
રાજકોટવાસીઓ પાસેથી માસ્ક અને જાહેરમાં થૂંકવા બદલ 11.57 કરોડનો દંડ વસૂલાયો
- અત્યાર સુધી જાહેરનામા ભંગના ૬૧૪૨, સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના ૧૨૪૩૩ કેસો નોંધાયા ઃ કુલ ૫૬ હજારથી વધુ વાહનો ડિટેઈન
રાજકોટ, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર
શહેરમાં માસ્ક અને જાહેરમાં થૂંકવાના નિયમના ભંગ બદલ પોલીસ અત્યાર સુધી ૧૧.૫૭ કરોડનો દંડ વસુલી ચૂકી છે. કોરોનાને કારણે જ્યારથી માસ્ક ફરજિયાત બનાવી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારથી લઈ આજ સુધી બે લાખથી વધુ લોકોએ ભરેલા આ દંડની રકમ છે.
અનલોક-૬ દરમિયાન એટલે કે ગઈ તા.૧/૧૧૨૦૨૦ થી ૩૦/૧૧/૨૦૨૦ સુધી શહેરમાં માસ્ક નહીં પહેરવા બદલ અને જાહેરમાં થૂંકવા બદલ પોલીસે ૩૦,૩૪૩ લોકો પાસેથી ૨.૯૫ કરોડનો દંડ વસૂલ કર્યો છે. અત્યાર સુધી આ બંને નિયમોના ભંગ બદલ કુલ ૧૧ કરોડ ૫૭ લાખ ૫૫ હજાર ૮૦૦નો દંડ વસૂલાયો છે.
અનલોક-૬ દરમિયાન જાહેરનામા ભંગના કુલ ૧૭૨૯ કેસો નોંધાયા હતા. આ દરમિયાન કુલ ૨૫૩૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે કોરોનાને લઈને પ્રતિબંધાત્મક આદેશો મુકાયા ત્યારથી લઈ અનલોક-૬ સુધી જાહેરનામા ભંગના કુલ ૬૧૪૨ કેસો નોંધવામાં આવ્યા છે.
જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના ૧૨૪૩૩ કેસો નોંધાયા છે. જેમાં એકલા વેપારીઓ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના ૧૩૫૪ કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૫૬૨૬૧ વાહનો ડિટેઈન કરાયા છે.
પોલીસનો દાવો છે કે, ગઈ તા.૧૯/૧૧/૨૦૨૦ થી લઈ ૨૫/૧૧/૨૦૨૦ દરમિયાન કોરોનાને અટકાવવા માટે જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સૌથી વધુ જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે વાહન ડિટેઈન કરવા બાબતે રાજ્યમાં તેનો નંબર બીજા ક્રમે છે.
હવે અનલોક-૭ની ગાઈડલાઈન પણ જાહેર થઈ ગઈ છે. તેમાં પણ માસ્ક ફરજીયાત પહેરવાના અને જાહેરમાં નહીં થૂંકવાના નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે. પોલીસ હાલમાં જાહેરમાં થૂંકવા બદલ રૂા.૫૦૦નો દંડ વસૂલી રહી છે. જ્યારે માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂા.૧૦૦૦નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ દંડની રકમ આકરી અને કોરોનાને કારણે આવેલી મંદીમાં લોકો માટે ધગધગતા ડામ સમાન છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oq940T
0 Response to "રાજકોટવાસીઓ પાસેથી માસ્ક અને જાહેરમાં થૂંકવા બદલ 11.57 કરોડનો દંડ વસૂલાયો"
Post a Comment