
તમામ કોર્પોરેટરોને હેલ્થ ચેકઅપ બાદ પ્રવેશ મળશે
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના બોર્ડની માસિક સામાન્ય સભા આવતીકાલ તા. 28મીએ ટાગોર હોલ ખાતે મળનાર છે. ગયા મહિને બોલાવાયેલા બોર્ડ પહેલાં તમામ કોર્પોરેટરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાયા હતા.
આ વખતે તમામનું થર્મલ ગનથી બોડી ટેમ્પ્રેચર માપવામાં આવશે અને કોઇના શરીરનું તાપમાન વધારે જણાશે તો તુરત જ તેમનો રેપિડ-એન્ટીજન ટેસ્ટ સ્થળ પર કરાયા બાદ નેગેટિવ હશે તો જ બોર્ડમાં બેસવા દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં બોર્ડ મળતું જ ના હતું. ત્યાર બાદ અનલોકના તબક્કામાં બે વખત ઓનલાઇન- વર્ચ્યુલ સામાન્ય સભા મળી છે. બીજા બોર્ડનો તો વિરોધ પક્ષે બહિષ્કાર કરીને મ્યુનિ.ના પ્રાંગણમાં સમાંતર બોર્ડ નાટયાત્મક રીતે યોજયું હતું.
દરમ્યાનમાં વિધાનસભા પ્રત્યક્ષ રીતે મળતા તે ગાળામાં બોર્ડ પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ટાગોર હોલમાં યોજ્યું હતું. જો કે બોર્ડ ફીક્કુ હોય છે. શહેરના પ્રશ્નોની આક્રમક અને અભ્યાસપૂર્ણ રજૂઆત કોઇ કરતું જ નથી.
ઉપરાંત બુધવારે મળનારા બોર્ડમાં ચૂંટણી પહેલાંના જ બે બોર્ડ જ રહી ગયા હોવાથી વિપક્ષ કેટલી અસરકારક રજૂઆત કરી શકે છે, તેના પર સૌની નજર છે. કેમકે વિપક્ષના નેતાએ રાજીનામું આપી દીધું છે અને નવા નેતાની કોંગ્રેસે વિધીવત જાહેરાત નથી કરી, જેના કારણે ગુંચવાયેલો વિપક્ષ કેટલો અને કેવો દેખાવ કરી શકે છે, તે જોવાનું રહે છે.
બીજી તરફ મીડિયાના પ્રતિનિધીઓને પ્રત્યક્ષ બોર્ડમાં હાજર રહેવા દેવાતા નથી, ઓન લાઇન લીન્ક આપી દેવામાં આવે છે, જે મહદઅંશે ચાલુ બંધ થયા કરે છે અને કોણ શું બોલે છે તે બાબત જ સ્પષ્ટ રીતે સંભળાતી નથી. સત્તાવાળાનો આ નિર્ણય પણ વિવાદાસ્પદ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JdMklm
0 Response to "તમામ કોર્પોરેટરોને હેલ્થ ચેકઅપ બાદ પ્રવેશ મળશે"
Post a Comment