હાઈવેના કામને લઈ પસવી ગામે 600 લોકોએ કર્યો રોડ ચક્કાજામ
- ૨૫થી ૩૦ ગામના સરપંચ, જિ.પં. અને તા.પં.ના સભ્યો આંદોલનમાં જોડાયા, બન્ને સાઈડ વાહનોની લાંબી કતાર લાગી ઃ અધિકારીઓને દોડી જવું પડયું
તળાજાના પસવી ગામે ભાવનગર-સોમનાથ હાઈવે રોડનું કામ શરૂ ન કરાતા ગ્રામજનો ભારે રોષે ભરાયા છે. ૧લી એપ્રિલ સુધીનું તંત્રને અલ્ટીમેટમ આપ્યા છતાં રસ્તાનું કામ આદરવામાં ન આવતા આખરે સરપંચો, પંચાયતના સભ્યો સહિતના ૬૦૦ જેટલા લોકોએ રોડ ચક્કાજામ કરી દીધો હતો. જેના કારણે અધિકારીઓને દોડતા આવવું પડયું હતું.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ વર્ષોથી મંથરગતિએ થઈ રહ્યું છે. વારંવાર આંદોલન-રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મનમાની ચલાવી રોડનું કામ કરવામાં આવી રહ્યું ન હોય, ગત તા.૧૯-૩ના રોજ પસવી ગામના લોકો અને આસપાસના ગામના સરપંચોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી ૧લી એપ્રિલ સુધીમાં નેશનલ હાઈવેના રોડનું કામ શરૂ કરવા માગણી કરી હતી. પરંતુ તંત્રના બહારા કાને લોકોની મુશ્કેલીનો અવાજ ન પહોંચતા આજે ગુરૂવારે સવારે પસવી ગામે ૨૫ થી ૩૦ ગામના સરપંચ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિતધ ૫૦૦ થી ૬૦૦ લોકોએ રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું.
ચક્કાજામને કારણે પસવીથી સાંકડાસર નં.-૧ અને પસવીથી જાગધાર તરફનો બન્ને સાઈડનો રસ્તો બ્લોક થઈ જતાં વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. પાદરીથી રામપરા રોડને ઈમરજન્સી વાહનો માટે ખુલ્લો રખાયો હતો. બે કલાક સુધી રોડ ચક્કાજામની હકીકત સામે આવતા તળાજા પ્રાંત અધિકારી, મામલતદાર, સીપીઆઈ, બગદાણા, દાઠા અને તળાજા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પ્રાંત અધિકારીએ રોડનું કામ આવતીકાલ તા.૨-૪થી શરૂ કરી દેવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રોડ ચક્કાજામ થતાં એસ.ટી. બસનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dwpYXT
0 Response to "હાઈવેના કામને લઈ પસવી ગામે 600 લોકોએ કર્યો રોડ ચક્કાજામ"
Post a Comment