
પર્યાવરણની મોટી મોટી વાતો વચ્ચે રાજકોટમાં છકડાને છૂટ !
- પો.કમિ.ના ડેસીબલના જાહેરનામા કે પીયુસીમાં છકડો પાસ થઈ શકશે નહીં તેમ માનીને પોલીસ ટાળે છે ચેકીંગ
- છકડામાં અનેકની રોજીરોટીનો સવાલ હોઈ પાંચ વર્ષ પહેલા તેના વિકલ્પના નવા વાહનો મળે તે માટે થઈ હતી વાતો
રાજકોટ, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર
ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પૂરતી એસ.ટી. કે ખાનગી બસ સેવા પણ નથી ત્યાં અંતરિયાળ માર્ગો પર છકડો એક હાથવગુ અને સસ્તુ સાધન મુસાફરી માટે પણ રહ્યું છે પરંતુ, રાજકોટ મહાનગર કે જ્યાં સવારની નિરવ શાંતિ વચ્ચે ભક..ભક..ભક..ના તીવ્ર અવાજ સાથે છકડો નીકળે ત્યારે પોલીસ અને સરકારના અનેક નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં સ્માર્ટ સિટી રાજકોટમાં તેને તંત્ર તરફથી છૂટ હોવાની આશ્ચર્યજનક વિગતો બહાર આવી છે.
એક બાજુ પર્યાવરણની વાતો થાય છે, કેટલીક સંસ્થા તો નો હોર્નની ઝૂંબેશ ચલાવી છે તો પોલીસ કમિશનર અવાજ પ્રદુષણ અટકાવવા અમુક ડેસીબલની માત્રામાં જ અવાજ થઈ શકે તેવું જાહેરનામુ બહાર પાડતા રહ્યા છે ઉપરાંત ફટાકડાથી અવાજ અને ધુમાડાના પ્રદુષણનો પ્રશ્ન દર દિવાળીએ ઉઠાવાય છે પરંતુ, આ નિયમો વચ્ચેય છકડોરિક્ષાની શહેરમાં છૂટ છે! જેના સાયલન્સરનો અવાજ જ તીવ્ર હોય છે અને હોર્ન ન વગાડે તોય દૂરથી તેની હાજરી વર્તાય જાય છે.
પી.યુ.સી. અર્થાત્ પોલ્યુશન અન્ડર કંટ્રોલનો એક કાયદો છે, ક્યારેક પોલીસ તેનું પણ ચેકીંગ કરી નાંખે છે પણ છકડોરિક્ષા ઉપરાંત મનપાની કેટલીક સિટી બસો અને ખાનગી વાહનો કે જે દેખીતા ધુમાડા ઓકે છે તેને પી.યુ.સી.કઈ રીતે મળે છે કે પછી પી.યુ.સી.વગર જ ચાલે છે? જો કે પોલીસ ટુ વ્હીલર કે કાર ચાલકને અટકાવતી નજરે પડે છે, છકડોરિક્ષાનું ચેકીંગ કદાચ આમાં કાંઈ નહીં હોય તેમ માનીને કરતી નથી કે જ્વલ્લે જ કરે છે.
અલબત, છકડોરિક્ષા પણ એક રોજીરોટીનું સાધન છે, ગ્રામ્ય વિસ્તારમાં તો તે અવરજવર માટે આશિર્વાદરૂપ પણ ગણાય છે, ફિલ્મોમાં પણ કાઠીયાવાડી છકડા દેખાયા છે ત્યારે રાજકોટ મહાપાલિકાના કમિશનર દ્વારા પાંચેક વર્ષ પહેલા છકડોરિક્ષાના ચાલકોને અન્ય સારુ વાહન કે જેમાં અવાજ કે વાયુ પ્રદુષણન હોય અને એવરેજ પણ સારી હોય તે લોનથી અપાવવા અને છકડામુક્ત રાજકોટ કરવા નિર્ણય પણ થયો હતો પરંતુ, આવી વાતો ઉચ્ચકક્ષાએ ઉચ્ચ અફ્સરબાબુઓ કરીને વિસરી જતા હોય છે , બદલી થઈ જતા હોય છે અને નવા અફ્સરો પણ તેને આગળ વધારતા નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33GovKl
0 Response to "પર્યાવરણની મોટી મોટી વાતો વચ્ચે રાજકોટમાં છકડાને છૂટ !"
Post a Comment