
ઠગ ટોળકી નકલી ટ્રેનિંગ સેન્ટરનો સંકેલો કરે તે પહેલા જ ઝડપાઈ
- આરોપીઓ ૧૦ દિ'ના રિમાન્ડ પર, આઈટી એક્ટનો ઉમેરોઃ તપાસ ક્રાઈમ બ્રાંચ પાસેથી લઈ એસઓજીને સોંપી દેવાઈ
રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીના છ સભ્યો હિમાંશુ ઉદયભાણ પાંડે, શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદ પ્રસાદ ગુપ્તા, સૂરજમોરે રમેશમોરે (રહે. ત્રણેય લખનઉ), શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખ દલસાણીયા (રહે. ફલ્લા ગામ), કલ્પેશ પ્રભુદાસ શેઠ (રહે. સોલા, તા.અમદાવાદ) અને ઈકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી (રહે. રાજપીપળા)ને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરી તા.૬ એપ્રિલ સુધી ૧૦ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો દોર જારી રાખ્યો છે.
આ કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો હતો. એટલું જ નહીં તત્કાળ ક્રાઈમ બ્રાંચે લખનઉ સ્થિત ઠગ ટોળકીએ બનાવેલા રેલવેના નકલી ટ્રેનિંગ સેન્ટર પર દરોડો પાડી ત્યાંથી પણ અમુક આરોપીઓને ઉપાડી લીધા હતા. પરંતુ હવે આ કેસની તપાસ એસઓજીને સોંપી દેવામાં આવી છે. ઠગ ટોળકીએ રેલવેની નકલી વેબસાઈટ પણ બનાવી હોવાથી આઈટી એક્ટનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે ઠગ ટોળકીએ અત્યાર સુધી ૪૨ યુવાનોને રેલવેમાં નોકરીની લાલચ આપી લાખોના શીશામાં ઉતાર્યા હતા. ભોગ બનનાર યુવાનોમાં ૨૦ ઉત્તરપ્રદેશના, ૧૨ કર્ણાટકના, ૮ ગુજરાતના, ૧-૧ રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો છે. આ તમામ ભોગ બનનાર યુવાનોને ઠગ ટોળકી લખનઉં રેલવે સ્ટેશન નજીક જ પડતર મકાનમાં ટ્રેનિંગ આપતી હતી. આ ટ્રેનિંગ સેન્ટર પણ ગત શુક્રવારે જ્યારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડયો તેના બીજા દિવસે બંધ થઈ જવાનું હતું.
કોઈને શંકા ન જાય તે માટે ગઠિયા ટોળકી ટ્રેનિંગ સેન્ટર સવારે ૭ થી ૮ઃ૩૦ સુધીની શિફટમાં ચલાવતી હતી. ભોગ બનનારા યુવાનોને એ અને બી બેચમાં વહેંચી દેવાયા હતા. એક દિવસ એ બેચને અને બીજા દિવસે બી બેચને તાલિમ આપતા હતા. હોળી-ધૂળેટીનો તહેવાર હોવાથી તેના બહાના હેઠળ ગત શનિવારથી ટ્રેનિંગ સેન્ટર બંધ કરી ઠગ ટોળકી પલાયન થઈ જવાનો પ્લાન બનાવતી હતી, પરંતુ તે પહેલાં જ ક્રાઈમ બ્રાંચની ટૂકડી પહોંચી જઈ ઝડપી લીધા હતા.
આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ અમદાવાદનો કલ્પેશ શેઠ છે. આ અગાઉ તે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં નોકરી ઉપરાંત મેડિકલ એન્ટ્રેન્સ ટેસ્ટમાં પાસ કરાવી આપવાના નામે પાંચેક વખત કૌભાંડ આચરી ચૂક્યો છે. જેથી તેના વિરુદ્ધ અમદાવાદના અડાલજ, નરોડા, નવરંગપુરા, સોલા અને બોપલ પોલીસ મથકમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે. આમ છતાં સુધરવાનું નામ લેતો ન હોય તેમ વધુ એક વખત કૌભાંડ આચર્યું હતું.
રાજકોટમાં ઠગ ટોળકી વિરુદ્ધ કુલ ૮ ભોગ બનનારાઓએ ૬૮ લાખની ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાકીના ભોગ બનનારાઓ પોતાના રાજ્યમાં ફરિયાદ નોંધાવી શકે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3syn2jx
0 Response to "ઠગ ટોળકી નકલી ટ્રેનિંગ સેન્ટરનો સંકેલો કરે તે પહેલા જ ઝડપાઈ"
Post a Comment