રાષ્ટ્રનાં ખેડૂત આંદોલનની સાથે સૌરાષ્ટ્ર, પોરબંદરમાં ટ્રેક્ટર રેલી

રાષ્ટ્રનાં ખેડૂત આંદોલનની સાથે સૌરાષ્ટ્ર, પોરબંદરમાં ટ્રેક્ટર રેલી


- રાજકોટ,જુનાગઢ, ભેંસાણ, સોમનાથ,અમરેલીમાં રોષભેર આવેદન,જામનગર-મોરબીમાં ધરણાં, ઉપલેટામાં સૂત્રોચ્ચારો

- મોદી સરકાર ૬૨ કરોડ ખેડૂતોને મુઠ્ઠીભર મૂડીપતિ પાસે ગિરવે મુકી હરિયાળી ક્રાંતિ ખતમ કરે છે-આવેદન

રાજકોટ, તા. 4 ડિસેમ્બર 2020, શુક્રવાર

કેન્દ્રના  કૃષિ ખરડાંને ખેડૂતોને કંપનીઓના ગુલામ બનાવવાનું કાવત્રુ ગણાવીને અગાઉ થયેલા વિરોધને અવગણીને બિલો કેન્દ્ર સરકારે પાસ કરાતા તે સામે દિલ્હીમાં કડકડતી ઠંડીમાં ખેડૂતો રોષભેર રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે  ત્યારે રાષ્ટ્રમાં આ આંદોલનના સૌરાષ્ટ્રમાં પણ ઘેરાપડઘાં પડયા છે અને આજે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. પોરબંદરમાં ખેડૂતોએ, કોંગ્રેસના નેતાઓ સાથે વિશાળ ટ્રેક્ટર રેલી યોજી અટકાયત વ્હોરી હતી તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અને ખેડૂત નેતાઓ દ્વારા ઠેરઠેર વિરોધ  પ્રદર્શનો, સૂત્રોચ્ચારો યોજીને કૃષિ ખરડાં તાત્કાલિક રદ કરાય તેવી આક્રોશભેર માંગણી કરાઈ હતી.

આજે આ કૃષિ કાયદાઓ ખેડૂતોને કંપનીઓ, કોર્પોરેટ હાઉસના ગુલામ બનાવી ઉદ્યોગપતિઓના લાભાર્થે બનાવાયાના પુનઃ આક્ષેપ સાથે પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા સહિતના આગેવાનોએ ટ્રેક્ટર રેલી યોજી રોષ વ્યક્ત કરતા પોલીસે ટીંગાટોળી કરીને અનેકની અટકાયત કરી હતી.

જામનગરમાં શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા અને ત્યાં દરવાજા બંધ કરી દેવાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પાલભાઈ આંબલિયા તથા જામનગર મનપાના કોર્પોરેટર વગેરે કાર્યકરો પટાંગણમાં ધરણાં પર બેસી ગયા હતા.ત્યારબાદ પાંચ આગેવાનોએ કલેક્ટર કચેરીમાં જઈને કૃષિ બિલો પાછા ખેંચવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. 

રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ શૈલેષ કપુરિયા સહિત પોણો સો જેટલા કાર્યકરોએ કલેક્ટર કચેરીએ જઈને  વિસ્તૃત આવેદનપત્ર આપીને જણાવ્યું કે મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતા ખેડૂતોને મુઠ્ઠીભર મુડીપતિઓના હાથમાં ગિરવે મુકીને દેશની હરિયાળી ક્રાંતિને ખતમ કરવાનું કાવત્રુ ઘડયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંબોધીને આવેદનપત્રમાં આ કૃષિ ખરડાં રદ કરવા માંગણી કરાઈ છે.

જુનાગઢમાંકલેક્ટર મારફત  રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર અપાયું હતું. આગેવાનોએ જણાવ્યું કે આ ત્રણ કાળા કાયદા ખેડૂતો, ખેતમજુરોને પાયમાલ કરે તે પહેલા હટાવવા જોઈએ, કેન્દ્ર સરકારે સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા કર્યા વગર પસાર કરાયેલા કૃષિ બિલોથી સંગ્રહખોરોને છૂટો દોર મળશે અને કિસાનોની કફોડી હાલત થશે. આવેદનપત્ર આપવામાં ધારાસભ્યો હર્ષદ રીબડીયા વગેરે જોડાયા હતા. ભેંસાણમાં કૃષિ બિલને ખેડૂતો માટે અત્યંત અન્યાયકર્તા ગણાવીને સરકાર કૃષિ બિલ પાછા  ન ખેંચે ત્યાં સુધી આંદોલનને ટેકો આપીશું તેમ જણાવી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્ય સહિતની હાજરીમાં કાળા કાયદા વિરુધ્ધ આવેદન આપીને રોષ વ્યક્ત કરાયો હતો. 

અમરેલી જિલ્લામાં આ કૃષિ કાયદાથી માર્કેટયાર્ડોને તાળા લાગી જશે અને ટેકાના ભાવે માલ વેચવા ખેડૂતોને પગે પાણી ઉતરી ગયા બાદ પણ ધરમધક્કા જ થશે તેમ જણાવીને આ કૃષિ બિલ માત્ર મુડીવાદીઓના લાભને ધ્યાનમાં રાખીને ઘડાયાના આક્ષેપ સાથે વિરોધ કરાયો હતો. 

સાવરકુંડલામાં આમ આદમી પાર્ટીએ સરકારની નીતિ ખેડૂત વિરોધી અને ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટેની ગણાવીને  ઉગ્ર વિરોધ કરી આંદોલનને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો હતો. 

ઉપલેટામાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી બિલનો વિરોધ કર્યો હતો. મોરબીમાં પણ સરકારની નીતિના વિરોધમાં અને આંદોલન કરતા ખેડૂતોના સમર્થનમાં ધરણાં યોજાયા હતા અને આવેદનપત્ર અપાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા મથકોએ કેન્દ્રના કૃષિ કાયદા સામે વિરોધ વ્યક્ત કરાયો છે. 

વિરોધ સામે રાજકોટ પોલીસના ત્રેવડાં ધોરણ

ખેડૂતો સામે ગુનો,એનસીપીની માત્ર અટક, કોંગ્રેસને જવા દીધા!

કિસાન સંઘે કહ્યું ખેડૂત વિરોધી ભાજપ સરકારના વિરોધ પક્ષોમાં પણ વ્હાલા દવલાં, ડિસ્ટન્સના નિયમો તો અગાઉ ભાજપે તોડયા

આવી લોકશાહી ? રાજકોટમાં એક દિવસે ત્રણ કાર્યક્રમોમાં  વિરોધની 'ગુણવત્તા' જોઈને લેવાયેલા જુદાજુદા પગલાં

કિસાન સંઘના દિલિપ સખિયા સહિત ૧૧ની અટક બાદ ગુનો નોંધી ધરપકડ, રેશમા પટેલની  અટક કર્યા બાદ કરાયો છૂટકારો 

કાયદો બધા માટે સમાન છે પણ તેનો અમલ દરેક માટે સમાન છે? આ સવાલ આજે રાજકોટમાં ખેડૂતોએ પુછ્યો હતો. આજે શહેરમાં સરકારની નીતિ રીતિ વિરુધ્ધ ત્રણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં માત્ર રજૂઆત કરનારા કોંગ્રેસના ૮૦ જેટલા કાર્યકરોને વાત જાણીને કશા પગલા વગર જવા દીધા હતા, વિરોધ કરવા આવેલા એન.સી.પી. નેતાને માત્ર અટક કરીને  છોડી દીધા પણ કેન્દ્ર સરકાર સામે આરોપ મુકનાર ભારતીય કિસાન સંઘના ૧૧ ખેડૂત આગેવાનોની અટકાયત કરી તમામ સામે ગુનો પણ દાખલ કરી દીધો હતો.

પ્ર.નગર પોલીસનો સંપર્ક સાધતા જણાવાયું કે કિસાન સંઘના ૧૧ કાર્યકરો સામે સોશ્યલ ડિસ્ટન્સ સહિતના મુદ્દે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પી.એસ.આઈ.એ ફરિયાદી બનીને  આઈ.પી.સી.ક.૨૬૯, ૧૮૮, ૧૩૫ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે અને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા.

પરંતુ, કિસાન સંઘના આશરે ૨૦ કાર્યકરોની પહેલા જ કોંગ્રેસના ૮૦  કાર્યકરો કૃષિબિલના વિરોધમાં આવ્યા હતા પરંતુ, પોલીસે તેમની પુછપરછ કરીને તેઓ કોઈ સૂત્રોચ્ચારો, ઉગ્ર દેખાવો કરવાના ન્હોતા કે સરકાર વિરુધ્ધ પ્રદર્શિત કરવા બેનર્સ પણ  સાથે લાવ્યા ન્હોતા અને પોલીસે તેઓને આવેદનપત્ર  આપવા દઈ ચૂપચાપ જવા દીધા હતા. 

તો પાસ આંદોલનથી જાણીતા થયેલા પાટીદાર મહિલા આગેવાન, એન.સી.પી.ના રેશમા  પટેલ હોસ્પિટલોમાં ચાલતી પોલંપોલ ખોલવા માટે  આવ્યા હતા પરંતુ, તે માહિતી જાણીને મહિલા પોલીસે ઝપાઝપી કરીને તેમની અટકાયત  કરી બાદમાં છોડી મુક્યા હતા, કોઈ ગુનો નોંધ્યો નથી તેમ પોલીસ સૂત્રો જણાવે છે. 

જ્યારે કિસાન સંઘના ખેડૂતોએ અસરકારક ગણાય તેવો વિરોધ કરવા બેનર્સ પ્રદર્શિત કર્યા, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો. પહેલા પોલીસે સંઘના પ્રમુખ દિલિપ સખિયા સહિત ૧૧ કાર્યકરોની અટકાયત કરી લીધી પણ બાદમાં તેમને જી.પી.એક્ટ હેઠળ છોડવાને બદલે તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને વિધિવત્ ધરપકડ કરાઈ હતી તેમ જણાવીને આ નેતાએ ઉમેર્યું કે વિરોધપક્ષો માટે પણ સરકારના વ્હાલા દવલાંની નીતિ છે, સરકારના ઈશારે પોલીસના આ પગલાથી ખેડૂતો વધુ રોષે ભરાયા છે. 

આજે નહીં પણ અગાઉ રાજકોટમાં કોંગ્રેસે જ્યારે ઉગ્ર વિરોધ  કર્યો ત્યારે કાયદો દેખાડીને અટકાયત કરાઈ હતી, ધરણાંની મંજુરી અપાઈ ન્હોતી પરંતુ, આ જ પોલીસે ભાજપના કાર્યક્રમોમાં પોતે હાજરી આપી અને ત્યાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરાં ખુલ્લેઆમ ઉડયા છતાં હજુ સુધી એક પણ ભાજપના નેતા વિરુધ્ધ અટકાયત નથી કરી કે રૂ।.૧૦૦૦ની દંડની પહોંચ પણ ફાડી નથી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gabfCR

0 Response to "રાષ્ટ્રનાં ખેડૂત આંદોલનની સાથે સૌરાષ્ટ્ર, પોરબંદરમાં ટ્રેક્ટર રેલી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel