સિહોરના આંબલા ગામે ઝાડ સાથે સજોડે ગળાફાંસો ખાઇ પતિ-પત્નીનો આપઘાત

સિહોરના આંબલા ગામે ઝાડ સાથે સજોડે ગળાફાંસો ખાઇ પતિ-પત્નીનો આપઘાત


- યુવાનને ૨૦૧૬ની સાલમાં મર્ડર કેસમાં આજીવન કેદની સજા પડી હતી

- પતિ-પત્નીને જુદા ન પડવું હોય તેનાથી લાગી આવતા પગલું ભર્યું

(ટ્રંકકોલ) સિહોર, તા. 25 નવેમ્બર 2020, બુધવાર


સિહોરના આંબલા ગામના યુવાનને ૨૦૧૬ની સાલના મર્ડર કેસમાં આજીવન કેદની સજા પડી હતી દરમિયાન ૧૫ દિવસની પેરોલ મેળવી બહાર આવ્યો હતો. પેરોલ પૂર્ણ થતા આજે જિલ્લા જેલ હાજર થવાનું હતું પરંતુ પતિ-પત્નીને અલગ થવું ન હોય જે વાતથી લાગી આવતા આજે વહેલી સવારે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સજોડે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના અને સોનગઢ તાબેના આંબલા ગામે ટીટોડીયા ઢોરા વિસ્તારમાં રહેતા ચકુભાઇ રામજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)ને સને ૨૦૧૬ની સાલમાં પાલિતાણાની હદમાં થયેલ દામજીભાઇ બચુભાઇની હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા પડતા રાજકોટ જેલમાં સજા ભોગવતા હતા દરમિયાન રાજકોટ જેલમાંથી તેને ૧૫ દિવસની પેરોલ ફર્લો પર મુક્ત કરાતા પોતાના ગામ આંબલા આવ્યા હતાં. આજે બુધવારે તેની પેરોલ ફર્લો રજા પૂર્ણ થતી હોય અને રાજકોટ જિલ્લા જેલમાં હાજર થવાનું હોય પરંતુ ચકુભાઇ અને તેના પત્ની ભાવુબેન (ઉ.વ.૩૦) બંનેને એકબીજાથી અલગ પડવું ન હોય તે વાતથી લાગી આવતા આજે સવારે ૮ કલાકના અરસા પૂર્વે આંબલા ગામે ટીટોડીયા ઢોરા વિસ્તારના ડુંગરાની ઉપરના ભાગે બાવળના ઝાડ સાથે સાડી વડે બંનેએ સજોડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી હતી.

ઉક્ત કરૂણાંતિકાની જાણ થતા સોનગઢ પી.એસ.આઇ. વાઘેલા સહિતનો પોલીસ કાફલો આંબલા ગામે દોડી ગયો હતો અને બંને મૃતક પતિ-પત્નીના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પતિ-પત્નીના મૃત્યુના પગલે આંબલા ગામમાં ભારે અરેરાટી સાથે આક્રંદ છવાઇ જવા પામ્યો હતો. ઉક્ત બનાવ સંદર્ભે મૃતક યુવાન ચકુભાઇના મોટાભાઇ ભુપતભાઇ રામજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)એ પોલીસમાં જાણ કરતા સોનગઢ પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ હાથ ધર્યાં હતાં. જ્યારે જાણવા મળ્યા મુજબ મૃતક ચકુભાઇ અને તેમના પત્ની ભાવુબેનને સંતાનોમાં બે દિકરા અને એક દિકરી હોવાનું જાણવા મળ્યું હતું. બંનેના મૃત્યુના પગલે ત્રણ-ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HHSpGo

0 Response to "સિહોરના આંબલા ગામે ઝાડ સાથે સજોડે ગળાફાંસો ખાઇ પતિ-પત્નીનો આપઘાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel