
ગુજરાતના GST અધિકારી ડોક્યુમેન્ટ આઈડી નંબરવાળી નોટિસ આપતા નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર
ગુજરાતના ગુડ્સ એન્ડ સવસ ટેક્સના અધિકારીઓ દ્વારા કરદાતાઓને બિનજરૂરી નોટિસ આપીને પરેશાન ન કરવામાં આવે તે માટે કેન્દ્ર સરકારના સૂચવ્યા મુજબ ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન સાથેની નોટિસ આપવાની સિસ્ટમને લગતો પરિપત્ર કેન્દ્ર સરકારે કર્યો હોવાથી તે ગુજરાત સરકારના જીએસટી વિભાગને લાગુ પડે નહિ તેમ જણાવીને ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર-ડિન સાથેની નોટિસ ઇશ્યૂ કરવાની ગુજરાતના અધિકારીઓ ધરાર ના પાડતા હોવાની એક ફરિયાદ ગુજરાતના જીએસટી કમિશનર જે.પી. ગુપ્તાને આજે કરવામાં આવી છે.
ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિયેશને આજે જે.પી. ગુપ્તાને કરેલી લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીઓ દ્વારા કરદાતાઓની ખોટી કનડગત ન કરવામાં આવે તે માટે 8 નવેમ્બર 2019ના એક પરિપત્ર કરીને ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર-ડિન સાથે જ નોટિસ ઇશ્યૂ કરવાની સૂચના આપેલી છે.
ડિન સાથેની નોટિસ આપવામાં આવે તો કોમ્પ્યુટર પર કયા અધિકારીએ કયા કારણોસર નોટિસ આપી છે તેનો પૂરો અંદાજ તેમના ઉપરી કમિશનરને મળતો રહે છે. તેમ જ તે નોટિસનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકાય છે. પરંતુ ગુજરાતના એટલે કે સ્ટેટ જીએસટીના અધિકારીઓ ડિન નંબર સાથેની નોટિસ આપતા જ નથી. તેથી ખોટી કનડગત કરવા માટે નોટિસ અપાતી હોવાની લાગણી જન્મે છે.
આ સ્થિતિમાં ડિન સાથેની નોટિસ આપવાની માગણી કરવામાં આવતા અધિકારીઓ એવી દલીલ કરે છે કે 8મી નવેમ્બર 2019ના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલો પરિપત્ર સીજીએસટી માટેનો છે. આ પરિપત્ર એસજીએસટીને એટલે કે રાજ્ય સરકારના જીએસટી અધિકારીઓને લાગુ પડતો નથી.
તેની સામે ટેક્સ કન્સલ્ટન્ટ્સે એવી દલીલ કરી છે કે એક તરફ સરકાર વન નેશન, વન ટેક્સની વાત કરે છે. જ્યારે કેન્દ્ર સરકારે કરેલા પરિપત્રને આગળ કરીને ડિન સાથેની નોટિસ આપવાની માગણી કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ તેમને આ પરિપત્ર લાગુ પડતો નથી. પરિણામે રાજ્ય સરકારના અધિકારીઓના ઇરાદા અંગે આશંકા ઊભી થઈ રહી છે.
બીજી તરફ ડિન સાથેની નોટિસ આપવામાં આવે તો કોમ્પ્યુટરમાંથી નોટિસ નીકળે તે સાથે જ તેનો ડિન નંબર પણ ઇશ્યૂ થાય છે. આ ડિન નંબર નાખતા તેના ઉપરી અધિકારી કે કમિશનર સહિતના દરેકને તે નોટિસનો ટ્રેક રાખવાનો અવકાશ મળી જાય છે. આમ નોટિસનો કોમ્પ્યુટરાઈઝ રેકોર્ડ બને છે.
આ રેકોર્ડને કારણે નોટિસ ખરેખર ઉપરી અધિકારીના ધ્યાન પર મૂકીને કાઢવામાં આવી હોવાનું પ્રસ્થાપિત થાય છે. આ નોટિસનો દરેક લેવલેથી ટ્રેક કરી શકાય છે. તેનાથી પારદર્શકતા આવે છે. ખોટી નોટિસ ઇશ્યૂ કરનારાઓ અધિકારીઓ પર બ્રેક લાગે છે. તેથી ડિન સાથેની જ નોટિસ હવે પછી ઇશ્યૂ કરવાનો આગ્રહ રાખતો પત્ર ગુજરાતના જીએસટી કમિશનર જે.પી. ગુપ્તાને આજે આપવામાં આવ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oT83PZ
0 Response to "ગુજરાતના GST અધિકારી ડોક્યુમેન્ટ આઈડી નંબરવાળી નોટિસ આપતા નથી"
Post a Comment