
પોરબંદરમાં પાકિસ્તાનની જૂની બોટ આગમાં ખાખ
- હાર્બર મરીન પોલીસ સ્ટેશન નજીકનો બનાવ
- નજીકમાં પાર્ક કરેલી અન્ય બોટોને બચાવી લેવાઇઃ સુભાષનગર વિસ્તારમાં ફાયરબ્રિગેડની સુવિધા ન હોઇ મુશ્કેલી
પોરબંદર :પોરબંદરમાં પોલીસ ચોકી નજીક મેદાનમાં રહેલી પાકીસ્તાનની જુની બોટ આગમાં રાખ થઇ ગઇ છે.સુભાષનગર વિસ્તારમાં ફાયરબ્રિગેડની કોઇ સુવિધા નહીં હોવાથી વધુ એક વખત તંત્રને રજુઆત કરવામાં આવી છે.
પાકિસ્તાનથી ભારતીય દરિયાઇ જળસીમામાં ઘૂસી આવેલ એક ફીશીંગ બોટ ભારતીય સુરક્ષા એજન્સીઓએ અંદાજે ૬ વર્ષ પહેલા કબ્જે કરી હતી અને એ બોટ પોરબંદરના બંદરના બારામાં થી બહાર કાઢીને હાર્બર મરીન પોલીસચોકી નજીક સુભાષનગર વિસ્તારમાં મેદાનમાં રાખી દેવામાં આવી હતી.
આ ફીશીંગ બોટમાં ગઇકાલે સાંજે અચાનક કોઇ કારણોસર આગ લાગતા જોતજોતામાં આગે તેનું વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું.
પવનને કારણે આગના લબકારા ચારે બાજુ ફેલાઇ ગયાહતા. થોડી મીનીટોમાં તો પાકિસ્તાનની આ બોટ અગનગોળો બની ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં બોટને બચાવી શકાય ન હતી અને અંતે તે રાખ થઇ ગઇ હતી. નજીકમાં આવેલી અન્ય બોટો સહિત ચા-પાનની કેબીનો સુધી આગ ફેલાતી અટકાવી શકાય હતી અન્યથા મોટી નુકશાની થઇ હોત તેવું માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું.
પોરબંદરના માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું કે, સુભાષનગર સહિત સામાકાંઠાના વિસ્તારોમાં ફાયર સેફટીની કોઇ જ સુવિદ્યા નથી. ફીશરીઝ ટર્મીનલ વિસ્તારમાં ફીશીંગ બોટો સમુહમાં બાંધેલી જોવા મળે છે. આ વિસ્તારમાં ભયંકર દુર્ઘઠના સર્જાય તે પુર્વે ફાયર સેફ્ટીની સુવિધા આપવા માંગ કરાઇ છે.
0 Response to "પોરબંદરમાં પાકિસ્તાનની જૂની બોટ આગમાં ખાખ"
Post a Comment