત્તું કાપ્યું છે. પ્રદેશ પ્રમુખે જે નિયમો બનાવ્યા હતા તે મહેસાણા નગરપાલિકામાં લાગુ કર્યા નથી કારણ કે, નીતિન પટેલની લાંબીવાળા તમામ નેતાઓને આરામથી ટિકીટ મળી ગઈ છે. સવારે ટિકીટ જાહેર થતા જ પિલાજીગંજ સ્થિત જિલ્લા કાર્યાલયે આગેવાનો અને કાર્યકરોએ જબરો હોબાળો મચાવ્યો હતો. લાગતા-વળગતાઓને જ ટિકીટની વહેંચણી કરતા ભાજપના નેતાઓની પોલ ખુલી ગઈ હતી. 

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આજે મહેસાણા નગરપાલિકાના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા હતા. ગઈકાલે મોડી રાત સુધી કોને ટિકીટ આપવી તે બાબતે અસમંજસભરી સ્થિતિ હતી. અંતે પ્રદેશ પ્રમુખે બનાવેલા નિયમોને ફાડીને ફેંકી દેવાયા હતા. વર્ષોથી ભાજપ માટે કામ કરતા તમામ કાર્યકર્તાઓને ઠેંગો બતાવાયો હતો. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે બાગીઓને તમામ લોકોનો વિરોધ છતાં ટિકીટો મળી ગઈ હતી. આમ જોવા જઈએ તો આ બન્ને નેતાઓને લોટરી લાગી હતી. કારણકે, મોડી રાત સુધી તેમની ટિકીટ પર મોવડીઓએ મહોર મારી નહોતી. પરંતુ અચાનક જ સવારે પેરાશૂટની જેમ તેમના નામો જાહેર કર્યા હતા. નામો જાહેર કરતા જ ભાજપમાં બળવા જેવી સ્થિતિ થઈ હતી. ગત પાંચ ટર્મમાં કોંગ્રેસે સારા કામો કર્યા હતા પરંતુ અંદરો-અંદરની લડાઈથી શહેરીજનો થાકી ગયા હતા. આ વખતે ભાજપ બાજી મારી જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ટિકીટ જાહેર થયા બાદ ભાજપમાં પણ અંદરો-અંદરની લડાઈ ચાલુ થઈ ગઈ છે. હવે જીત થશે કે કેમ તેની ઉપર પણ પ્રશ્નાર્થ છે. 

ભાજપે કરોડોનું કેમિકલ કૌંભાડ કરનારા વોર્ડ નં.૧૦માંથી ટિકીટ આપી છે. જ્યારે તાજેતરમાં જ ક્રિકેટના સટ્ટામાં પકડાયેલા આરોપીને પણ વોર્ડ નં.૧૧માં ટિકીટની લ્હાણી કરી છે. તેવી જ રીતે ત્રણ ટર્મથી ઉપર થયેલાઓને પણ વોર્ડ નં.૪માં સ્થાન મળ્યું છે. તો અમુક નગરસેવકો પૂર્વ મંત્રીઓના પીએ હોવાથી તેમજ કહેવાતા નેતાઓના અંગત મિત્ર હોવાથી ટિકીટ મળી છે. ટુંકમાં કહીએ તો ભાજપે જે ટિકીટો વહેંચી છે તેમાં કાર્યકર્તાઓને સાઈડ કરી સગાવાદને પ્રોત્સાહન આપ્યું છે.

પાસાની બે ફાઈલો દબાવવી પડી

મહેસાણા નગરપાલિકાની ચુંટણીમાં સામ-દામ-દંડ અને ભેદની નીતિ ભાજપે અપનાવી છે. જેમાં બે આરોપીઓની પાસાની ફાઈલો તૈયાર થઈ ગઈ હતી. પરંતુ ગાંધીનગરથી ભાજપના આકાઓએ પ્રેશર કરી આ ફાઈલો દબાવી દીધી હતી. આ બન્ને ઉમેદવારોમાંથી એકને ટિકીટ પણ મળી છે. અને અન્ય ઉમેદવારને ટિકીટ મળી નથી પરંતુ તે આજ ઉમેદવારને મદદ કરશે તેવી બાંહેધરી આપી છે.

ગત ચુંટણીના ૬ ઉમેદવારો રિપીટ, એકનું પત્તુ કપાયું

મહેસાણા નગરપાલિકામાં ભાજપે કોકિલા નિરંજન, કિર્તી શંકર, કનુ પટેલ, જનક બ્રહ્મભટ્ટ, કૌશિક વ્યાસ, કાનજી દેસાઈને રિપીટ કર્યા છે. જ્યારે બે ટર્મથી ભાજપમાંથી જીત હાંસલ કરી એકપણ વિવાદમાં ન રહેનાર નિશાબેન રાકેશ બારોટની ટિકીટ કાપી હતી. આમ આ નગરસેવકોમાંથી મોટાભાગના બે ટર્મથી વધારે ચુંટણી લડી ચુક્યા છે. અમુક ૪થી ટર્મ માટે લડી રહ્યા છે, ત્યારે ભાજપે બે ટર્મના નિયમો મહેસાણામાં નેવે મુક્યા હતા. ભાજપના મહામંત્રી બાબુજી ઠાકોર અને અંબાલાલ પટેલના સગા-વહાલાઓની પણ ટિકીટો કાપી છે. જ્યારે ગિરીશ રાજગોર, ભાવના ગોર અને મંગુબેન પ્રજાપતિને ટિકીટ મળી નથી.

ભાજપના પાયાના કાર્યકરો અપક્ષ લડશે

ભાજપે પોતાના પગ ઉપર કુહાડો મારી કાર્યકર્તાઓની ટિકીટો કાપી છે. આ ટિકીટો કાપતા ભાજપના જુના કાર્યકર્તાઓમાંથી રાકેશ શાહ વોર્ડ નં.૧માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવાના છે. આ ઉપરાંત વિષ્ણુ બારોટ,  અશ્વીન નાથા અપક્ષ ઉમેદવારી નોંધાવશે. આ લોકો ઉપરાંત ઘણાબધા કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી માટેની તૈયારી કરી લીધી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ચાર કોર્પોરેટર કપાયા

મહેસાણા નગરપાલિકાની ચુંટણી માટે ભાજપે પોતાના ૪૪ ઉમેદવારોના નામ જાહેર કરતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ભુતકાળમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છ પૈકી બે કોર્પોરેટરોને ટિકીટ મળી છે. જેમાં વોર્ડ નં.૪માં સંજય બ્રહ્મભટ્ટ અને પૂર્વ નગર સેવક રમેશ પટેલની પુત્રવધુને વોર્ડ નં.૬માં ટિકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ નગરસેવક મહેશભાઈ પટેલ, અયુબ બહેલીમ, પલ્લવીબેન પટેલ અને સુનિલ ભીલને ટિકીટ આપવામાં આવી ન હતી.

કાર્યકરોની ટિકીટો કપાતા ભાજપ પૂર્વ શહેર પ્રમુખ રડી પડયા

મહેસાણામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી માટે ઘમાસાણ મચ્યું છે. આજે ભાજપે ત્રણ પાલિકા, જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. મહેસાણા પાલિકા માટે ૪૪ ઉમેદવારોની જાહેરાત ભાજપ દ્વારા કરાઈ હતી. જોકે આ યાદીમાં ભાજપ યુવા મોરચાના સભ્યોને ટિકીટ નહી મળતા ભાજપના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ રડી પડયા હતા.

કોંગ્રેસમાંથી આવેલ ઉમેદવારોને ટિકીટ મળતા ભાજપમાં વિરોધ

મહેસાણા પાલિકાના કોંગ્રેસના પૂર્વનગરસેવક સંજય બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત રમેશભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. આ બન્ને પૈકી સંજય બ્રહ્મભટ્ટને વોર્ડ નં.૪માં ભાજપે ટિકીટ આપી છે. ઉપરાંત વોર્ડ નં.૧૧માં રમેશભાઈ પટેલની પુત્રવધુ સેજલબેન પટેલને ટિકીટ આપતા ભાજપના કાર્યકરોમાં ભારે વિરોધ નોંધાયો હતો. ભાજપના કાર્યકરોને ટિકીટ કાપી કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકીટ મળતા ભાજપ યુવા મોરચાના કાર્યકરો કમલમ ખાતે દોડી જઈ વિરોધ નોંધાવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ag0f5x

0 Response to "મહેસાણા નગરપાલિકામાં ટિકીટો જાહેર થતા ભાજપમાં ભડકો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel