મહેસાણાના રાધનપુર રોડ પર પાંચ મકાનો તોડી તસ્કરોનો તરખાટ

મહેસાણાના રાધનપુર રોડ પર પાંચ મકાનો તોડી તસ્કરોનો તરખાટ

મહેસાણા,તા.18 જાન્યુઆરી 2021, સોમવાર

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી બે સોસાયટીઓમાં અજાણ્યા શખસોએ એક સાથે પાંચ મકાનોને નિશાન બનાવી ખાતર પાડી હતી. સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ.૧૯૦૪૫૦ના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો નાસી છૂટયા હતા. ફુલગુલાબી ઠંડીમાં પેટ્રોલીંગ કરીને સબસલામતની આલબેલ પોકારતી પોલીસની બૂમરેંગના ધજાગરા ઉડયા છે. જ્યારે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મહેસાણા શહેર અને જિલ્લા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખાસ કરીને બંધ મકાનોને નિશાનબનાવી ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોએ માઝા મુકી છે. ગત રાત્રિએ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી બંસરી ટાઉનશીપ સોસાયટીના ત્રણ અને રાધેકુંદન સોસાયટીના બે મકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. એક જ રાતમાં પાંચ મકાનોમાં ચોરી થતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે.

કારીગરોને ચુકવવા બેંકમાંથી ઉપાડેલા રૃ.૧ લાખ ચોરાયા

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ બંસરી ટાઉનશીપમાં મકાન નં.એ-૧માં રહેતા વેપારી પોતાના પરિવાર સાથે વતનમાં ગયા હતા. તે વખતે મોકો જોઈને અજાણ્યા શખસોએ તેમના બંધ મકાનમાં હાથફેરો કરીને અંદરથી રૃ.૧.૪૧ લાખની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા.

બંસરી ટાઉનશીપમાં રહેતા અમીતકુમાર પુષ્કરરાય પટેલ મોટપમાં મશીન વર્કનું કારખાનું ધરાવે છે. તેઓએ પોતાના કારીગરોને ચુકવવા બેંકમાંથી રૃ.૧ લાખ ઉપાડી ઘરમાં ટીવીના ડ્રોઅરમાં મુક્યા હતા. ત્યારબાદ તેઓ પિરવાર સાથે વિસનગર તાલુકાના પોતાના વતન વાલમ ગામે ગયા હતા. જ્યાં તેમને જાણવા મળેલ કે ઘરમાં ચોરી થઈ છે. જેથી તાત્કાલિક પોતાના ઘરે આવતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો અને તાળુ તુટેલું જણાયું હતું. જ્યારે ઘરમાંથી રૃ.૧ લાખની રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃ.૧.૪૧ લાખની ચોરી થઈ હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બંસરી ટાઉનશીપમાં હર્ષદ ગજ્જરના ઘરમાંથી ૧૨૨૫૦ની ચોરી

રાધનપુર રોડ પર આવેલ બંસરી સોસાયટીમાં બી-૨૦ નંબરના મકાનમાં પણ તસ્કરોએ તાળા તોડીને અંદરથી રૃ.૧૨૨૫૦ની મત્તાની ચોરી કરી હતી. 

આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે બંસરી ટાઉનશીપમાં રહેતા હર્ષદભાઈ લાલજીભાઈ પટેલના બંધ મકાનમાં અજાણ્યા શખસોએ પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી રોકડ, ચાંદીના સીક્કા, ચાંદીની શેરો વગેરે મળી કુલ રૃ.૧૨૨૫૦ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા શોધખોળ આરંભી છે.

પંકજભાઈ પટેલના ઘરમાંથી રૃદ્રાક્ષની સોનાની માળા ચોરાઈ

મહેસાણા હાઈવે પર આવેલ બંસરી ટાઉનશીપમાં આવેલ ત્રીજા મકાનમાં તસ્કરોએ ચોરી કરીને રૃદ્રાક્ષની સોનાની માળા સહિતનો મુદ્દામાલ ઉઠાવી નાસી છૂટયા હતા.બંસરી ટાઉનશીપમાં આવેલ મકાન નં.એ-૧૦-૧૨માં રહેતા પંકજભાઈ અંબાલાલ પટેલના બંધ મકાનના દરવાજાનો તાળુ તોડીને અજાણ્યા શખસોએ અંદર પ્રવેશ કર્યો હતો. ખૂબ જ નિરાંતે તસ્કરોએ ઘરમાંથી રૃદ્રાક્ષની સોનાથી મઢેલી માળા સહિતનો મુદ્દામાલની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાધેકુંદન સોસાયટીના બંધ મકાનમાં 32200ની ચોરી

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી રાધેકુંદન સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા શખસો અંદરથી રૃ.૩૨૨૦૦ની મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા.આ અંગે સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મહેસાણા હાઈવે પર તિરૃપતિ શાહીબાગ પાસેની રાધેકુંદન સોસાયટીમાં રહેતા રવિન્દ્રભાઈ અમૃતભાઈ પ્રજાપતિના ઘરમાં અજાણ્યા શખસોએ બિનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી રૃ.૨૫ હજારની રોકડ ઉપરાંત સોનાની બુટ્ટી, ચાંદીની શેરો, ચાંદીની મૂર્તિ, ચાંદીના સિક્કા સહિત રૃ.૩૨૨૦૦નો મુદ્દામાલની ચોરી કરીને ત્યાંથી નાસૂ છૂટયા હતા. જેની જાણ થતાં આ ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

રાધેકુંદન સોસાયટીમાં બાબુભાઈ પ્રજાપતિના ઘરને નિશાનબનાવ્યું

રાધનપુર રોડ પર આવેલ રાધેકુંદન સોસાયટીમાં અન્ય મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જોકે અહીંથી કઈ ચીજવસ્તુઓની ચોરી થઈ તેની સત્તાવાર વિગતો સામે આવી નથી.મહેસાણા હાઈવે પર આવેલ રાધેકુંદન સોસાયટીમાં મકાન નં.સી-૯૭માં રહેતા બાબુભાઈ અદાભાઈ પ્રજાપતિના બંધ મકાનમાં પણ અજાણ્યા શખસોએ પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે તેમના ઘરમાંથી કઈકઈ વસ્તુની ચોરી થઈ છે તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી બે સોસાયટીઓના પાંચ મકાનોમાં તસ્કરોએ એકસાથે કસબ અજમાવી લાખોની મત્તાની ચોરી કરતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.

કોના મકાનમાં ચોરી થઈ

૧. અમીતકુમાર પુષ્કરરાય પટેલ રહે.બંસરી ટાઉનશીપ

૨. હર્ષદભાઈ લાલજીભાઈ ગજ્જર રહે.બંસરી ટાઉનશીપ

૩. પંકજભાઈ અંબાલાલ પટેલ રહે.બંસરી ટાઉનશીપ

૪. રવિન્દ્રભાઈ અમૃતભાઈ પ્રજાપતિ રહે.રાધેકુંદન સોસાયટી

૫. બાબુભાઈ અદાભાઈ પ્રજાપતિ રહે.રાધેકુંદન સોસાયટી



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iqUzrG

0 Response to "મહેસાણાના રાધનપુર રોડ પર પાંચ મકાનો તોડી તસ્કરોનો તરખાટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel