આણંદ જિલ્લામાં મહામારીનું ભયાવહ સ્વરૂપ

આણંદ જિલ્લામાં મહામારીનું ભયાવહ સ્વરૂપ


- રોજના ૧૦૦ વધુ દર્દીઓ નોંધાતા કેસોની કુલ સંખ્યા ૫૭૦૦ને પાર : વધુ ચાર બાળકો પણ સંક્રમિત થયા ઃ કોરોનાકાળમાં સૌથી વધુ કેસ નોંધાતા ફફડાટ

આણંદ


આણંદ જિલ્લામાં કોરોનાની મહામારી દિનપ્રતિદિન ભયાવહ સ્વરૂપ ધારણ કરતી જાય છે ત્યારે જિલ્લામાં આજે વિક્મજનક ૨૦૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. મે માસના પ્રારંભથી જ આણંદ જિલ્લામાં કોરોના વકર્યો છે અને પ્રતિદિન કોરાના કુલ કેસોની સંખ્યા સદીથી ઉપર રહેવા પામી છે અને જિલ્લામાં કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૫૭૦૦ને પાર કરી ગઈ છે. બીજી તરફ હાલ એક્ટીવ કેસો પૈકી ૫૦ ટકાથી વધુ દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

મે માસની શરૂઆતથી જ કોરોનાની લહેર વધુ ઘાતક બનતા આણંદ જિલ્લામાં પ્રતિદિન ૧૦૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે અને મે માસના પ્રથમ પાંચ દિવસમાં જ કુલ ૭૨૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ભારે ખળભળાટી મચી જવા પામી છે. તંત્રના અથાગ પ્રયત્નો કરવા છતાં જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલ કોરોનાનું સંક્રમણ તંત્ર માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ જિલ્લાના વડામથક આણંદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો કોરોનાથી સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. 

આણંદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિન-પ્રતિદિન મોટી સંખ્યામાં પોઝીટીવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. 

જિલ્લામાં કોરોના બેકાબુ બનતા ગતરોજ ૧૫૭ પોઝીટીવ કેસ નોંધાયા હતા. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થતા ગતરોજ જિલ્લામાં ચાર બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે આણંદ તાલુકામાંથી ૧૦૧, બોરસદ તાલુકામાંથી ૧૯, પેટલાદ તાલુકામાંથી ૧૦, ઉમરેઠ તાલુકામાંથી ૯, તારાપુર તાલુકામાંથી ૮, ખંભાત તાલુકામાંથી ૪ અને આંકલાવ તથા સોજિત્રા તાલુકામાંથી ૩-૩ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.

ગંજબજાર બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય

આણંદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાના બોરસદ તાલુકામાં પણ કોરોનાની ગતિ તેજ થતા બોરસદના મહાત્મા ગાંધી ગંજ બજાર એસોસીએશન દ્વારા લોક હિત માટે અને કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી આગામી ૧૦ દિવસ સુધી બપોર બાદ ગંજ બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને ગંજબજારના તમામ વેપારીઓએ સમર્થન આપતા તા.૬ મેથી તા.૧૫ મે સુધી બપોરના બાદ ગંજ બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવનાર છે. સવારના સુમારે દુકાનો રાબેતા મુજબ ચાલશે.

આણંદ જનરલ હોસ્પિટલની ૯ નર્સો સંક્રમિત

કોરોના વોરીયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. આણંદ શહેરની જનરલ હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતી ૯ જેટલી નર્સ કોરોનામાં સપડાઈ હોવાના અહેવાલ સાંપડયા છે. આ તમામ નર્સ હાલ હોમ આઈસો લેશનમાં હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ જનરલ હોસ્પિટલની ૯ નર્સો કોરોનાથી સંક્રમિત થતા હાલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ વર્તાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

યુનિ.ના તમામ વિભાગો બે દિવસ સુધી બંધ રહેશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટી વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ કોરોનામાં સપડાતા ગતરોજ યુનિ. સત્તાધીશોએ યુનિ.ના તમામ કાર્યાલાય, ભાઈકાકા લાયબ્રેરી, યુનિવર્સિટી પ્રેસ, મ્યુઝીયમ, યુસીક, જી.એચ.પટેલ કોમ્પ્યુટર સેન્ટર તા.૬ અને ૭ મે એમ બે દિવસ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બાદમાં શનિવાર અને રવિવારે જાહેર રજા હોઈ આ વહીવટી વિભાગો ચાર દિવસ માટે બંધ કરી દેવાયા છે. તા.૧૦મી મેના રોજથી આ કાર્યાલયો રાબેતા મુજબ ચાલુ થનાર છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eqp6pm

0 Response to "આણંદ જિલ્લામાં મહામારીનું ભયાવહ સ્વરૂપ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel