રાંધણગેસ સિલિન્ડરની ઘટતી ડિમાન્ડ, સાત એજન્સીને તાળાં

રાંધણગેસ સિલિન્ડરની ઘટતી ડિમાન્ડ, સાત એજન્સીને તાળાં


- હોસ્ટેલ, હોટલ, રેસ્ટોરન્ટ અને શિક્ષણ સંસ્થાઓ માટે વપરાતા કોમર્શિયલ સિલિન્ડરની ડિમાન્ડ કોરોનાને લીધે સાવ તળીયે

- જ્યાં રાંધણગેસનું કનેક્શન મેળવવા માટે છ-છ મહિનાનું વેઈટીંગ હતું તે એજન્સીઓને આજે ગ્રાહકો મળવા મુશ્કેલ

રાજકોટ, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર

કોરોનાને કારણે લોકડાઉન લાગુ થયા બાદ અનેક વેપાર-ધંધાને વિપરીત અસર થઈ છે. અલબત્ત રાજકોટમાં છેલ્લા બે મહિનાના સમયગાળામાં વેપાર-ઉદ્યોગમાં પુનઃ પ્રાણસંચાર થયો હોય તેવી સ્થિતિ જોવા મળે છે, પરંતુ દર વર્ષે શિયાળાના સમયમાં રાંધણગેસનો વધુ વપરાશ જોવા મળતો હતો તેના બદલે કોરોનામાં સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, હોટલ સહિતના વ્યવસાયને થપાટ લાગતા રાંધણગેસની એજન્સીની સંખ્યા ઘટતી જાય છે. એક સમયે શહેરમાં ૨૫ રાંધણગેસ એજન્સીઓ ધમધમતી હતી. જેમાંથી આઠ એજન્સીઓ કાયમી ધોરણે બંધ થઈ ગયાનું જાણવા મળે છે.

રાજકોટમાં રાંધણ ગેસ માટે પાઈપલાઈન દ્વારા ગેસ આપવાનું શરૂ થયા બાદ રાંધણ ગેસ સિલિન્ડરની ડિમાન્ડ ઘટતી રહી હોવાનું અનુમાન છે. એક સમયે રાંધણ ગેસ સિલિન્ડર માટે મોટું વેઈટીંગ લિસ્ટ જોવા મળતું હતું. 

કોઈપણ એજન્સીમાંથી રાંધણગેસ મેળવવા માટે છ-છ મહિના સુધી રાહ જોવા મળતી. આજે પરિસ્થિતિ વિપરીત છે, રાંધણગેસ એજન્સી નવી ખુલતી નથી. જૂની એજન્સી પાસે ગ્રાહકો ઘટતા જતા હોવાને લીધે તાળાં મારવા પડે છે. 

રાંધણગેસ એજન્સીના વેપારને પડેલા ફટકા પાછળના કારણોની ચર્ચા કરતા સૂત્રો જણાવે છે કે કોરોનાના સમયકાળ બાદ રાંધણગેસ સિલિન્ડરના વેપારને બહુ મોટો ફટકો પડયો છે. સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલ, કારખાના કે હોટલમાં કોમર્શિયલ વપરાશ થતો હતો, તે મહદ અંશે બંધ થયો છે.કેટલીક હોટલો આજ સુધી ચાલુ થઈ જ નથી. હોસ્ટેલો તો છેલ્લા આઠ મહિનાથી બંધ છે. કેટલાક કારખાનાની પણ આ જ પ્રકારની સ્થિતિ હોવાને લીધે રાંધણગેસના સિલિન્ડરના વેપારને જાણે 'ઠંડી' લાગી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. સામાન્ય રીતે શિયાળામાં રાંધણગેસની ડિમાન્ડ વધુ હોય છે, પરંતુ આ શિયાળો રાંધણગેસના ધંધાર્થીઓ માટે ચિંતાજનક બની રહ્યો છે. ઘટતા જતા ગ્રાહકો અને વધતા જતા રાંધણગેસના ભાવની વચ્ચે રાંધણગેસના વેપારનું અસ્તિત્વ ટકશે કે કેમ ? તે સવાલ છે.

રાંધણ ગેસના સિલિન્ડરમાં રૂા.૫૦ થી ૫૫નો ભાવ વધારો

રાંધણગેસના સબસિડી વગરના ૧૪ કિ.ગ્રા.ના સિલિન્ડરમાં રૂા.૫૦ના ભાવવધારો તા.૨ ડિસે.થી લાગુ થતાં રૂા.૬૪૯નો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે તા.૧ ડિસે.થી ૧૯ કિ.ગ્રા.ના રાંધણગેસ સિલિન્ડરમાં રૂા.૫૫નો વધારો લાગુ કરવામાં આવતા રૂા.૧૨૭૭નો ભાવ વસુલવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37BKzqH

0 Response to "રાંધણગેસ સિલિન્ડરની ઘટતી ડિમાન્ડ, સાત એજન્સીને તાળાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel