મહુડીમાં મર્યાદિત ભક્તો વચ્ચે ઘંટાકર્ણ મહાવીરનું વિશેષ પૂજન

મહુડીમાં મર્યાદિત ભક્તો વચ્ચે ઘંટાકર્ણ મહાવીરનું વિશેષ પૂજન


ગાંધીનગર, તા. 14 નવેમ્બર, 2020, શનિવાર

કોરોનાના કપરાકાળમાં સરકારની ગાઇડલાઇન સાથે મંદિરોમાં ધાર્મિક વિધિવિધાન પુર્ણ કરવા ખુબ જ મુશ્કેલ છે તેવી સ્થિતિમાં ગાંધીનગર નજીક આવેલાં પ્રસિદ્ધ જૈન તિર્થધામ મહુડી ખાતે કાળીચૌદશના રોજ મર્યાદિત ભક્તોની વચ્ચે ઘંટાકર્ણ મહાવીરનું વિશેષ પુજન કરવામાં આવ્યું હતું.

ભક્તો ભેગા ન થાય અને સંક્રમણ વધે નહીં તે માટે ખાસ ધ્યાન રાખી ફક્ત 200 ભક્તોની હાજરીમાં ભગવાનની કેસર પુજા અને વર્ષે એક વખત થતો હવન સંપન્ન કરવામાં આવ્યો હતો. તો ભક્તોએ 'જીએસટીવી'ના માધ્યમથી ઘરેબેઠાં ચમત્કારિક મંત્ર સાથે નાડાછડીની 108 ગાંઠ વાળીને પરંપરા ટકાવી રાખી હતી. 

ગાંધીનગર નજીક આવેલા પ્રસીધ્ધ જૈન તિર્થધામ મહુડી આમ તો સુખડીના સદાવ્રતથી ઓળખાય છે ત્યારે આ જૈનતિર્થની એક આગવી ઓળખ એ છે કે, અહીં બિરાજમાન ભગવાન ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું વર્ષમાં એક જ દિવસે એટલે કે, કાળી ચૌદશના રોજ વિશેષ પૂજન કરવામાં આવે છે. આ સાથે અહીં કરવામાં આવતા હવનનું પણ અનોખુ ધાર્મિક મહત્વ છે.   

અંધકારના વધતા જતા વ્યાપની અસરમાંથી લોકોની મુક્તિ માટે શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે ગાંધીનગર નજીક મહુડી ખાતે દિવ્ય ઘંટાકર્ણ મહાવીર દેવની સ્થાપના કરી હતી. વિક્રમ સંવત 1975ના માગસર સુદી છઠ્ઠના રોજ મહુડીના સ્થાપન વખતે બુદ્ધિસાગર સુરીશ્વરજી મ.સા.એ કેટલાક અદ્ભૂત અને અકલ્પ્ય નિયમો બનાવ્યા હતા.

જે મુજબ શ્રી ઘંટાકર્ણવીરની રોજેરોજ પૂજા કરવાના બદલે 12 મહિનામાં એકવાર કાળી ચૌદશના દિવસે કેસરની પૂજા કરવાની પરંપરા ચાલી આવી રહી છે.દર વર્ષે કાળીચૌદશના દિવસે મહુડી તિર્થધામમાં દર્શન માટે જૈન-જૈનેતર ભક્તો મોટી સંખ્યામાં આવતાં હોય છે પરંતુ આ વખતે કોવિડની સ્થિતિમાં સરકારી ગાઇડલાઇનના અમલ સાથે ધાર્મિક પરંપરા જાળવવાની હોવાના કારણે ખાસ નિયંત્રણો રાખવામાં આવ્યા હતાં.

જે અંતર્ગત તા.13મીના રોજ બપોર બાદ મંદિરમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ફક્ત 200 ભક્તોને જ પાસ આપવામાં આવ્યા હતાં એટલે કે આ 200 ભક્તોની હાજરીમાં જ ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીરની તમામ વિધિવિધાન સાથે વિશેષ પુજન કરીને ધાર્મિકતા જાળવવામાં આવી હતી.  

સુખડીનું અંખડ સદાવ્રત ચાલે છે તેવા મહુડી જૈન તિર્થમાં કાળી ચૌદશ નિમિત્તે મહાવીર ભગવાનનું ધૂપપૂજન, આભૂષણપૂજન, કેસરપૂજન તેમજ ફૂલ પૂજન કરવામાં આવ્યું હતું. જો કે, ભગવાનના આ વિવિધ પૂજન માટે ભક્તો પડાપડી આ વખતે જોવા મળી ન હતી.

પરંતુ જીએસટીવીના માધ્યમથી મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધ્યનતા મેળવી હતી. ભગવાનના પુજન માટે કોરોનાકાળમાં પણ ચઢાવવાની બોલી વધુ બોલાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્ષમાં ફક્ત એક જ વખત થતા આ પૂજનમાં સૌ પ્રથમ સવારે પાંચ વાગે પદ્મ પ્રભુની પ્રક્ષાલપૂજન કર્યા બાદ 6 વાગ્યાથી શ્રી ઘંટાકર્ણવીરની પક્ષાલન વિધિ શરૂ થઇ હતી.

જે મોડે સુધી ચાલી હતી.તો કાળીચૌદશે મહુડી તિર્થધામમાં ભગવાન મહાવીર સ્વામિના હોમ એટલે કે હવનનું ખુબ જ મહત્વ હોવાના કારણે 12.39 શરૂ થયેલા આ હવનના વર્ચુઅલ દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. આ સાથે ઓમ શ્રી ઘંટાકર્ણના ચમત્કારિક મહામંત્રના 108 જાપ સાથે નાળાછડીમાં શ્રદ્ધાની ગાંઠ વાળવાની પરંપરા છે આ પરંપરા ભક્તોએ 'જીએસટી'ના માધ્યમથી ઘરે બેઠા ટકાવી રાખી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32KF4nI

0 Response to "મહુડીમાં મર્યાદિત ભક્તો વચ્ચે ઘંટાકર્ણ મહાવીરનું વિશેષ પૂજન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel