
સરદાર પટેલ યુનિવર્સિટીના છ જેટલા કર્મચારીઓને કોરોના : નવા 17 કેસ
આણંદ, તા.23 નવેમ્બર 2020, સોમવાર
આણંદ જિલ્લામાં આણંદ શહેર, તારાપુર, કરમસદ, વઘાસી, વાસદ, પેટલાદ, અરડી, ખંભાત, ઉમરેઠ, વિદ્યાનગર અને બાકરોલ મળી સોમવારે કુલ ૧૭ કેસો નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આણંદ પાસેના વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ કોરોનાએ પગપેસારો કરતા કુલ છ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.
છેલ્લા એક સપ્તાહથી સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને જિલ્લાના આણંદ, પેટલાદ, બોરસદ, ઉમરેઠ અને ખંભાત તાલુકામાં કોરોના વકર્યો છે. તેમાં પણ રવિવારના રોજ નોંધાયેલ કુલ ૧૫ પોઝીટીવ દર્દીઓ પૈકી ૧૩ કેસો આણંદ શહેર સહિત તાલુકાના હોવાને લઈ શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. રવિવારના રોજ આણંદ શહેરના ઈરમા ગેટ નજીકની સતત રેસીડેન્સીમાંથી ૨, બાકરોલના વિનુકાકા માર્ગ, પાધરીયાની વિમલ કોલોની, જીટોડીયા કેનાલ નજીક દ્રષ્ટિ સોસાયટી, ગ્રીડ ચોકડી નજીકની ગાયત્રી ઝેરોક્ષ, ર્ડા.કુરીયન બંગલો પાછળનો વિસ્તાર, વલ્લભવિદ્યાનગરના નાના બજાર, વડોદ ગામે ર્ડાક્ટરની ખડકી, જીટોડીયા રોડના ક્રિષ્ના બંગલો, મોગર ગામે માધવન ફળીયું, વિદ્યાનગરની શ્રીહરિ સોસાયટી, બોરસદ ચોકડીના આશ્રૂતિ ટેનામેન્ટ ખાતેથી એક-એક કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે ત્યારે શિક્ષણ નગરી વિદ્યાનગર ખાતેની સ.પ.યુનિ.ના એસ્ટાબ્લીસમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ પણ થોડા દિવસ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સાથે સાથે યુનિ. પ્રેસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા છે.
તો આજે એકાઉન્ટ સેક્શનમાં ફરજ બજાવતા વધુ એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવતા સમગ્ર એકાઉન્ટ સેક્શનને સેનીટાઈઝીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી અન્ય કર્મચારીઓનું પણ તબીબી પરીક્ષણ હાથ ધરાયું હોવાના અહેવાલ સાંપડયા છે.
યુનિ. સંકુલમાં કોરોનાએ પગપેસારો કરતા યુનિ. કર્મચારીઓ સહિત અધ્યાપકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
ઉમરેઠ મામલતદાર કચેરીમાં કોરોનાના એક સાથે છ કેસ
આણંદ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઉમરેઠ મામલતદાર કચેરીમાં એક સાથે કોરોનાના ૬ કેસ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ૩ નાયબ મામલતદાર, ૧ તલાટી, ૧ ક્લાર્ક અને ૧ ઓપરેટર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા તમામને હૉમ ક્વોરન્ટાઇન કરાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35YAFzW
0 Response to "સરદાર પટેલ યુનિવર્સિટીના છ જેટલા કર્મચારીઓને કોરોના : નવા 17 કેસ"
Post a Comment