
કોરોના રસી લેનાર 1 ટકાને તાવ, આજથી ફરી રસીકરણ
- રસી લીધા પછી સામાન્ય તાવ આવવો તદ્દન સામાન્ય બાબત-હેલ્થ ઓફિસર ડો.વાંઝા
- આ રિકોમ્બીનેટ રસી છે, લાઈવ નથી,દોઢ મહિના બાદ એન્ટીબોડી-ડો.હપાણી
રાજકોટ,તા.18 જાન્યુઆરી 2021, સોમવાર
સમગ્ર દેશની સાથે રાજકોટમાં સૌપ્રથમ શનિવારે પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરોને કોરોના રસીકરણનો આરંભ થયાના આશરે ચોવીસ કલાક બાદ આશરે એક ટકો એટલેકે અર્ધો ડઝન જેટલા તબીબો, હેલ્થ વર્કરોને તાવ આવ્યાના લક્ષણો જોવા મળ્યાનું ખાનગી પ્રાઈવેટ ડોક્ટરોએ જણાવ્યું છે.જો કે સામાન્ય લો ગ્રેડ ફીવર સામાન્ય દવાથી જ મટી જતો હોય છે. પરંતુ, ફાઈઝરની સાપેક્ષે આ રસી વધુ સુરક્ષિત હોવાનું પણ તબીબો માની રહ્યા છે અને આવતીકાલે શહેરના વધુ ૬૦૦ હેલ્થ વર્કરોને છ કેન્દ્રો પરથી રસીકરણ કરાશે.
આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે રસી લીધા પછી શરીર સામાન્ય ગરમ થવું કે સામાન્ય તાવ આવવો તે તદ્દન નોર્મલ છે. રસી સામેની તે શરીરની સ્વાભાવિક પ્રતિક્રીયા છે. આવા કેસો પણ એકલ દોકલ નોંધાયા છે અને રિપોર્ટ કરવો પડે તેવી કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ એક પણ નથી નોંધાઈ.
તો આ અંગે પ્રથમ દિવસે જ એકસાથે રસી લેનાર ડો.અમિત હપાણી અને કેન્સર સર્જન ડો.બબીતા હપાણીએ જણાવ્યું કે જે તબીબો સાથે વાતચીત થઈ તેમાં એક-બે ડોક્ટરોને સામાન્ય તાવ આવ્યો હતો પણ રસીની નોંધપાત્ર સાઈડ ઈફેક્ટ નથી જણાઈ પરંતુ, ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લેવો અતિ મહત્વનો છે, બીજો ડોઝ લીધા પછી પંદર દિવસ બાદ એન્ટીબોડી આવશે. આમ, દેશભરમાં આ વેક્સીનથી કોરોના ચેપ સામે રક્ષણ આપતું એન્ટીબોડી કેટલું આવે છે તે માર્ચ માસમાં જ જાણી શકાશે. આ ડોક્ટરે ઉમેર્યું કે આ રસી પોલિયોની જેમ લાઈવ વેક્સીન નથી પરંતુ, રિકોમ્બીનેટ છે. ઈન્જેક્શનથી અનુભવ ધનુરના ઈન્જેક્શન જેવો થાય છે. શહેરમાં સિવિલના અધિક્ષક ડો.બુચ, ડો.ત્રિવેદી, ઉપરાંત ડો.ચિરાગ માત્રાવડીયા, ડો.યજ્ઞોશ પોપટ વગેરેએ આ રસી પ્રથમ દિવસે લીધી છે. તબીબોનું માનવુ છે કે ૭૦ ટકાથી વધુ લોકોમાં આનાથી એન્ટીબોડી આવવા આશા છે.
મનપા સૂત્રો અનુસાર આવતીકાલ મંગળવાર તા.૧૯ના જેમને મેસેજ મોકલાયા છે તે હેલ્થ વર્કરો માટે કોરોના વેક્સીનેશન મનપા દ્વારા હાથ ધરાશે. તેમાં શ્યામનગર અને કોઠારીયા આરોગ્ય કેન્દ્રો રદ કરાયા છે. આ બન્ને કેન્દ્રો પર મોટાભાગના લાભાર્થી ગત શનિવારે પહોંચ્યા જ ન્હોતા, તેના વિકલ્પે (૧) સિવિલ હોસ્પિટલમાં હવે ૨ કેન્દ્રો (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ (૩) વોકહાર્ટ (૪) સ્ટર્લિંગ ઉપરાંત (૫) ગીરીરાજ હોસ્પિટલ એમ પાંચ સ્થળોએ છ કેન્દ્રો પર રસીકરણ થશે. ઉપરાંત આવતીકાલે તેનો સમય સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે.
હાલ મહાપાલિકા દ્વારા મંગળ,ગુરુવાર અને શનિવારે રસીકરણ હાથ ધરવા માંગે છે. આમ, રસીકરણમાં પણ એકાંતરા કાપ આવશે. આ માટે તંત્ર એ કારણ આપે છે કે વેક્સીનેટર (ઈન્જેક્શન આપનાર) સ્ટાફ મર્યાદિત છે અને આ સાથે રૂટીન વેક્સીનેશન તો જારી જ રાખવાનું હોય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nW9M5h
0 Response to "કોરોના રસી લેનાર 1 ટકાને તાવ, આજથી ફરી રસીકરણ"
Post a Comment