
ટેફલોન પરની એન્ટિ ડમ્પિંગ ડયૂટી વધારતા દેશના એન્જિનિયરિંગના પ્રોડક્ટ્સનું માર્કેટ તૂટયું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 18 જાન્યુઆરી, 2021, સોમવાર
ભારતમાં રશિયા દ્વારા ડમ્પ કરવામાં આવતા ટેફલોન કોટિંગ માટે ઉપયોગમાં લેવાતા પોલીટેટ્રાફ્લુરોઇથેલિન (પીટીએફઈ) પરની એન્ટિ ડમ્પિંગ ડયૂટી વધારીને કિલોદીઠ 2.33 અમેરિકી ડૉલર કરી નાખવાનો નિર્મય ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમિડિઝ દ્વારા કરવામાં આવ્યો તેને પગલે ભારતમાં ટેફ્લોન કોટેડ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કીચનવૅર્સ સહિતના સંખ્યાબંધ અલગ અલગ તૈયાર પ્રોડક્ટ્સ ભારતમાં ડમ્પ કરીને ભારતના એન્જિનિયરિંગ અને કીચનવૅર ઉદ્યોગની કઠણાઈ વધી ગઈ છે.
ચીન અને રશિયા બંનેમાંથી સેમિફિનિશ્ડ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ ભારતના બજારમાં ઢગલામોડે ઠલવાઈ રહ્યા છે. પરિણામે ભારતના પ્લાસ્ટિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગના એકમોને ફટકો પડી રહ્યા છે. ભારતમાં 20 ટકા કસ્ટમ્સ ડયૂટી સાથે આયાત કરવામાં આવતા રૉ મટિરિયલ કરતાંય નીચા ભાવે તેઓ સેમિફિનિશ્ડ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સને ભારતમાં ડમ્પ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ડીજીટીઆરએ મગજ વાપર્યા વિના જ પોલીટેટ્રાફ્લુરો ઇથિલિન પરની એન્ટિ ડમ્પિંગ ડયૂટી કિલોદીઠ 0.87 ડૉલરથી વધારીને 2.33 ડૉલર કરી નાખવાના લીધેલા નિર્ણયને પરિણામે ગુજરાતના અને ભારતના પોલીટેટ્રાફ્લુરોઇથિલિનના પ્રોેસેસર્સ ખતમ થઈ જશે. કારણ કે સરકારના આ નિર્ણયને પરિણામે આયાતી રૉ મટિરિયલનો ભાવ વધીને રૂા. 400ની આસપાસનો થઈ ગયો છે.
તેનો લાભ લઈને ગુજરાત સ્થિત પોલીટેટ્રાફ્લુરોઇથિલિનનું ઉત્પાદન કરનારી ભરૂચ પાસે દહેજ સ્થિત કંપની ગુજરાત ફ્લુરો કેમિકલ લિમિટેડે તેના ભાવ પણ કિલોદીઠ રૂા. 400થી વધારીને રૂા. 600 કરી દીધા હોવાથી રૉ મટિરિયલ સેમિફિનિશ્ડ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ કરતાં મોંઘું પડી રહ્યુ ંછે. ગુજરાતની કંપનીની મોનોપોલી વધતા તેણે ભાવ વધાર્યો છે, પરંતુ તેને પરિણામે એન્જિનિયરિંગ અને કીચનવૅર તૈયાર કરતાં સંખ્યાબંધ એકમોનો ખા નકળી જવાની ધસ્તી છે.
આ સંજોગોમાં તેમાંથી તૈયાર થતાં ફિનિશ્ડ અને સેમિફિનિશ્ડ ગુડ્સના બજારમાં 200થી વધુ પ્રોસેસર્સ ટકી શકે તેમ જ નથી. પરિણામે તેમને વાવટો સંકેલી લેવાની ફરજ પડી શકે છે. આ રૉ મટિરિયલની આયાત તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ઇન્ડિયન રેલવેઝ પણ કરે છે. તેમના પર પણ તેને કારણે બોજ વધી રહ્યો છે.
ગુજરાત ફ્લુરો કેમિકલ લિમિટેડની 12000 ટનથી વધુની ઉત્પાદન ક્ષમતા સામે તેના રૉ મટિરિયલની કિંમત વિદેશથી ડમ્પ કરાતા મટિરિયલ કરતાંય ઊંચે લઈ જવામાં આવ્યા હોવાથી સ્થાનિક ઉત્પાદકોને તેમનું રૉ મટિરિયલ પણ પરવડતું નથી. ટેફલોનના કવર સાથે આયાત કરાયેલા મશીનરીના સ્પેરપાર્ટ્સ ઓઈલિંગ વિના પણ સારૂ પરફોર્મન્સ આપી શકે છે.
ટેફલોનના જેનરિક નામથી જાણીતા પ્રોડક્ટ્સ બનાવવા માટેના રૉ મટિરિયલની ગુજરાતની કંપનીની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના 25 ટકા માલની ખપત પણ થતી નથી. તેમ છતાંય સ્થાનિક સ્તરે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તૈયર કરનારાઓના સેમિફિનિશ્ડ કે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પણ રૉ મટિરિયલના ભાવથી ઓછા ભાવે ભારતના બજારમાં ડમ્પ કરવામાં આવી રહ્યા છે.
ભારત સરકારે ટેફલોન પરની એન્ટિ ડમ્પિંગ ડયૂટી 1999થી લાદી છે. અત્યારે તેના પર વધારો કરવાથી કોઈ જ ફાયદો થાય તેમ ન હોવા છતાં ડીજીટીઆરએ તેના પરની ડયૂટીમાં વધારો કરી દીધો છે.
ભારતના ઉત્પાદકોએ તેમની સ્પર્ધાત્મક વધારવા માટેની ખાસ્સી કામગીરી પૂરી કરી દીધી છે ત્યારે જ એન્ટિ ડમ્પિંગ ડયૂટીમાં ને તેને પગલે ગુજરાત ફ્લુરોએ તેના રૉ મટિરિયના ભાવમાં અંદાજે 40 ટકાથી વધુનો વધારો કરી દીધો તેથી પીટીએફઈ પ્રોસેસર્સના તમામ ગણિતો ફરી ગયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39L8chC
0 Response to "ટેફલોન પરની એન્ટિ ડમ્પિંગ ડયૂટી વધારતા દેશના એન્જિનિયરિંગના પ્રોડક્ટ્સનું માર્કેટ તૂટયું"
Post a Comment