હળવદની સૌથી જૂની શાળાનું 23 લાખના ખર્ચે પાયાથી ચણતર કરાયું
હળવદ, તા. 9 ફેબ્રુઆરી, 2021, મંગળવાર
ગુજરાતના અગ્રીમ હરોળના લેખક, કવિ અને હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા હળવદની સૌથી જૂની ગણાતી પે સેન્ટર શાળાનું રૂ. ૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરવાનો સંકલ્પ આજે પરિપૂર્ણ થતા સંત-મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાનું ઉદ્ઘાટન કરાયું હતું તેમજ ડૉ. જગદીશ ત્રિવેદી લિખિત બે પુસ્તકોનું આજે હળવદના આંગણે વિમોચન પણ કરાયું હતું.
સરસ્વતીના સાધકો પાસે લક્ષ્મી ગૌણ ગણાતી હોવાનું ઉમદા પ્રેરક ઉદાહરણ ઝાલાવાડના વતની હાસ્ય કવિ ડૉ. જગદીશ ત્રિવેદીએ પુરું પાડયું છે. આજીવન પોતાની આવક શિક્ષણ અને આરોગ્ય સેવા પાછળ ખર્ચ કરવાની જાહેરાત કર્યાના ત્રણ વર્ષમાં જ દોઢેક કરોડથી વધુ ધનરાશી આવા સેવા પ્રકલ્પ પાછળ અર્પણ કરનાર ડો. જગદીશભાઈ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા આજે રૂ. ૨૩ લાખના ખર્ચે પાયેથી હળવદની જુનામાં જૂની પે સેન્ટર શાળા નં. ૧ની કાયાપલટ કરવાની કામગીરી પૂર્ણ થતા આજે પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંગલ ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે હાસ્યકવિ ડૉ. જગદીશ ત્રિવેદી લિખિત બાપુજીનું ટેલિફોનિક બેસણું અને અમારી અડધી ગ્રંથતુલા પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું અને જીવન પર્યંત તેમના સેવા પ્રકલ્પો અવિરત ચાલ્યા કરે તેવી મંગલ કામનાઓ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં હાસ્યકવિ ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા સમાજને કંઈક આપવું તેવો સંકલ્પ કરી ૧૧ કરોડની ધનરાશી શિક્ષણ અને આરોગ્ય માટે ખર્ચ કરવા નક્કી કરાયું છે. જે અન્વયે તેમના ઉર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સેવા કાર્યની જ્યોત પ્રજ્વલિત રાખી પાછલા ત્રણ વર્ષમાં જ દોઢેક કરોડ રૂપિયાની માતબર રકમ શાળા, લાયબ્રેરી નિર્માણ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે અર્પણ કરવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rCCQAX
0 Response to "હળવદની સૌથી જૂની શાળાનું 23 લાખના ખર્ચે પાયાથી ચણતર કરાયું"
Post a Comment