રાજકોટમાં સુસ્ત પ્રચાર પડઘમ શાંત, આજે 6540 નો સ્ટાફ 991 બુથે જશે

રાજકોટમાં સુસ્ત પ્રચાર પડઘમ શાંત, આજે 6540 નો સ્ટાફ 991 બુથે જશે


આ વખતે વેસ્ટઝોનમાં કોંગ્રેસ પણ દેખાઈ 

રાજકોટ, તા. 19 ફેબ્રૂઆરી 2021, શુક્રવાર

રાજકોટમાં આજે સાંજે કોરોના કાળ અને મોંઘવારી-મંદીની ચક્કીમાં પીસાતા લોકોમાં સુસ્ત રહેલા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા હતા. રવિવાર તા.૨૧ના સવારથી મતદાન છે ત્યારે આવતીકાલ શનિવારે સાંજે શહેરના ૯૯૧ મતદાન મથકો પર ૬૫૪૦નો ચૂંટણી સ્ટાફ પહોંચી જશે અને આ સ્ટાફ ત્યાં જ રાતવાસો કરશે અને બીજા દિવસે સવારે છ વાગ્યે મોકપોલ બાદ મતદાન થશે. 

રાજકોટમાં ૧૦.૯૩ લાખ મતદારો માટે ૯૯૧ બુથમાં મતદાનની વ્યવસ્થા કરાઈ છે અને આ દરેક બુથની આસપાસ ૨૦૦ મીટર સુધીમાં સફેદ લીટા દોરવામાં આવ્યા છે. જો કે શહેરમાં આજે પણ ઠેરઠેર પ્રચારાત્મક ઝંડા, બેનર્સ લાગેલા હતા જે દૂર કરવા મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. 

આજે અંતિમ દિવસે શહેરના તમામ વોર્ડ માટે ખુલ્લી જીપ, ભાજપના ધ્વજ, ઝંડા, ટુ વ્હીલર સાથે રેલી કાઢી મત માંગ્યા હતા તો વોર્ડ નં.૭ના કોંગ્રેસના ઉમેદવારોએ રાષ્ટ્રીયશાળા પાસેથી માત્ર રેલીને બદલે ૬૫ રૃ।.નું પેટ્રોલ ભાજપે ૮૭એ પહોંચાડી દીધું, સિંગતેલ મોંઘુ, ગેસ મોંઘો તેના લખાણો સાથેના ફૂલસાઈઝના બેનર્સ પહેરીને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરીને લોકો પાસે મત માંગ્યા હતા.આ ઉપરાંત શહેરભરમાં પ્રચાર ગીતો ગાતી રિક્ષાઓ  સહિતના વાહનો ફરતા રહ્યા હતા.

દર વખતે ચૂંટણીના ત્રણ-ચાર દિવસ અગાઉ રાજકીય પક્ષો મતદારોને તેમના નામ,ક્યાં મતદાન કરવાનું તેની સ્લીપ  વિતરણ કરતા હોય છે. પરંતુ, આ વખતે પ્રિન્ટેડ સ્લીપને બદલે ભાજપ અને કોંગ્રેસે આ માટે કાર્યકરોને મોબાઈલ પર કામે વળગાડી દીધા હતા અને ભાજપે તો તેના ગઢમાં ચાર-પાંચ વખત એકના એક નંબર પર સ્લીપ વોટ્સએપથી મોકલી હતી. તો કોંગ્રેસે તેના ઈસ્ટઝોન,મવડી-વાવડી,વોર્ડ નં.૨,૩ સહિતના ગઢમાં તેમજ આ વખતે વેસ્ટઝોનમાં પણ મોબાઈલ નંબર પર જ સ્લીપ મોકલી હતી. લોકોના મોબાઈલ નંબરો દરેક  સ્થળે નોંધાતા હોય તે મેળવવા હવે નેતાઓ માટે આસાન બની ગયા છે. 

સભાઓમાં આ વખતે મંદી રહી છે, માત્ર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને હાર્દિક પટેલ તથા પરેશ ધાનાણીની સભા થઈ છે. જ્યારે  મુખ્યમંત્રી વિજય રૃપાણીને કોરોના થતા તેમની સભા થઈ શકી નથી. પરંતુ, બન્ને પક્ષોએ સભાને બદલે જે તે વિસ્તારમાં જઈને મંડપ નાંખી, ખુરશીઓ ગોઠવી અને ત્યાં જ તાવા પાર્ટી કે જમણવાર યોજીને આજુબાજુના લોકોને રાત્રિ ભોજન માટે નિમંત્ર્યા હતા અને ભોજન પહેલા ભાષણ સંભળાવીને પ્રચાર કર્યો હતો. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qx5pzH

0 Response to "રાજકોટમાં સુસ્ત પ્રચાર પડઘમ શાંત, આજે 6540 નો સ્ટાફ 991 બુથે જશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel