નવી ફાયર પોલિસી : આગ અટકાવવા ઈન્સ્પેક્શનનું પણ હવે ખાનગીકરણ !

નવી ફાયર પોલિસી : આગ અટકાવવા ઈન્સ્પેક્શનનું પણ હવે ખાનગીકરણ !


અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

કોરોનાની સાથોસાથ હોસ્પિટલો અને ઉદ્યોગગૃહોમાં જીવલેણ આગનો વણથંભ્યો સિલસિલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આવા કિસ્સાઓમાં મેઈન્ટેનન્સ અને ઈન્સ્પેક્શનનો અભાવ હોવાનું સ્પષ્ટ થયું છે. જીંદગી અને જીવ બાળતી ઘટનાઓમાં બદલાવ માટે ગુજરાત સરકાર નવી ફાયર પોલિસી તૈયાર કરી રહી છે.

ફાયર પોલિસીને અંતિમ સ્વરૂપ અપાય તે પહેલાં GIDM એટલે કે ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 32 ફાયર સેફ્ટી ઓફિસરોને તાલિમ આપવામાં આવી રહી છે. ફાયરસેફ્ટી માટે લેવામાં આવી રહેલાં નવા બદલાવ થોડા આંચકારૂપ પણ છે. નવા નિયમો આવનાર છે તેમાં આગ અટકાવવા માટેના સર્વેલન્સનું ખાનગીકરણ થઈ જાય તેવી સ્થિતિ સર્જાનાર છે. આગ અટકાવવા માટે ફાયરસેફ્ટી ઈક્વિપમેન્ટસ અને તેની સારસંભાળમાં ફાયરબ્રિગેડ પહોંચી શકતી નથી.

આ સ્થિતિ નિવારવા માટે ફાયર પ્રોફેશનલ્સને ઈન્સ્પેક્શનની છૂટ આપવામાં આવાર છે. હવેથી, હાઈરાઈઝ કે લોરાઈઝ બિલ્ડીંગ, હોસ્પિટલો, ફેક્ટરીઓ, ગોડાઉન, સ્કૂલો, સિનેમા ગૃહો સહિતના સ્થળોએ ફાયરસેફ્ટી ઈન્સ્પેક્શનનું ખાનગી વ્યક્તિો કરશે. જ્યારે, રાજ્યના 32 જિલ્લા માટે 32 ફાયર સેફ્ટી ઓફિસર્સ તહેનાત કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

અત્યારે એવો નિયમ છે કે, કોઈપણ વ્યાવસાયિક સૃથળ હોય ત્યાં ફાયરસેફ્ટી ઈન્સ્પેક્શનની જવાબદારી ફાયરબ્રિગેડ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરના શિરે છે. સતત જીવલેણ આગના બનાવો બન્યાં પછી એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે, આ બન્ને વિભાગોમાં મહેકમની સરખામણીએ કામગીરી એટલી વધુ છે કે, સલામતીના માપદંડ જાળવી શકાતાં નથી.

આથી, સરકાર નવી ફાયર પોલિસી તૈયાર કરી રહી છે. આ કામગીરી ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને સોંપવામાં આવી છે. વિશ્વસ્ત સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, ગત સપ્તાહે ગાંધીનગર ખાતે એક મિટિંગ યોજાઈ હતી તેમાં નવી ફાયરપોલિસી અને ભાવિ આયોજનો વિશે ચર્ચા થઈ હતી.

ફાયર પોલિસની અમલવારી માટે ટૂંકા અને લાંબા ગાળાના આયોજનો આકાર લઈ રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યા મુજબ, જીવલેણ અગ્નિકાંડના બનાવો વધવાથી નિયમોમાં આવશ્યક બદલાવમાં સમય વિતી જાય તેમ છે. પરંતુ, એ પહેલાં ઉદ્યોગો, બિલ્ડીંગો, સ્કૂલો, િથએટર્સ સહિતની જગ્યાઓએ ફાયરસેફ્ટી માટે જાગૃતતા કેળવાય તે માટે મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યાં છે.

અત્યાર સુધી ફાયરસેફ્ટી અંગેનું ઈન્સ્પેક્શન ફાયરબ્રિગેડ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર દ્વારા કરાતું હતું. હવે, ગુજરાત સરકાર ઈન્સ્પેક્શનનું ખાનગીકરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આવનારાં દિવસોમાં નવા બનનારાં બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનું પહેલુ ઈન્સ્પેક્શન ચિફ ફાયર ઓફિસર કરશે.

આ પછી ઈન્સ્પેક્શન માટે ખાનગી કન્સલ્ટન્ટને રાખી શકાશે. મતલબ કે, ઈન્સ્પેક્શનનું ખાનગીકરણ કરવામાં આવતાં ખાનગી કન્સલ્ટન્ટ દર છ મહિને જે-તે એકમ કે બિલ્ડીંગનું ઈન્સપેક્શન કરશે અને તે અંગેનો રિપોર્ટ કરશે. આ રિપોર્ટના આધારે ફાયરસેફ્ટીની ગુણવત્તા નક્કી થશે. સાથોસાથ, મોટો બદલાવ એ પણ લવાશે કે દર ત્રણ વર્ષે ફાયર એન.ઓ.સી. રિન્યુ કરવાના રહેશે.

બીજી મહત્વની કામગીરી રાજ્યના તમામ 32 જિલ્લામાં 32 ફાયર સેફ્ટી ઓફિસર્સની જગ્યા ઉભી કરવામાં આવનાર છે. સૂત્રોએ જણાવ્યું કે, સ્ટેટ ફાયર સર્વિસના તાબામાં ડાયરેક્ટરના હાથ નીચે પાંચ રિજનલ ફાયર ઓફિસર, પાંચ ડેપ્યુટી અને 32 ડીસ્ટ્રીક્ટ ફાયર ઓફિસર રહેશે. આ ઉપરાંત સાતેક જિલ્લા મથકોમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે. મતલબ કે, રાજ્યના તમામ જિલ્લામાં હવે ફાયર સેફ્ટી ઓફિસર જવાબદાર અિધકારી ગણાશે.

જો કે, ફાયર સેફ્ટી ઓફિસર બનાવવા માટે અલગ જ માપદંડ પસંદ કરાયાની ચર્ચા છે. ચાર વર્ષનો ફાયર સેફ્ટીનો કોર્સ કરનાર ફાયર પરસનના બદલે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલાં 32 વ્યક્તિઓને માત્ર 30 દિવસની તાલીમ આપીને 32 જગ્યાએ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે મુકવામાં આવનાર છે. હાલમાં 32 લોકોની તાલીમ ચાલી રહી હોવાનું પણ સૂત્રો કહે છે.

નોંધપાત્ર બાબત એ છે કે, અમદાવાદ અને રાજકોટની બે હોસ્પિટલના આઈસીયુ હોય કે અમદાવાદના નારોલ કે ધોળકાની જીવલેણ ઈન્ડસ્ટ્રીયલ આગ. તમામ કિસ્સામાં હોબાળો મચે એટલે પોલીસ ફરિયાદ થાય છે. પણ, સમય જતાં આ વિવાદ ભૂલાઈ જાય છે અને થોડા મહિના વિતે એટલે ફરી જીવલેણ આગનો ઘટનાક્રમ બને છે.

સતત ઘટનાઓ પછી નવી ફાયર પોલિસી ઘડવા માટે ચાલતાં પ્રયાસો વેગવાન બનાવવામાં આવ્યાં છે. એ પહેલાં જિલ્લાદીઠ ફાયર સેફ્ટી ઓફિસરને મુકવાની કવાયત ચાલી રહી છે. વિવાદ સર્જાતાં ઝડપી બનાવાયેલી આ કામગીરી કેટલી મજબૂત છ્ે એ તો સમય જ બતાવશે. સરકારી તંત્રોની બેદરકારીની જીવલેણ આગ હવે ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેના આયોજનથી કેટલા અંશે અંકુશમાં લઈ શકશે તેના પર અનેક લોકોની નજર છે.

ફાયર પોલિસી સફળ બની શકે તેેવું સૂચન

મ્યુનિ. હસ્તક અલગ ફાયર પ્રિવેન્શન વિંગ બનાવાય તો ઉકેલ

ફાયર સેફ્ટીની કામગીરી સાથે સંકળાયેલાં અનેક લોકો નવી ફાયર પોલિસીની રચના જે રીતે થઈ રહી છે તેના કરતાં ભિન્ન મત ધરાવે છે. આવા સૂત્રોનું કહેવું છે કે, મ્યુનિ.માં એસ્ટેટ અને સફાઈ સહિતની ઝોન, વોર્ડદીઠ જે કામગીરી છે તે જ પદ્ધતિએ ફાયર પ્રિવેન્શન વિંગ બનાવીને સર્વેલન્સ કામગીરી કરવામાં આવે તો વધુ અસરકારક પૂરવાર થાય તેમ છે.

અમદાવાદ જેવા શહેરમાં ચાર ઝોન પાડી એક અધિકારીના હાથ નીચે વોર્ડદીઠ તાલિમબદ્ધ કર્મચારી રાખવામાં આવે તો નિયમીતપણે ફાયર સેફ્ટી ઈક્વિપમેન્ટ અને તેની રખરખાવટનું યોગ્ય રીતે સર્વેલન્સ થઈ શકે. અમદાવાદ મ્યુનિ. તંત્રએ ઝોન-વોર્ડ અને વિસ્તારદીઠ જેટ ટીમો કાર્યરત કરીને શહેરને સાફસુથરૂં બનાવ્યું છે. આ જ રીતે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોને જીવલેણ આગથી ભયમુક્ત બનાવી શકાય છે.

મુશ્કેલ છે પણ કાયદામાં બદલાવ જ કાયમી ઉકેલ

1948ના કાયદાના બુઠ્ઠા હથિયારથી ફેક્ટરી ઈન્સ્પેક્ટર હાથ ઊંચા કરે છે

ફાયર સેફ્ટીના મુદ્દે ફાયરબ્રિગેડ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતના કુલ ચાર ખાતાઓમાં સંકલન જ સૌથી મોટી સમસ્યા છે. જો કે, આનાથી મોટી સમસ્યા 1948ના જુનવાણી કાયદા છે. જાણકાર સૂત્રો કહે છે કે, મૂળ જવાબદારી ફેક્ટરી ઈન્સ્પેક્ટરની આવે છે. આજની તારીખે અનેક ફેક્ટરીઓની મંજુરીમાં અગ્નિશમન માટે જુનવાણી એવા ટ્રેલર પમ્પની મંજુરીની સિસ્ટમ ચાલી રહી છે. ફેક્ટરી ઈન્સ્પેક્ટર્સ જવાબદારી આવી પડે ત્યારે પોતે કામ ફાયરબ્રિગેડનું છે અને ફાયરસેફ્ટી અંગે અમે ન જાણીએ તેમ કહી હાથ ઊંચા કરી દે છે. ખરેખર તો, ફેક્ટરી અને ફાયર સેફ્ટીમાં જુનવાણી કાયદા બદલાય તો જ છાશવારે સર્જાતી મોતની કહાની બદલે તેમ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33RPGly

0 Response to "નવી ફાયર પોલિસી : આગ અટકાવવા ઈન્સ્પેક્શનનું પણ હવે ખાનગીકરણ !"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel