
કલરની મોટાપાયે ખરીદી, પોલીસ માટે આજનો દિવસ પડકારજનક
- જાહેર રસ્તાઓ ઉપર લોકોને ધૂળેટી રમતા પોલીસ અટકાવે તેવી શક્યતા, શેરી-ગલી, સોસાયટી, એપાર્ટમેન્ટ બાબતે પોલીસ શું કરશે તે જોવું રહ્યું
શહેરમાં કોરોનાના વધતા કેસોને કારણે આવતીકાલે રંગોત્સવ મનાવવા પર પ્રતિબંધ છે તો બીજી તરફ આજે સાંજે મોટા પાયે કલર, પીચકારી વગેરેનું વેચાણ થયું હતું. આ સ્થિતિમાં પોલીસ માટે આવતીકાલ પડકારજનક રહેશે. આવતીકાલે પોલીસ માત્ર જાહેર રસ્તાઓ કે જાહેર જગ્યાઓ ઉપર લોકોને ધૂળેટી રમતા અટકાવશે કે પછી સોસાયટી, શેરી-ગલીઓમાં પણ અટકાવશે તે જોવાનું રહેશે.
ધૂળેટી અંગે પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ધૂળેટીના દિવસે લોકો જાહેર રસ્તાઓ કે જાહેર જગ્યાઓ ઉપર રાહદારીઓ ઉપર કોરા રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ વગેરે પોતાની સાથે લઈ પણ નહીં જઈ શકે અને ફેંકી પણ નહીં શકે. લોકો જાહેર રસ્તા ઉપર રંગ ઉડાડવા આમથી તેમ દોડી પણ નહીં શકે. પાર્ટી પ્લોટ, રીસોર્ટ્સ, બગીચા, ખાનગી હોટલોમાં પણ રંગોત્સવ નહીં મનાવી શકે. એકબીજા સાથે હસ્તમિલાપ, ગળે લગાવવું કે રંગ લગાડી પણ નહીં શકે.
લોકોને ભીડભાડ એકત્રીત નહીં કરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. પોલીસ કમિશનરના આ જાહેરનામા બાદ કલરની બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. વેપારીઓના જણાવ્યા પ્રમાણે દર વખત કરતા આ વખતે ૫૦ ટકા જ ઘરાકી છે. પરંતુ આજે સાંજે બજારોમાં કલરની મોટાપાયે ખરીદી નીકળી હતી. કેટલાય લોકોએ કલરના બાચકાની પણ ખરીદી કરી હતી. જે જોતા આવતીકાલે ઘણાં લોકો ધૂળેટી મનાવશે તે સ્પષ્ટ થઈ ગયું છે.
આ સ્થિતિમાં પોલીસ શું કરશે તેનો આવતીકાલે ખ્યાલ આવશે. ડીસીપી પ્રવીણકુમાર મીનાએ જણાવ્યું કે, સમગ્ર શહેરમાં ધૂળેટી રમવા ઉપર પ્રતિબંધ છે. એકંદરે જોતા કાલે પોલીસ જાહેર રસ્તાઓ ઉપર તો ધૂળેટી રમતા લોકોને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરે તેમ જણાય છે, પરંતુ સોસાયટી વિસ્તાર, શેરી-ગલીઓમાં, એપાર્ટમેન્ટમાં રમાતી ધૂળેટી બાબતે પોલીસ કેવું વલણ અપનાવે છે તેનો આવતીકાલે ખ્યાલ આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O1V8gZ
0 Response to "કલરની મોટાપાયે ખરીદી, પોલીસ માટે આજનો દિવસ પડકારજનક"
Post a Comment