મહુવાના કંટાસર ગામની મહિલાનુ કોરોનાથી મોત
- શહેરમાં કોરોનાના ૩૩ અને જિલ્લામાં ૧૦ મળી કુલ ૪૩ કેસ નોંધાતા ગભરાટ : કુલ આંક ૬,૯૭૧ : કોરોનાના રપ દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ, ૩૯૪ દર્દી સારવાર હેઠળ
કોરોના વાયરસનો કહેર ભાવનગર શહેર-જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે તેથી લોકો પરેશાન છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૪૩ કેસ નોંધાયા હતાં. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે કોરોનાથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામની મહિલાનુ મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૪૩ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૩૩ કેસ નોંધાયા હતા, જેમાં ર૬ પુરૂષ અને ૭ સ્ત્રીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા હતા, જેમાં સિહોર તાલુકાનાં પાલડી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કંથારીયા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં લંગાળા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ગઢુલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨ , સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાનાં પચ્છેગામ ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા ૩૮ વર્ષીય મહિલાનુ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. કોરોનાએ મહિલાનો ભોગ લેતા કુલ મૃત્યુઆંક ૭૧એ પહોંચી ગયો છે.
જિલ્લામાં રપ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી, જેમાં મહાપાલિકાના ર૧ અને તાલુકામાં ૪ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૬,૯૭૧ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૩૯૪ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૭૧દર્દીઓના મોત નિપજયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના રોજ આશરે ૪૦ થી ૪૯ વચ્ચે કેસ નોંધાય રહ્યા છે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ ઘટે તે માટે સરકારી તંત્રએ પગલા લેવા જરૂરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wmuOiM
0 Response to "મહુવાના કંટાસર ગામની મહિલાનુ કોરોનાથી મોત"
Post a Comment