લખતર તાલુકાના કેસરિયા ગામ પાસે નદી પર પુલ બનાવવા માંગ
સુરેન્દ્રનગર, તા. 9 ફેબ્રુઆરી, 2021, મંગળવાર
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના કેસરીયા ગામ પાસેથી પસાર થતી નદી પર પુલ બનાવવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે જેમાં હાલ નદી પર કોઝવે તુટેલી હાલતમાં હોય અનેક વાહનચાલકો સહિત લોકોને તુટેલા કોઝવે પરથી પસાર થવું પડે છે તેમજ ચોમાસા દરમ્યાન નદીમાં પુર આવતાં અનેક ગામો સંપર્ક વિહોણા પણ બની જાય છે ત્યારે કોઝવેને બદલે નદી પર પુલ બનાવવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહતી મુજબ લખતર તાલુકાના કેસરીયા ગામ જતાં ઉમઈ નદી પસાર થાય છે તે નદી પર હાલ તુટેલી તેમજ જર્જરીત હાલતમાં કોઝવે હોય ગ્રામજનો સહિત વાહનચાલકોને જીવના જોખમે તુટેલા કોઝવે પરથી પસાર થવું પડે છે તેમજ ચોમાસા દરમ્યાન આ નદીમાં અનેક વખત પુર આવતાં લખતરથી કેસરીયા, સવલાણા સહિતાના ગામનો સંપર્ક વિહોણા બની જાય છે તેમજ ચોમાસા દરમ્યાન આ વિસ્તારના લોકોને તાલુકા મથકે ખરીદી, કોર્ટ, કચેરી, હોસ્પીટલ સહિત લખતર આવવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે. જ્યારે તુટેલા કોઝવેના કારણે લખતર-પાટડીનો એસટી બસ વ્યવહાર જે શરૂ હતો તે હાલ બંધ થઈ ગયો છે.
આથી કેસરીયા ગામના કોઝવેની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવે તો ફરી એસટી બસો શરૂ થઈ શકે છે અને લોકોને સુવિધા મળી શકે તેમ છે આથી તાત્કાલીક જવાબદાર તંત્ર દ્વારા નદી પર પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q5EhaF
0 Response to "લખતર તાલુકાના કેસરિયા ગામ પાસે નદી પર પુલ બનાવવા માંગ"
Post a Comment