
હોળીની ઝાળ નૈઋત્યથી ઈશાન તરફ જતા વર્ષ સોળ આની થવાનો સંકેત
- વાતાવરણ શુધ્ધ કરવા લોકોએ કપુર - ગુગળ જેવા ઓૈષધો હોળીમાં હોમ્યા, પરંપરા જાળવી
- ફાગળની પૂનમનો ચંદ્રમાં નિર્મળ જોવા મળતા સારો વરસાદ થશે, પવનની ગતિ શરુઆતમાં ધીમી રહી
- કોરોનાથી મુક્તિની પ્રાર્થના સાથે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર હોલિકા દહન
રાજકોટ
ફાગણી પૂનમનાં ચંદ્ર અને હોળીની ઝાળનું ખગોળીય અને જયોતિષશાસ્ત્રની દષ્ટિએ એક વિશેષ મહત્વ સદીઓથી રહયુ છે. આજે સાંજે રાજકોટ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં સાંજે હોલીકા દહન કરવામાં આવ્યુ હતુ. પરંપરાગત રીતે હોળીની ઝાળ કઈ દિશા તરફ જાય છે તેના પરથી આગામી વર્ષ કેવુ રહેશે તેનો વર્તારો આપવામાં આવે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આજે હોળીની ઝાળ નૈઋત્યથી ઈશાન તરફ જતા વર્ષ સોળ આની થવાના શુભ સંકેત જયોતિષીઓ અને અભ્યાસુઓએ આપ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધૂળેટીનું રંગપર્વ કોરોનાની મહામારીને લીધે સાદગીપૂર્ણ બની રહેશે. સામાન્ય રીતે તહેવારોએ જનસમાજમાં આનંદ-પ્રેમ અને ઉત્સાહનો માહોલ સર્જાતા હોય છે, પરંતુ કોરોનાની મહામારીના દિન-પ્રતિદિન વધતા જતા કેસને લીધે આ વર્ષે ધૂળેટીના રંગપર્વમાં લોકોની ભીડ એકઠી ન થાય તે અત્યંત જરૂરી છે તેથી કોવિડની ગાઈડલાઈન પ્રમાણે જાહેરમાં રંગ ઉડાડવા પર પાબંદી મુકવામાં આવી છે. અલબત્ત આજે હોલીકા દહનના અનેક સ્થળે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લોકો મોડી રાત્રિ સુધી હોલિકાની પ્રદક્ષિણા કરી કોરોનાની મહામારીનું દહન કરવાની શ્રદ્ધાભેર પ્રાર્થના કરી હતી. દ્વારકાના જગપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત સૌરાષ્ટ્રની તમામ હવેલીઓમાં આજે બપોરે ફુલડોલ ઉત્સવ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ઉજવાયો હતો. સાંજે હોલિકા દહન કરાયું હતું.
ફાગણી પૂનમનો ચંદ્રમાંનું પણ ખગોળીય રીતે એક વિશેષ મહત્વ છે. આજે સાંજે ફાગણી પૂનમનો ચાંદ સોળે કળાએ ખીલી ઉઠયો હતો. ચંદ્ર નિર્મળ જોવા મળ્યો તેના પરથી એવા વર્તારો અપાયો છે કે કોઈ ગાજવીજ વિના સારો વરસાદ પડશે અને વનરાજી ખીલી ઉઠશે. ઉતરથી દક્ષિણ તરફ હોળીની ઝાળ હોય તો દુષ્કાળ પડે અને વાયવ્યથી અગ્નિ દિશાનો પવન હોય તો તાપ - તડકો ખુબ પડે વરસાદ ઓછો થાય પરંતુ જો પશ્ચીમથી પૂર્વ અથવા નૈઋત્યથી ઈશાન તરફ ઝાળ જતી હોય તો સારુ વર્ષ રહેશે. આ વર્ષે સોૈરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારમાં હોળીની ઝાળ નૈઋત્યથી ઈશાન તરફ જતા વર્ષ ૧૪ થી ૧૬ આની થવાનો સંકેત છે. રાજયમાં બધે જ પવનની દિશા એક સરખી હોતી નથી.
રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં સાંજે આઠેક વાગ્યે પવનની ગતિ ઓછી જોવા મળી હતી એટલે અમુક એરીયામાં વરસાદની ખેંચ પડે પરંતુ વર્ષ સારુ જશે તેવુ જયોતિષીઓ અને ખગોળશાસ્ત્રનાં જાણકારોનું માનવુ છે. સોૈરાષ્ટ્રમાં ગામે ગામ લોકોએ હોળી પ્રગટાવી કોરોનામાંથી મુકિત મળે તેવી પ્રાર્થના સાથે વાતાવરણ શુધ્ધ બને તે માટે કપુર - ગુગળ જેવા ઓૈષધોની અગ્નિમાં હોમ્યા હતા. પરંપરાગત રીતે ખજુર, ધાણી, દાળીયા અને શ્રીફળ હોમી પ્રદક્ષિણા કરવાની પરંપરા લોકોએ કોરોના કાળમાં પણ જાળવી રાખી હતી. રાજકોટમાં દસ વાગ્યે કરફયુ લાગી જતો હોય આઠેક વાગ્યે હોળી પ્રગટાવી દેવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QBx1qb
0 Response to "હોળીની ઝાળ નૈઋત્યથી ઈશાન તરફ જતા વર્ષ સોળ આની થવાનો સંકેત"
Post a Comment