
ધાર્મિક લાગણી દુભાવાનો આધાર આપી PASA ન કરી શકાય : હાઇકોર્ટ
અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર
કોઇ આરોપીના કારણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ હોવાનો આધાર આપી વ્યક્તિને પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટિઝ) કાયદા હેઠળ અટકાયતમાં મોકલી ન શકાય તેવું અવલોકન કરતો એક ચુકાદો ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા દ્વારા આપવામાં આવ્યો છે. આ અવલોકન નોંધી કોર્ટે અટકાયત કરાયેલી વ્યક્તિને છોડવાનો આદેશ આપ્યો છે.
પાસા હેઠળ અટકાયતમાં મોકલવામાં આવેલા અરજદાર અમજદઅલી રાજપૂતે ડિવીઝન બેન્ચમાં સિંગલ જજના આદેશને પડકાર્યો હતો. તેની રજૂઆત હતી કે સિંગલ જજે એવું કારણ દર્શાવી તેની અરજી ફગાવી હતી કે તેની પાસે પાસા બોર્ડ સમક્ષ રજૂઆત કરકવાનો વિકલ્પ છે.
આ ઉપરાંત સહઆરોપીના નિવેદનનો આધારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પોલીસ પાસે તેની સામે કોઇ નક્કર આધાર કે પુરાવો નથી. તેની સામે નોંધાયેલા પ્રથમ કેસમાં સેશન્સ કોર્ટે મે-2019માં આગોતરા જામીન આપ્યા હતા.
જ્યારે બીજો કેસ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. આ કેસમાં પણ ફેબુ્રઆરીમાં-2020માં હાઇકોર્ટે તેને આગોતરા જામીન આપ્યા હતા. ત્યારબાદ 14 જુલાઇ, 2020ના રોજ સરકારે પાસા હેઠળ તેને ક્રૂર વ્યક્તિ જાહેર કરી તેને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
બન્ને પક્ષોની રજૂઆત સાંભળી હાઇકોર્ટે નોંધ્યું છે કે આરોપીને ગત ફેબુ્રઆરીમાં હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. જો સરકાર આ વ્યક્તિની પ્રવૃત્તિ વિશે એટલી જ ચિંતાતુર હતી તો પાસા હેઠળનો આદેશ જારી કરવામાં પાચં મહિનાનો સમય શા માટે લેવામાં આવ્યો. આ વિલંબ કોઇ અર્થમાં સમજી શકાય તેમ નથી.
આ ઉપરાંત આ વ્યક્તિના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે તેઓ આધાર આપી કોઇ વ્યક્તિ પર પાસા લાગુ કરી શકાય નહીં. લોકોની લાગણીઓ પાસે કાનૂની બળ નથી. વ્યક્તિ પાસાના કાયદા મુજબ ક્રૂર કે દુષ્ટ વ્યક્તિની વ્યાખ્યમાં આવતો હોય તો જ તેને પાસામાં મોકલી શકાય છે. તેથી પાસાનો આદેશ રદ કરી અરજદારને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jqgw9i
0 Response to "ધાર્મિક લાગણી દુભાવાનો આધાર આપી PASA ન કરી શકાય : હાઇકોર્ટ"
Post a Comment