સુરેન્દ્રનગર જે.પી. રોડની શેરી નં.-1માં ગટરની કામગીરી અધૂરી રહેતા હાલાકી
સુરેન્દ્રનગર, તા. 10 ફેબ્રુઆરી, 2021, બુધવાર
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે પાલિકાના શહેરી વિસ્તારમાં આવેલ જે.પી.રોડ શેરી નં.૧ માં ભુગર્ભ ગટરની અધુરી કામગીરી પુરી કરવા સ્થાનીક મહિલાઓ અને રહિશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆતો કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ વિસ્તારમાં આવેલ જે.પી.શેરી નં.૧ રહેણાંક વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર હસ્ત અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ વિસ્તારમાં આવેલ મકાન માલીક અશોકભાઈ લાલવાણી દ્વારા કામગીરી થઈ રહેલ જમીન પોતાની માલીકીની હોવાનું જણાવી અંડર ગ્રાઉન્ડ ગટરનું કામ રોકાવતા કામ કરી રહેલ કામદારો અધુરૂ કામ મુકી જતાં રહ્યાં હતાં જેના કારણે આ શેરીમાં અધુરા ખોદકામથી રહિશોને હાલાકી પડી રહી છે અને વાહન લઈ જવામાં તેમજ ચાલવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ શેરીમાં અંદાજે ૨૦ થી ૨૫ રહેણાંક મકાનો આવેલા છે જેમાં અંદાજે ૧૦૦થી વધુ લોકો છેલ્લા ૩૦-૩૫ વર્ષથી વસવાટ કરી રહ્યાં છે પરંતુ ખાનગી મકાન માલીક દ્વારા કામગીરી અટકાવવામાં આવી છે જેના કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે જ્યારે રસ્તા પરથી મેઈન રોડ તેમજ મેઈન રોડ પરથી ગલીમાં અવર-જવર કરવામાં આવે છે પરંતુ અધુરી કામગીરીના કારણે હાલાકી પડી રહી છે અને ગલીમાં રહેતાં લોકો સહિત નાના બાળકો, સીનીટર સીટીઝનો ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ મામલે સ્થાનીક મહિલાઓ અને રહિશોએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજુઆતો કરી હલ્લાબોલ કર્યો હતો અને પાલિકાના એન્જીનીયર કે.એચ.હેરમાને ઉગ્ર રજુઆતો કરી હતી.
જેના ભાગરૂપે એન્જીનીયર દ્વારા ખાનગી મકાન માલીકને બોલાવી જરૂરી આધાર પુરાવા અને જમીન અંગેનો નકશો જોયા બાદ તાત્કાલીક સમસ્યાનો ઉકેલ લાવવાની અને અંડરગ્રાઉન્ડ ગટરની અધુરી કામગીરી ફરી શરૂ કરી પુર્ણ કરવાની ખાત્રી આપી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tFtTbU
0 Response to "સુરેન્દ્રનગર જે.પી. રોડની શેરી નં.-1માં ગટરની કામગીરી અધૂરી રહેતા હાલાકી"
Post a Comment