
ઓઢવમાં જે ફલેટમાં કોમન પ્લોટ જ નથી ત્યાં 4.93 લાખના પેવર-બ્લોક નંખાયા
અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વહીવટી તંત્રમાં મોટાપાયે પોલંપોલ ચાલી રહી છે. કોર્પોરેટર કે ધારાસભ્યના બજેટના નાના કામો તેમજ ઝોનના પાસ થયેલા પાંચ લાખની રકમની આસપાસના કામો માત્ર ફાઇલોના કાગળ પર જ થઈ જતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
શુભ એપાર્ટમેન્ટ, વિરારનગર રોડ, ઓઢવમાં 4.93 લાખના પેવર-બ્લોક્સ માત્ર કાગળ પર નખાયા હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. આ રકમ કામ થયા વગર જ ચુકવાઈ ગયાની આશંકા છે.
આ ફલેટનાં સંકુલના ચેરમેન-સેક્રેટરીએ ત્યાંના કોંગ્રેસના કોર્પોરેટર રણજીતસિંહ બારડને લખીને આપ્યું છે કે અમારા એપાર્ટમેન્ટમાં 4,93,736ના ખર્ચે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક્સ નખાયાનું અમને જાણવા મળ્યું છે, પણ મોટી વાત એ છે કે અમારાં એપાર્ટમેન્ટમાં કોમનપ્લોટ જ નથી. તો આ બ્લોક્સ નખાયા ક્યાં ?
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. બોર્ડમાં દરિયાપુરના કોર્પોરેટરે આ પ્રકારનો આક્ષેપ કર્યો ત્યારે ભાજપના નેતાએ સૂર પૂરાવતાં કહ્યું હતું કે, આ બાબત સાચી હોય તો ઘણી ગંભીર છે. આ અંગે તપાસ થવી જોઈએ. જોકે સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડની સામાન્ય સભામાં બોલતી બાબતોને વહિવટી તંત્ર ભાગ્યે જ ગંભીરતાથી લેતું હોય છે. હજુ સુધી કોઈ ઇન્કવાયરી સોંપાઈ નથી.
બાદમાં દરિયાપુરના કોર્પોરેટરે જણાવ્યું હતું કે રૂ. 1.15 કરોડના ખર્ચે દરિયાપુરના જર્જરિત મસ્ટર સ્ટેશનના રિનોવેશનનું કામ દોઢ વર્ષ પહેલાં અપાયું છે. હજુ તો માત્ર પ્લાસ્ટ ઉખાડીને નવું કરાયું છે, તેના રૂા. 23 લાખ ચૂકવાઈ પણ ગયા છે. 73/ડી કલમ હેઠળ થતાં ગામોમાં પણ આવી જ રીતે ચૂકવણા થતાં હોય છે.
બીજી તરફ મોટી રકમના અપાતા કામોમાં પણ રાજકારણીઓના ઇશારે કોન્ટ્રાક્ટરની તરફદારીમાં શરતો સુધારી નખાતી હોય છે. અહીં અધિકારી કે એન્જિનિયરનું હોદ્દેદાર, કન્સલટન્ટ અને કોન્ટ્રાક્ટરની વચ્ચે મેળાપીપણું હોય છે. આ પ્રકારની રમત છેલ્લાં બે અઢી વર્ષથી વધુ પ્રમાણમાં રમાતી થઈ છે. કામ જ્યારે 35 કે 40 ટકાથી પણ વધુ નીચા ભાવે આવે ત્યારે એક વાત તો નક્કી થઈ જ જાય છે કે કાં તો વહિવટીતત્રએ મુકેલો અંદાજ ખોટો છે અથવા કામની ગુણવત્તા એટલી નીચી રહેવાની છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326FzbA
0 Response to "ઓઢવમાં જે ફલેટમાં કોમન પ્લોટ જ નથી ત્યાં 4.93 લાખના પેવર-બ્લોક નંખાયા"
Post a Comment