
ધોરાજીમાં રસ્તા અને પાણીનાં પ્રશ્ને ચક્કાજામ : 29 મહિલાની અટકાયત
- રસ્તા પર બેસી જઈને મહિલાઓએ રામધૂન બોલાવી નિંભર નેતાઓ અને આળસુ અધિકારીઓ વિરૂધ્ધ કર્યો સુત્રોચ્ચાર
ધોરાજીમાં રજવાડી ગલ વિસ્તારમાં ઘણા સમયથી બિસ્માર રસ્તા અને દુષિત પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાતા અંતે આજે સ્થાનિક રહીશોએ હલ્લાબોલ સાથે રસ્તારોકો આંદોલન છોડયું હતું. રોડ પર બેસી જઈને મહિલાઓએ રામધૂન બોલાવી નિંભર નેતાઓ અને આળસુ અધિકારીઓ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. પરિણામે પોલીસે ૨૯ મહિલાઓની અટકાયત કરી હતી.
ધોરાજીના વોર્ડ નંબર ૯માં જેતપુર રોડ પર રજવાડી ગલી વિસ્તારમાં રસ્તા પાણીના પ્રશ્ને નગરપાલિકાનું ઓરમાયુ વર્તન હોય જેથી મોટી સંખ્યામાં મહિલાઓ જેતપુર રોડ ઉપર આવી ચક્કાજામ કરતા અડધી કલાક માટે તમામ વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો અને વાહનોની એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી જે બનાવની જાણ ધોરાજીના પોલીસને થતા તાત્કાલિક પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મહિલાઓને રસ્તાઓ પરથી ખસી જવાની વિનંતી કરી હતી પરંતુ આ વિસ્તારની મહિલાઓએ ભારે જનઆક્રોશ સાથે જણાવેલું કે, અમારા વિસ્તારના રસ્તા દોઢ વર્ષ પહેલા ખોદી ગયા છે રોડ ના કરવો હોય તો શું કામ ખાડા કરી ? ગયા દોઢ-બે વર્ષથી અમે આ વિસ્તારમાં હેરાન થઇ રહ્યા છીએ પીવાલાયક પાણી મળતું નથી ગટરની દુર્ગંધ મારતું પાણી આ વિસ્તારનાં લોકો પીવે છે આ બાબતે અનેક વખત ધોરાજી નગરપાલિકાને કરવા છતાં પણ કોઇ રજૂઆત સાંભળતા નથી જેથી આ રસ્તાઓ પર ચકકાજામ કર્યો છે અને અહીંથી જવાનાં નથી.
આ બાબતે મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલાએ તાત્કાલિક અસરથી મહિલાઓને રોડ ઉપરથી હટી જવાનો આદેશ કરતા થોડીવાર માટે તો બોલાચાલી થઈ હતી. બાદમાં પોલીસે બળનો ઉપયોગ કરી મહિલાઓની ધરપકડ કરવાનો પ્રયત્ન કરતા રોડ ઉપર બેસી જઈ રામધુન બોલવા લાગી હતી. આથી મહિલા પોલીસ સ્ટાફ તેમજ ડી સ્ટાફના જવાનોએ ૨૩ જેટલી મહિલાઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી.
આ સમયે ધોરાજી શહેર અગ્રણી ઓ આ વિસ્તારના સુધરાઈ સભ્યો વિગેરે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દોડી જતા અને ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હકુમતસિંહ જાડેજા સાથે મહિલાઓને છોડી દેવા બાબતે સમજાવ્યા હતા અને જણાવેલું કે આ નગરપાલિકાનો પ્રશ્ન છે. તાત્કાલિક નગરપાલિકાનાં અધિકારી સાથે ચર્ચા વિચારણા કરીશું. હાલમાં ધોરાજી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને શહેર કોંગ્રેસના પ્રમુખ વિગેરે હાજર છે તો તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મહિલાઓને છોડી દેવા વિનંતી કરી હતી. અંતે મહિલાઓની અટકાયત નોંધીને ફરી રોડ પર ચક્કાજામ નહિ કરી તે બાબતનું નિવેદન લઇ અને હવે પછી શાંતિનો ભંગ નહીં કરીએ તે અંગે બાહેધરી લઈ મુક્ત કર્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JCCvOn
0 Response to "ધોરાજીમાં રસ્તા અને પાણીનાં પ્રશ્ને ચક્કાજામ : 29 મહિલાની અટકાયત"
Post a Comment