
કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ
ગાંધીનગર,તા.02 નવેમ્બર 2020, સોમવાર
ભારત સરકાર દ્વારા શહેરો વચ્ચે સફાઈની સ્પર્ધા યોજી સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રેન્કીંગ આપવામાં આવતાં હોય છે ત્યારે ચાલુ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં એકથી દસ લાખની વસ્તી ધરાવતાં શહેરોમાં આઠમો નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારે હવે સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૨૧ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ડ્રોઈંગ, સ્ટ્રીટ પ્લે, ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવાનું પણ નક્કી થયું છે. આગામી તા.૧૦ નવેમ્બર સુધી કોર્પોરેશનને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
છેલ્લા થોડા વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવા નવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે ત્યારે શહેરોમાં સફાઈની વ્યવસ્થા સુદ્રઢ થાય તે માટે લોકો પણ ભાગીદાર બને તે હેતુથી સ્વચ્છતા સર્વેક્ષણની યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં શહેરોનું સફાઈ મામલે ઈન્સ્પેકશન કરીને તેમને રેન્કીંગ આપી ઈનામ પણ આપવામાં આવતાં હોય છે. તાજેતરમાં જ સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૨૦ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાનું પરિણામ આવ્યું હતું.
જેમાં ગાંધીનગરને બેસ્ટ ઈનોવેશન એન્ડ પ્રેકટિસ કેપીટલનો એવોર્ડ મળ્યો હતો. તો એકથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતાં શહેરોમાં ગાંધીનગરનો આઠમો ક્રમ સમગ્ર દેશમાં આવ્યો હતો ત્યારે વર્ષ ર૦૨૧ના સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ નવા સર્વેક્ષણમાં ગાંધીનગર વધુ રેન્કીંગ પ્રાપ્ત કરે તે માટે સ્વચ્છ ગાંધીનગરના સુત્ર સાથે કોર્પોરેશન દ્વારા બાળકો, યુવાઓ વડીલો અને સંસ્થાઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. જે માટે પોસ્ટર, ડ્રોઈંગ, મુવી મેકીંગ, જીંગલ મેકીંગ અને સ્ટ્રીટ પ્લેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સ્વચ્છ સ્પર્ધાના નામથી યોજાનારી આ સ્પર્ધાઓનો હેતુ લોકોને જાગૃત કરવાનો છે. લોકોની સ્વચ્છતા સંબંધિત આદતોમાં સુધારો લાવવાની સાથે પ્લાસ્ટિકમુક્ત શહેરના નારાને પણ બુલંદ કરાશે. નાયબ મ્યુનિ.કમિશનર પી.સી.દવેએ કહયું હતું કે સ્વચ્છતાના વિવિધ વિષયને આવરી લેતી આ સ્પર્ધાના આયોજન થકી નગરવાસીઓને જોડી સફાઈની મહત્તાને ઉજાગર કરવાની સાથે લોકોમાં જાગૃતિ કેળવવામાં આવશે. આગામી તા.૧૦ નવેમ્બર સુધી તેના માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. વિજેતાઓને રોકડ પુરસ્કાર અને ઈનામ પણ આપવાનું આયોજન હાથ ધરાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34OFD1i
0 Response to "કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ"
Post a Comment