કાલથી ભાવનગર મહાપાલિકામાં રીબેટ યોજના સાથે મિલકત વેરો સ્વીકારવાનું શરૂ થશે
- જુની પધ્ધતિમાં પણ વ્યાજમાફી સ્કિમ : વેરો ભરવા આવનારે માસ્ક, સામાજીક અંતરના નિયમનું પાલન કરવું પડશે
- એપ્રિલ માસમાં ૧૦ ટકા રીબેટ અને મેમાં ૫ ટકા રીબેટ મળશે ઃ ઓનલાઇન પેમેન્ટ કરનારને ૨ ટકા વધુ રીબેટ મળશે
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકામાં આગામી તા.૩ એપ્રિલને શનિવારથી મિલકત વેરો સ્વીકારવામાં આવશે. કરદાતાઓને રીબેટ યોજનાનો લાભ મળશે.
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતે તા.૩-૪ થી મિલકત વેરો સવારે ૧૦.૩૦ થી બપોરે ૨.૩૦ અને બપોરે ૩ થી ૫ દરમિયાન (જાહેર રજાઓ તથા શનિ-રવિવાર સહિતના તમામ દિવસો) સ્વીકારવા નિર્ધારિત કરાયેલ છે. હાલમાં ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની રિબેટ યોજના ચાલુ છે જેમાં તમામ વેરો એકી સાથે ભરપાઇ કર્યેથી એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર ૧૦ ટકા રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર ૫ ટકા સુધીનું રિબેટ તથા પી.ઓ.એસ., મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. બીએમસીગુજરાત.કોમ પર ઓનલાઇન તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત પેમેન્ટ કરવા પર વધુ ૨ ટકા રિબેટ મળવાપાત્ર છે. વધુમાં ઘરવેરાની જુની કર પધ્ધતિમાં છેલ્લા ચાર વર્ષ (એટલે કે વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૧૨-૧૩)ની રકમ એપ્રિલ માસ દરમિયાન એકીસાથે ભરપાઇ કર્યેથી ૪ વર્ષ તથા વ્યાજમાફીની સ્કીમ હેઠળ અગાઉની તમામ વેરાની રકમ (પાણી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ સિવાય) માંડવાળ થશે તથા વ્યાજની રકમનું ૧૦૦ ટકા રિબેટ મળશે.
શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની આકર્ષક રીબેટ યોજનાનો તથા જુની કરપદ્ધતિમાં ચાર વર્ષની તથા વ્યાજ માફીની સ્કીમનો સત્વરે લાભ લઇ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતેની કેશબારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઇ કરવા મહાનગરપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. કરદાતાઓએ રૂબરૂ વેરો ભરપાઇ કરવા આવતી વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ પાલન કરવાનું રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oklf2U
0 Response to "કાલથી ભાવનગર મહાપાલિકામાં રીબેટ યોજના સાથે મિલકત વેરો સ્વીકારવાનું શરૂ થશે"
Post a Comment