અમદાવાદ જિ. પં.માં પ્રમુખ, ઉપપ્રમુખ, 4 સમિતિના ચેરમેનોની ટિકિટ કપાઇ
અમદાવાદ, તા.11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને ભાજપે તેના તમામ 34 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગત ટર્મમાં જેઓને ટિકિટ અપાઇ હતી તેમાંથી 33 સભ્યોની ટિકિટ આ વખતે કપાઇ ગઇ છે.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શિક્ષણ, સામાજિક ન્યાય અને બાંધકામ સમિતિના ચેરમેનોની પણ ટિકિટો કપાઇ છે. નવા સિમાંકનમાં સીટનો પ્રકાર બદલાઇ જતા મોટાભાગે ટિકિટો કપાઇ હોવાનું ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે.
મહત્વની બાબત એ છેકે ગત ટર્મમાં કોંગ્રેસમાં બળવો કરીને ભાજપમાં આવેલા કોંગ્રેસના સાત સભ્યોમાંથી એકપણ સભ્યને ભાજપે ટિકિટ આપી નથી. ગત ટર્મમાં ભાજપના 34 માંથી 18 સભ્યો ચૂંટાયા હતા તેમાંથી પણ આ વખતે ફક્ત બે સભ્યોને જ રિપિટ કરાયા છે. બાકીના બધા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લા પંચાયતમાં આ વખતે 34 સીટોમાંથી ફક્ત 2 સીટ પર જ ભાજપના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જેમાં કાવિઠા બેઠક પર રેખાબેન કાંતિલાલ લકુમ અને વિરોચનગર બેઠક પર અજમલભાઇ બારડને પાર્ટીએ ફરીથી ટિકિટ આપી છે. જ્યારે ધોલેરા બેઠક પર બાંધકામ સમિતિના ચેરમેન અન્નપૂર્ણાબા ચુડાસમાની ટિકિટ કાપીને ટિકિટ તેમના પતી દિગ્પાલસિંહ ચુડાસમાને અપાઇ છે.
જ્યારે હડાળા બેઠક પર સુરજિતસિંહ ગોહિલની ટિકિટ કાપીને તેમના પત્ની અલ્પાબા સુરજિતસિંહ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ આ વખતે અગાઉની ટર્મોમાં ભાજપના જિલ્લા સદસ્યો રહેલા બે લોકોને પણ ટિકિટ આપીને તેમને ખુશ કર્યા છે. જેમાં કોઠ બેઠક પર રમણભાઇ ભાણાભાઇ સોલંકી અને દેત્રોજ બેઠક પર દિવાનજી સુરસંગજી ઠાકોરને આ વખતે ફરીથી તક આપીને તેમની રાજનીતિમાં પ્રાણ ફૂંક્વામાં આવ્યા છે.
દેત્રોજની સુવાળા બેઠક સામાન્ય સ્ત્રીને ફાળવવાની હોવાથી આ બેઠકના મનુજી ઠાકોર કે જેઓ ગત ટર્મમાં કોંગ્રેસમાંથી આ સીટ પર ચૂંટાયા હતા અને પક્ષપલટો કરીને ભાજપમાં ભળી જઇ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન બન્યા હતા. તેવા મનુજી રાજાજી ઠાકોરની ટિકિટ આ બેઠક પરથી કપાઇ હતી. બીજી બાજુ ભાજપે તેઓને અન્ય કોઇ બેઠક પર ટિકિટ પણ ન આપી હતી.
ગત ટર્મમાં ભાજપે ટિકિટ આપી હોય અને આ વખતે ટિકિટ કાપી નાંખી હોય તેવી બેઠકઅને ઉમેદવારોની વાત કરીએ તો કોઠ બેઠક પરથી કિરીટસિંહ ડાભીની ટિકિટ પણ કપાઇ છે. જેએ ગત ટર્મમાં શિક્ષણ સમિતિના ચેરમેન હતા.
સામાન્યમાંથી અનુસુચિત જાતીની બેઠક બની જતા તેમની ટિકિટ સીધી કપાઇ ગઇ છે અને આ બેઠક પર રમણભાઇ ભાણાભાઇ સોલંકીને ટિકિટ અપાઇ છે. સિંગરવા બેઠક પર જવાનસિંહ ચૌહાણની ટિકિટ કપાઇ છે. આ બેઠક નવા સિમાંકનમાં સામાન્ય સ્ત્રી માટે અનામત બનતા આ બેઠક પર મીનાબેન કુંજનસિંહ ચૌહાણને ટિકિટ અપાઇ છે. જેઓ જવાનસિંહના કૌટુંબિક પુત્રવધુ છે.
નાંદેજ બેઠક પર ભાવિબેન નિખીલકુમાર પટેલ કે જેઓ ગત ટર્મમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા તેઓની ટિકિટ કાપીને મણીલાલ સોમાભાઇ ઠાકોરને ટિકિટ અપાઇ છે.જિલ્લા પંચાયતની ગટ ટર્મમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાધાબેન મંજીભાઇ સેનવાની ટિકિટ ઘોડા બેઠક પરથી કાપીને તેમના સ્થાને ભાવનાબેન જગદીશભાઇ વડલાણીને ભાજપે આ વખતે ટિકિટ આપી છે.
જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રહેલા જગદિશભાઇ મેણિયાની ટિકિટ કાપીને તેમની બેઠક શાહપુર સામાન્યમાંથી અનુસુચિત આદીજાતી સ્ત્રી અનામત બનતા લલીતાબેન કરશનભાઇ પઢારને ટિકિટ આ વખતે ટિકિટ અપાઇ છે.
ગત ટર્મના જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણને પણ આ વખતે પાર્ટીએ ટિકિટ આપી નથી. તેમની કાવિઠા બેઠક અનુસુચિત જાતિ સ્ત્રીને ફાળવાતા રેખાબેન કાંતીભાઇ લકુમને પાર્ટીએ ટિકિટ આપી છે.જેઓને પાર્ટીએ રિપિટ કર્યા છે. અસલાલીમાં મોહિનીબેન મહેશભાઇ ઠાકોરની ટિકિટ કાપીને મયુરીબેન વિરેન્દ્રભાઇ પટેલને ટિકિટ અપાઇ છે.
કાસીન્દ્રા બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાતા રાજેશભાઇ કેશાજી ઠાકોરની ટિકિટ આ વખતે કપાઇ છે તેમના સ્થાને વિનોદભાઇ ખોડાભાઇ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. માંડલ સીટ પર ઇચ્છાબેન પટેલની ટિકિટ કાપીને આ વખતે ભીખાભાઇ કરશનભાઇ વાઘેલાને ટિકિટ અપાઇ છે.વટામણ બેઠક પર વાસુભાઇ સોલંકીની ટિકિટ કાપીને ગોવિંદભાઇ ભીખાભાઇ મકવાણાને ટિકિટ અપાઇ છે.
કૌકા બેઠક પર દેવકુંવરબેન પ્રવિણભાઇની ટિકિટ કાપીને આ વખતે બાલુબેન ઇશ્વરભાઇ વેગડાને ટિકિટ અપાઇ છે. માણકોલ બેઠક પર હેમીબેન રમેશભાઇ પટેલની જગ્યાએ ધનજીભાઇ ધીરૂભાઇ ગોહેલને ટિકિટ અપાઇ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pd5A1E
0 Response to "અમદાવાદ જિ. પં.માં પ્રમુખ, ઉપપ્રમુખ, 4 સમિતિના ચેરમેનોની ટિકિટ કપાઇ"
Post a Comment