
નકલી પોલીસ બનીને દાગીના તફડાવતી ઈરાની ગેંગ સકંજામાં
- રાજકોટ, ગોંડલ, ભૂજ સહિત ગુજરાતનાં નવ પોલીસ મથકોની હદમાં આચરેલી કરતૂતોની કબુલાત
- ગુજરાત સહિત દેશનાં અનેક રાજયોમાં વોન્ટેડ ઈરાની ગેંગ દ્વારા પોલીસ હોવાનું કહીને મહિલાઓને પર્સનાં દાગીનાં મુકાવી કરાતી હતી છેતરપિંડી
પોરબંદર,તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર
ગુજરાત સહિત દેશના અનેક રાજયમાં નકલી પોલીસ બની દાગીના પડાવતી ઈરાની ગેંગ પોરબંદર પોલીસના સિકંજામાં ફસાઈ ગઈ છે. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોરબંદર જામનગર રોડ ઉપર ઝારેરા નેશ પાસેથી કાર સહીત સવા પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચારને દબોચ્યા છે અને તેઓ વૃધ્ધ મહિલાઓને પોલીસ હોવાની ઓળખ આપી દાગીના પર્સમાં મૂકવાનું કહી છેતરપીંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
જેથી દરેક બનાવના સીસી ટીવી ફૂટેજ મેળવી તેમજ પોરબંદર નેત્રમ પ્રોજેકટના સીસી ટીવી ફૂટેજ મેળવી તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી સઘન અને જીણવટભરી રીતે તપાસ કરતા આ પ્રકારની એમ.ઓ. ઈરાની ગેંગનું હોવાનું માલુમ પડતા તે દિશામાં તપાસ કરવામાં આવી હતી.
ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, ગઈ તા. ૫.૧૧.૨૦૨૦નાં રોજ જે ગેંગ અગાઉ પોરબંદર વિસ્તારમાં આવેલ હતી અને ગુન્હાને અંજામ આપેલ હતો, તે જ ગેંગ ફરી પાછા જામનગરથી પોરબંદર તરફ આવી રહી છે. સચોટ હકીકત મળતા સ્ટાફ સાથે રાણાવાવતી આગળ બિલેશ્વર ટેલીપોન એકસચેન્જ પાસે વોચમાં હતાં. દરમિયાન જામનગર તરફતી એક એમ.એચ. પાસીંગની જાયલો કાર આવતા તે કારને રોકવાની કોશિષ કરતાં રોકેલ નહીં અને કારનો પીછો કરી ઝારેરા નેશના પાટીયા પાસે કારને જેમની તેમ રોકી ચેક કરતા કારમાંથી ચાર શંકાસ્પદ ઈસમો મધ્યપ્રદેશના ત્રણ શખ્સો સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ એહમદખાન મનસુરખાન ઈરાની, મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઈ યાસનઅલી ઉર્ફે કાજી જાફરી (ઉ.વ.૨૦) અને રજાઅલી કુરબાનઅલી ઈરાની, (ઉ.વ.૨૨) તથા મહારાષ્ટ્રનો ઈસાઅલી નબીઅલી ઉરફે નોસીર કાદરી ઈરાની (ઉ.વ.૩૦) ને પોલીસે પકડી પાડયા હતાં. આ તમામને એલ.સી.બી. ઓફિસે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે બનેલ ગુન્હાની કબુલાત આપેલ અને આ સિવાય પણ રાજયમાં અનેક જગ્યાએ આવા પ્રકારના ગુન્હા કર્યાની કબુલાત આપેલ છે તેમજ અન્ય રાજયમાં પણ આવા પ્રકારના ગુન્હા કરેલ હોવાનું જાણવા મળે છે.
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ઈરાની ગેંગના સભ્યો પાસેથી કાર અને દાગીના સહીત લાખોનો મુદ્દામાલ મળ્યો હતો. જેમાં સોનાની બંગડીઓ નંગ - ૪ વજન આશરે ૪૫ ગ્રા. ૯૦૦ મી.ગ્રા. કિ. રૂપીયા ૨,૦૪,૨૫૫, એક જાયલો કાર જેના રજી. નં. એમ.એચ. ૧૯ બી.યુ. ૧૨૯૭ જેની કિંમત રૂપીયા ૩ લાખ, રોકડ રૂપીયા ૨૨ હજાર, મોબાીલ ફોન નંગ - ૨, જેની કિંમત રૂપીયા ૨૫૦૦, નાના ઈલેકટ્રોનિક વજન કાંટા કિ. રૂા ૧૦૦૦ આ કુલ ટોટલ કિંમત રૂપીયા ૫,૨૯,૭૫૫નો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરાયો હતો. આ ઉપરાંત પીળી ધાતુના નકલી દાગીના સહીત હાથની વીંટીમાં પહેરવાના પથ્થરના નંગના નાની ડબ્બીઓ નંગ - ૩૦ સહિતનો માલ કબ્જે થયો હતો.
પોરબંદર પોલીસે પકડેલી ઈરાની ગેંગના સભ્યોએ એવી કબુલાત આપી હતી કે છેલ્લા પંદર દિવસમાં જ તેઓએ રાજયમાં કુલ ૯ જગ્યાએ આ પ્રકારે છેતરપીંડી કરી હતી. જેમાં તા.૨૧.૧૦ થી તા.૫.૧૧ દરમિયાન તેઓએ પોરબંદરનાખોજાખાના નજીક ઉપરાંત એ જ દિવસે ગોંડલ ટાઉન, ગાંધીગ્રામ પોલીસ વિસ્તાર, ડભોઈ, ભચાઉ, ભુજ, માણસા, હિંમ્મતનગર અને બેડેલીમાં ગુન્હાઓ કર્યા હતાં. આ ૯ ગુન્હાઓમાંથી હિંમ્તનગર અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયા ન હતાં. તેઓએ મહારાષ્ટ્રના મલકાપુર, જામનેર અને નાંદોરામાં ગુન્હાની કબુલાત આપી છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરીયાણા અને ગુજરાત વગેરે રાજયોમાં આ પ્રકારે છેતરપીંડી કરી હોવાની કબુલાત આપી હતી. જેમાંથી સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી અને ઈશા અલી આ બે શખ્સોને મહારાષ્ટ્રના નંદુરબાર પોલીસ સ્ટેશનના ૩ ગુન્હાઓમાં પકડવાના બાકી હતા.
પ્રેસ કાર્ડ અને પોલીસ મિત્ર કાર્ડ પણ મળ્યા!
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ઈરાની ગેંગના ચાર શખ્સોને પોરબંદર પોલીસે પકડયા બાદ તેની જાયલો કારમાંથી તલાસી લેતા તેઓની પાસેથી દિલ્હી ક્રાઈમ, ભારત સંચાર વિરોધી મોરચા પ્રેસલખેલ બે કાર્ડ તથા પોલીસ મિત્રનું એક કાર્ડ પણ મળી આવ્યું હતું.
દેશની ૬ કોર્ટ દ્વારા ઈસ્યુ થયા હતા વોરંટ
પકડાયેલા શખ્સો વિરૂધ્ધ દેશની જુદી જુદી કોર્ટમાંથી છ વોરંટ ઈસ્યુ થયા હતાં. જેમાં રાજસ્થાનના નાથદ્વારાના રાજસમદ, જોધપુર, ઝાહલાવાર, પાલી અને ઉત્તરપ્રદેશના મુરાદાબાદ વગેરે પોલીસ સ્ટેશનના ગુન્હાઓ સબબ આરોપીઓ વિરૂદ્ધ કોર્ટે વોરંટ પણ ઈસ્યુ કર્યા હતાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર કર્યો હતો હુમલો
રાજયભરમાં તરખાટ મચાવનારી ઈરાની ગેંગ મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં હોવાની માહિતીના આધારે તા.૧૩.૩.૨૦૧૮ ના અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે ગઈ ત્યારે સુલ્તાન ઉર્ફે અમજદ પરવેઝ અને તેમની સાથે પંદરથી વીસ સખ્સોએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર ઘાતક હુમલો કર્યો હતો. તેની ફરિયાદ પણ સેંધવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
તમામ ગુન્હાઓમાં એકસરખી મોડસ ઓપરેન્ડી
પોરબંદર પોલીસે પકડેલી ઈરાની ગેંગની તમામ ગુન્હામાં એકસરખી મોડસ ઓપરેન્ડી રહી હતી. જેમાં એકલવાયી જતી મહિલા કે વૃધ્ધાને આગળ પોલીસનું ચેકીંગ ચાલુ છે તમે પહેરેલા દાગીના આ પડીકામાં મૂકી તમારા પર્સ કે રૂમાલમાં રાખી દો તેમ કહી શિકારની નજર ચૂકવીને ડુપ્લીકેટ પડીકું આપી અસલી દાગીના ઉઠાવી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતાં.
ગુન્હો ડીટેકટ કરનાર તમામ કર્મીઓને રોકડ ઈનામ
પોરબંદરમાં પહેલી વખત એવું બન્યું છે કે પોલીસ અધિકારી દ્વારા ગુન્હો ડીકેટ કરનાર તમામ પોલીસકર્મીઓને રોકડ પુરસ્કાર અપાયો હોય. આ સારી કામગીરી કરનાર તમામ અધિકારી, કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ તરફથી પાંચ પાંચ હજારનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JCrkoN
0 Response to "નકલી પોલીસ બનીને દાગીના તફડાવતી ઈરાની ગેંગ સકંજામાં"
Post a Comment