અમદાવાદ એરપોર્ટ પર ટ્રૂ જેટની ફલાઇટની હાઇડ્રોલિક સિસ્ટમ ટેકઓફ પહેલાં ફેલ, મુસાફરો રઝળ્યા

અમદાવાદ એરપોર્ટ પર ટ્રૂ જેટની ફલાઇટની હાઇડ્રોલિક સિસ્ટમ ટેકઓફ પહેલાં ફેલ, મુસાફરો રઝળ્યા


અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી આજે સવારે પોરબંદર માટે વિમાન ટેકઓફ થાય તે પહેલા જ હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ હોવાની જાણ થતા વિમાન ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યુ હતુ. જેના કારણે મોટી દુર્ઘધટના ટળી હતી. આમ અન્ય બે સેક્ટરને કનેક્ટ કરતા રૂટ પરની ઉડાન પણ રદ કરી દેવામાં આવતા મુસાફરો એરપોર્ટ પરથી જ પરત ફરતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 

કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ટ્રૂ જેટની ફલાઇટ આજે સવારે 6-45 કલાકે પોરબંદર માટે તેના નિર્ધારીત સમયે ટેકઓફ થાય તે પહેલા પાયલોટને વિમાનમાં કંઇક ખામી હોવાનો સંકેત મળ્યો હતો.

દરમિયાન પાયલોટે વિમાનને ચેકરન કર્યા બાદ માલુમ પડયુ હતુ કે હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી છે, જેથી પાયલોટે મુસાફરોની સલામતિને ધ્યાનમાં રાખી ટેકઓફ રિજેક્ટ કર્યુ હતુ અને વિમાનને ગ્રાઉન્ડ કરી દીધુ હતુ, આમ ફલાઇટમાં સવાર 30થી વધુ મુસાફરોને વિમાનમાંથી ઉતારી ઘરે પરત મોકલ્યા હતા. આમ વહેલી સવારના આવેલા મુસાફરોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડયો હતો. 

હાઇડ્રોલિક સિસ્ટમમાં યાંત્રિક ખામી સર્જાયેલુ આ એરક્રાફટ અન્ય જેસલમેર અને નાસિકના રૂટને પણ કનકેટ કરતું હોવાથી આ સેક્ટરની ઉડાન રદ કરી દેવામાં આવી હતી. આમ ત્રણેય સેક્ટરના મળીને કુલ 140થી વધુ મુસાફરો રઝળી પડયા હતા. 

જો કે ઘણાય મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા બાદ ધરમધક્કો ખાવો પડયો હતો અને એરલાઇન સામે રોષ વ્યક્ત પણ કર્યો હતો. બીજી તરફ એરલાઇન કંપની સાથે સંકળાયેલા સુત્રો જણાવી રહ્યા છે કે 'હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી હોય તો વિમાન રન-વે પરથી સ્કીડ થઇ જવાનો ભય રહે છે. જો અનુભવી પાયલોટ હોય તો વિમાનને કંન્ટ્રોલમાં કરી શકે છે નહીંતર મુસાફરોના જીવ જોખમમાં મુકાઇ શકે છે.'

એરલાઇન કંપનીના જણાવ્યા મુજબ 'અમે ઘણાય મુસાફરોને ફોન કરી ફલાઇટ રદ હોવાની જાણ કરી દીધી હતી. ગ્રાઉન્ડ થયેલા એરક્રાફ્ટના રિપેર માટે એન્જિનિયરોની ટીમ રવિવારે આવશે. તમામ મુસાફરોને તેમની સુવિધા મુજબ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં કેટલાકે પુરેપુરૂ રિફંડ તો કેટલાક મુસાફરોને અન્ય ડેટ એક્સચેન્જ કરી આપવામાં આવી હતી. જેનો કોઇપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવ્યો ન હતો.'



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38uXOLj

0 Response to "અમદાવાદ એરપોર્ટ પર ટ્રૂ જેટની ફલાઇટની હાઇડ્રોલિક સિસ્ટમ ટેકઓફ પહેલાં ફેલ, મુસાફરો રઝળ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel