અંકેવાળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ઈરાદાપૂર્વક મોડો મેન્ડેટ અપાતા રોષ
લીંબડી, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર
સુરેન્દ્રનગર જીલ્લાની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચુંટણી માટે ઉમેદવારોને સમયમર્યાદામાં મેન્ડેટ ન આપતાં કોંગ્રેસને ફટકો પડયો છે ત્યારે લીંબડી તાલુકાની અંકેવાળીયા તાલુકા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારને મોડું મેન્ડેટ આપવામાં આવતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રોષ જોવા મળ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકા પંચાયતની અંકેવાળીયા બેઠક માટે કોંગ્રેસમાંથી રણજીતભાઈ પરાલીયા જેઓ પોતે લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે સામે ભાજપમાંથી મહિલા ઉમેદવાર હંસાબેન પ્રવિણભાઈ કાગડીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર રણજીતભાઈને સમય મર્યાદામાં મેન્ડેટ ન આપવામાં આવતં તેઓ ફોર્મ ભરી શક્યા નહોતા આથી ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં હતાં. જ્યારે આ તકે કોંગ્રેસમાંથી ફોર્મ ભરનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈના જણાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાની સુચના મુજબ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી માટે પસંદગી થયેલ ઉમેદવારોના મેન્ડેટ જે તે જીલ્લાના કોંગ્રેસ પ્રમુખને આપવાના હોય છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પ્રદેશમાંથી સમયસર મેન્ડેટ આપ્યું હોવા છતાં ઈરાદાપૂર્વક પોતાને મોડું મેન્ડેટ આપ્યું હોવાનો આક્ષેપ કરી રોષ દાખવ્યો હતો. જ્યારે અંકેવાળીયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તેમજ કોળી સમાજના આગેવાનને ઈરાદાપૂર્વક મોડું મેન્ડેટ આપવામાં આવતાં કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં સમગ્ર જીલ્લા સહિત રાજ્યભરમાં કોળી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મેન્ડેટ મોડું આપી ઉમેદવારો સાથે અન્યાય કરવા બાબતે ભાજપ સાથે મોટીરકમ લઈ સેટીંગ કર્યું હોવાનો પણ અક્ષેપ રણજીતભાઈ પરાલીયાએ કર્યો હતો.
આમ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારને મોડું મેન્ડેટ આપતાં રોષ જોવા મળ્યો હતો અને તેની અસર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ પર પડશે તેમ લાગી રહ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NoSmBE
0 Response to "અંકેવાળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ઈરાદાપૂર્વક મોડો મેન્ડેટ અપાતા રોષ"
Post a Comment