અમદાવાદમાં 4 ટકા મતદાન ઘટ્યું સૌથી વધુ સુરતમાં 7 ટકા મતદાન વધ્યું
અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર
અમદાવાદ સહિતની છ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન રવિવારે પૂર્ણ થયા બાદ આજે ચૂંટણી પંચ દ્વારા મતદાનની ફાઈનલ ટકાવારી સાથેનો રિપોર્ટ જાહેર કરાયો છે.જે મુજબ અમદાવાદમાં 4 ટકા જેટલુ મતદાન ઘટયુ છે અને સૌથી વધુ સુરતમાં 7 ટકા મતદાન વધ્યુ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાનના ફાઈનલ આંકડા મુજબ અમદાવાદમાં હાલની ચૂંટણીમાં 42.50 ટકા મતદાન નોંધાયુ છે .જે ગત 2015ની ચૂંટણીમાં 46.51 ટકા હતુ. સુરતમાં 47.10 ટકા મતદાન થયુ છે.જે ગત ચૂંટણીમાં 39.93 ટકા હતુ. રાજકોટમાં 50.70 ટકા મતદાન નોંધાયુ છે,જે ગત ચૂંટણીમાં 50.40 ટકા હતુ. વડોદરામાં 48.71 ટકા મતદાન આ વખતની ચૂંટણીમાં નોંધાયુ છે.
જે ગત 2015ની ચૂંટણીમાં 47.70 ટકા હતુ. જામનગરમાં 56.77 અને ભાવનગરમાં 47.49 ટકા મતદાન ટકાવારી રહી છે.જે અનુક્રમે ગત ચૂંટણીમાં 53.40 ટકા અને 49.50 ટકા રહ્યુ છે. આમ અમદાવાદમાં 4.01 ટકા મતદાન ગત ચૂંટણી કરતા ઘટયુ છે અને સુરતમાં સૌથી વધુ 7 .17 ટકા મતદાન વધુ નોંધાયુ છે. રાજકોટમાં માત્ર 0.3 ટકા અને વડોદરામાં 0.91 ઘટયુ છે.
જ્યારે જામનગરમાં 3.37 ટકા મતદાન ઘટયુ છે અને ભાવનગરમાં 2.01 ટકા મતદાન ગત ચૂંટણી કરતા વધ્યુ છે. મહત્વનું છે કે 2021 પહેલા ની છેલ્લી ચાર ચૂંટણીની વાત કરીએ તો અમદાવાદમાં 2000ના વર્ષણાં 37.36 ટકા ,2004મા 30.39 ટકા ,2010માં 44.12 ટકા અને 2015માં 46.51 ટકા મતદાન નોંધાયુ હતું.
ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ 2015ની સરખામણીએ 2021ની છ મહાનગર પાલીકાઓની ચૂંટણીમાં મતદાન ઘટયુ છે. જો કે વધારો પણ થયો નથી. 2015ની સરખામણીએ માત્ર 0.29 ટકા મતદાન વધ્યુ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 11466867 મતદારોમાંથી 5283409 મતદારોએ મતદાન કર્યુ છે.
જેમાં અમદાવાદમાં 1965946 મતદારોએ મતદાન કર્યુ છે.રાજકોટમાં 554857, જામગનરમાં 261045 ,ભાવનગરમાં 259612 અને સુરતમાં 1550035 મતદારોએ મતદાન કર્યુ છે. મતદાન કરનારા કુલ મતદારોમાં પુરૂષ મતદારો 2980433 અને સ્ત્રી મતદારો 2302976 છે. ટકાવારી મુજબ પુરૂષ મતદારોની ટકાવારી 49.18 ટકા અને સ્ત્રી મતદારોની 42.60 ટકા છે.
અમદાવાદમાં મતદાન ઘટવા પાછળ લોકોનું સ્થળાંતર પણ એક કારણ
રાજ્યની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં 2015ની સરખામણીએ માત્ર 0.29 ટકા જેટલો નહિવત ફેરફાર મતદાનમાં નોંધાયો છે.અમદાવાદમાં 4 ટકાથી વધુનું મતદાન ઘટયુ છે ત્યારે જેની પાછળ કોરોનામાં લોકોએ કરેલુ સ્થળાંતર પણ એક કારણ ગણી શકાય.
2015ની સરખામણીએ અમદાવાદમાં મતદારો વધ્યા છે પરંતુ તેમ છતાં મતદાન વધવાને બદલે સારૂ એવુ ઘટયુ છે. અમદાવાદમાં રાજ્યના અન્ય જિલ્લાઓ-ગામોમાંથી અને રાજ્ય બહારથી હજારો લોકો નોકરી-ધંધા માટે આવે છે અને પછી સ્થાયી વસવાટ કરી લેતા હોય છે.કોરોના દરમિયાન અમદાવાદમાંથી લાખો લોકાનું સ્થળાંતર પોતાના વતનમાં થયુ હતુ.
કોરોનાની સ્થિતી સુધરી જતા લોકો હવે અમદાવાદમાં નોકરી-ધંધા માટે પરત તો આવી ગયા છે પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જેઓએ હંમેશ માટે અમદાવાદને અલવીદા કહી દીધી છે અને તેઓએ વતનમાં સ્થળાંતર કર્યા બાદ હવે અમદાવાદ ફરી પરત આવવાનું વિચાર્યુ નથી.આ કારણને લીધે પણ અમદાવાદના કોર્પોરેશન ચૂંટણીના મતદાનમાં થોડો ઘટાડો થયો હોઈ શકે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NV2NNO
0 Response to "અમદાવાદમાં 4 ટકા મતદાન ઘટ્યું સૌથી વધુ સુરતમાં 7 ટકા મતદાન વધ્યું"
Post a Comment