નિવૃત PSI અને તેમના પુત્રને નોકરીની લાલચ આપી 58.55 લાખની ઠગાઈ
અમદાવાદ, તા. 18 ફેબ્રૂઆરી, 2021, ગુરૂવાર
ગોતામાં રહેતા વેપારી અને તેના નિવૃત પીએસઆઈ પિતાને પોતાની કંપનીમાં નોકરી રાખવાની તથા કંપનીમાં નાણાં રોકવાથી સારો નફો થશે કહીને રૂ.58,55,000નું રોકાણ કરાવીને છેતરપિંડી કરી હતી. બે આરોપીએ કંપની બંધ કરી દઈ વિશ્વાસગાત કરતા તેમની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ ગોતામાં રોયલ રેસીડેન્સીમાં રહેતા ભાવેશપુરી મહેન્દ્રપુરી બાવા(31) પોતાના ઘરેથી ઓનલાઈન ઈલેકટ્રોનિક્સનો વ્યવસાય કરે છે. તેમના પિતા મહેન્દ્રપુરી બાવા પીએસઆઈ તરીકે નિવૃત થયેલા છે. 2017માં ભાવેશપુરીની ઓળખાણ નવરંગપુરામાં પારૂલ સોસાયટીમાં રહેતા દર્શન પ્રવિણચંદ્ર વ્યાસ સાથે થઈ હતી.
બાદમાં દર્શન મારફતે સુરતમાં રહેતા વિશાલ રમેશભાઈ ગાંધી સાથે ઓળખ થઈ હતી. દર્શન ધર્મ હેલ્થકેર નામથી પ્રોપરાઈટરશીપ ધરાવે છે. જ્યારે દર્શન અને વિશાલ સંયુક્ત રીતે રીધમ ડિવાઈન હેલ્થ કેરના નામે દવા ટ્રેડીંગ કંપનીની ભાગીદારી પેઢી ચલાવે છે. બન્ને કંપનીમાં દવા બનાવવાનું તતા ટ્રેડીંગનું કામ કરતા હોવાનું તેમણે ભાવેશપુરીને કહ્યું હતું.
મહેન્દ્રપુરી બાવા નિવૃત થતા તેમને પીએફ અને ગ્રેજ્યુઈટીના નાણાં મળ્યા હતા.આથી આ બન્ને શક્સોએ ભાવેશપુરીને આ પેઠીઓમાં રોકાણ કરવા કહ્યું હતું. તેમની કંપનીમાં પૈસા રોકવાથી સારો નફો મળશે તેમજ ભાવેશપુરી અને તેમના પિતા મહેન્દ્રપુરીને કંપનીમાં નોકરી રાખવાની લાલચ પણ આપી હતી.
આથી તેમણે આરોપીઓના વિસ્વાસમાં આવીને તેમની કંપનીમાં ટુકડે ટુકડે કુલ રૂ.58,52,000નું રોકાણ કર્યું હતું.બાદમાં ભાવેશપુરીને રીધમ ડિવાઈન હેલ્થ કેરમાં એક્ઝીક્યુટીવ તરીકે અને મહેન્દ્રપુરીને ધર્મ હેલ્થ કેરમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી પર રાખ્યા હતા.
જોકે આરોપીઓએ માર્ચ 2019થી પિતા પુત્રને પગાર આપતા ન હતા. આથી બન્નેએ નોકરી છોડી દીધી હતી. તે સિવાય આરોપીઓે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા. આથી ભાવેશપુરીએ બન્ને આરોપી વિરૂધ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qydsw1
0 Response to "નિવૃત PSI અને તેમના પુત્રને નોકરીની લાલચ આપી 58.55 લાખની ઠગાઈ"
Post a Comment