
ખરીદાતી વસ્તુ સાથે ફ્રીમાં મળી શકે કોરોનાનો ચેપ ! 3 ફેરિયાને કોરોના
- હોકર્સ ઝોનમાં મનપાનું ચેકીંગ : ખાણીપીણીની હોટલે પણ મ્યુનિ.સ્ટાફ જઈ આવ્યો અને માત્ર સૂચના આપી પરત ફર્યો!
રાજકોટ, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર
રાજકોટમાં શોપીંગ મોલ, માર્કેટયાર્ડ, હોકર્સ ઝોન વગેરે સ્થળોએ રોજ હજારો લોકો ખરીદી માટે ઉમટતા હોય છે ત્યારે ખરીદાતી વસ્તુની સાથે કોરોનાનો ચેપ લોકોની જાણ બહાર મળી જાય તેવું જોખમ સર્જાયું છે. મનપાએ આવા સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું ટેસ્ટીંગ શરુ કર્યું છે જેમાં આજે ત્રણ હોકર્સઝોનમાં કોરોના એન્ટીજન ટેસ્ટ કરાતા તેમાં ૩ ફેરિયાઓ પોઝીટીવ મળ્યા છે. તો બીજી તરફ ફૂડ વિભાગ દ્વારા અનેક હોટલો-રેસ્ટોરાંનું ચેકીંગ કરાયું પણ કોઈ કામગીરીનો રિપોર્ટ નથી.
આ પહેલા શહેરના ત્રણ મોલમાં ટેસ્ટ કરાતા ત્યાં ૬ કર્મચારીઓ, ફૂડ ડીલીવરી કરતા કર્મચારીઓનું ટેસ્ટીંગ થતા ૩, માર્કેટયાર્ડમાં ૬, હોકર્સઝોનમાં ૬ કોરોના પોઝીટીવ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સ્થળે વેચનાર વ્યક્તિ એક હોય છે પણ તેની પાસેથી ખરીદી કરનાર અસંખ્ય લોકો હોય છે. આથી લોકોએ બહાર ખરીદી કર્યા પછી તુરંત જ હાથ સેનેટાઈઝ કરવા અને માસ્ક પહેર્યા વગર કોઈ પણ સ્થળેથી ખરીદી કરવાની ભૂલ ન કરવી જરૂરી છે.
જ્યારે શહેરમાં આવેલ જાણીતા રેસ્ટોરન્ટ, હોટલો કે જ્યાં લોકો આવતા હોય છે તેનું ફૂડ ખાતા દ્વારા ચેકીંગ કરાયું હતું પણ માત્ર એ જ જુની સૂચનાઓ આપીને સ્ટાફ ધોયેલ મૂળાની જેમ પરત ફર્યો હતો. કોઈ સ્થળે અગાઉ અપાયેલી સૂચનાનું પાલન થયું છે કે નહીં તે બાબતે ચેક કરીને પગલા લેવાયા નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gfeZmA
0 Response to "ખરીદાતી વસ્તુ સાથે ફ્રીમાં મળી શકે કોરોનાનો ચેપ ! 3 ફેરિયાને કોરોના"
Post a Comment