
મહેસાણા જિલ્લાની 360 શાળામાં પ્રથમ દિવસે 19122 છાત્રો હાજર
મહેસાણા,તા.11 જાન્યુઆરી 2021, સોમવાર
કોરોના મહામારીને કારણે શાળા-કોલેજો લાંબાગાળા સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ૧૦ મહિનાના ગાળા બાદ સોમવારથી ધો.૧૦ અને ૧૨ની શાળાઓ ખુલી હતી. મહેસાણા જિલ્લામાં પ્રથમ દિવસે ૫૩૫૪૩ વિદ્યાર્થીઓ પૈકી ૧૯૧૨૨ છાત્રો ઉત્સાહભેર પોતપોતાની શાળાઓમાં પહોંચતા ફરીવાર શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓનો ગુંજાવર સાંભળવા મળ્યો હતો.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૃ કરવા માટે રાજ્ય સરકારની મળેલી લીલીઝંડી પછી મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી, કડી, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, ઊંઝા, વડનગર, વિજાપુર, વિસનગર અને જોટાણા તાલુકામાં કાર્યરત ૩૬૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ શાળાોમાં સોમવારથી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. ૧૦ મહિના સુધી શાંતિ પથરાયેલી રહેલી આ શાળાોમાં ફરીથી કોલાહલ સાંભળવા મળ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા તમામ શાળાઓને કોવિડ-૧૯ અંતર્ગત સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, હેન્ડ સેનેટાઈઝ સહિતના નિયમોનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
જેને અનુસરીને જિલ્લાની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉમંગભેર આવકારવામાં આવ્યા હતા. જિલ્લાની ૩૬૦ શાળાઓમાં ધો.૧૦ અને ૧૨ના વર્ગોમાં કુલ ૫૩૫૪૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી વાલીઓની મળેલી સંમતિ અંતર્ગત ૧૯૧૨૨ વિદ્યાર્થીઓ પોતાની શાળામાં આવ્યા હતા. પ્રથમ દિવસથી જ સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ ંહતું. કેટલીક શાળાઓમાં ધો.૧૦ અને ૧૨ના વર્ગો માટે બે પાળીઓ શરૃ કરાઈ હતી. મહેસાણા શહેરમાં આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ, કર્વે હાઈસ્કૂલ, ટી.જે.હાઈસ્કૂલ, નાલંદા સ્કૂલ અને પરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qgyNK5
0 Response to "મહેસાણા જિલ્લાની 360 શાળામાં પ્રથમ દિવસે 19122 છાત્રો હાજર"
Post a Comment