મહેસાણા પાલિકાના વોર્ડ નં.8ના કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

મહેસાણા પાલિકાના વોર્ડ નં.8ના કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

મહેસાણા,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

મહેસાણા નગર પાલિકાની ચુંટણીના ફોર્મ પરત ખેંચવાના દિવસે મહેસાણા મામલતદાર તેમજ પ્રાન્ત કચેરીમાં કોંગ્રેસ કાર્યકરો અને ભાજપના સમર્થકો દ્વારા ચકમક જરી હતી. જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખનો સોનાનો દોરો ચશ્મા તોડી લાપટ-ઝાપટ કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે અને પ્રમુખની સામે ભાજપ સમર્થકોએ વોર્ડ નં.૮ના બે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. ઈતિહાસમાં પ્રથમ વખત મહેસાણા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. બે દિવસ પહેલા જિલ્લા કોંગી પ્રમુખને મેન્ડેટ બાબતે સસ્પેન્ડ કરાયા હતા ત્યારબાદ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસમાં ગડબડ હોવાનું ઉઘાડું પડયું હતું.

મહેસાણામાં ૨૮ ફેબ્રુઆરીએ ચાર પાલિકા, ૧૦ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન થવાનું છે. તમામ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ જીતના વિશ્વાસ સામે ઉમેદવારી ફોર્મ ભરી પણ દીધા છે. ત્યારે આજે મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખે મહેસાણા નગરપાલિકાની વોર્ડ નં.૮ના કોંગ્રેસના બે ઉમેદવાર જ્યંતિપટેલ અને મુકેશ દેસાઈએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા કોંગ્રેસમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જોકે જ્યંતિ પટેલને ભાજપના સમર્થકો દ્વારા કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં ગાડીમાં બેસાડી લઈ જઈને ફોર્મ પરત ખેંચાવ્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુકેશ દેસાઈને પણ સોમવારે ગુમ કરી દેવાયા હતા અને બીજા દિવસે ભાજપના સમર્થકો દ્વારા ફોર્મ પરત ખેંચાવ્યું હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. 

વોર્ડ નં.૮ના કોંગ્રેસના બન્ને ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા કોંગ્રેસમાં ભુકંપનું વાતાવરણ સર્જાયું હતું. તો સવારે ભાજપ સમર્થકો આ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના છે તેવી વિગતો મળતા શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ સહિત કાર્યકરો મહેસાણા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને ઉમેદવારોને ભાજપ સમર્થકોનું ટોળું લઈને આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ કહેવા જતા તેમના પર હુમલો કરી લાપટ ઝાપટ કરી સોનાનો દોરો અને ચશ્મા તોડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરાયા છે.

અમારા ઉમેદવારોને ગાડીમાં ઉપાડી જઈ ફોર્મ પરત ખેંચ્યા ઃ કોંગ્રેસ

આ મામલે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નં.૮ના ઉમેદવાર જ્યંતિભાઈ પટેલ અમારી સાથે હતા ત્યારે ભાજપના ઉમેદવાર કાનજીભાઈ દેસાઈ અને ભાજપના માણસો અમારી પાસે આવી જ્યંતિભાઈ પટેલને લઈ જઈ અમે પૂછતા દાદાગીરી કરી અમને લાપટ ઝાપટ કરી સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાખી ઉમેદવારને લઈ ગયા હતા.

વોર્ડ નં.૮ના કોંગી મહિલા ઉમેદવારને ધક્કે ચઢાવ્યા

મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ પર હુમલા દરમિયાન તેમની સાથે રહેલા વોર્ડ નં.૮ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભગવતીબેન પ્રજાપતિને પણ ધક્કે ચઢાવાયા હતા. અને તેમને પણ ધમકાવવામાં આવ્યા હોવાના પણ મહિલા ઉમેદવારે આક્ષેપ કર્યા છે.

ઉમેદવારોએ સ્વૈચ્છીક ઉમેદવારી પરત ખેંચી છે

આ મામલે મહેસાણા પ્રાન્ત અધિકારી અને ચુંટણી અધિકારી વી.સી.બોડાણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના બે અને અપક્ષ પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જોકે કોંગ્રેસના વોર્ડ નં.૮ના ઉમેદવારોએ સ્વૈચ્છીક ઉમેદવારી પરત ખેંચી છે અને અમારી કેબીનમાં ઉમેદવાર એકલા જ આવતા હોય છે.

કોંગ્રેસ-ભાજપના સમર્થકો વચ્ચે ચકમક થતા પોલીસ બોલાવવી પડી

મહેસાણા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના ટોળા ઉમટયા હતા. અને ચકમક જરતા પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસની ટીમ આવતા મામલો થાળે પડયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZmQ4Wr

0 Response to "મહેસાણા પાલિકાના વોર્ડ નં.8ના કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel