કુખ્યાત આરોપી નિખિલ દોંગાને નૈનિતાલથી ભુજ લઇ અવાયો
- રાજકોટના ડી.આઇ. જી : કચ્છના રેન્જ આઇ. જી.એ નિખિલની સિલસીલાબંધ હકીકતો આપી : એક નહીં અનેક ગુનામાં સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યુું
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા ગુજસીટોકના કુખ્યાત ગુંડા એવા નિખિલ દોંગા અને તેના સાગરીતોને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલમાંથી ઝડપી પાડયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ સરાહનીય કામગીરી કરી કુખ્યાત ગુંડાને ઝડપી પાડયા બાદ આજે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર.મોથલિયા તેમજ રાજકોટ રેન્જના ડી.આઈ. જી.સંદિપસિંઘે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.
ક્ચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયાએ જણાવ્યું કે, નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરાઈ હતી. આરોપી મુળ રાજકોટ ગ્રામ્ય પોલીસનો હોવાથી રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી એલસીબી, એસઓજીની જુદી જુદી ટીમો બનાવાઈ હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી સહિતની પણ ટીમો બનાવીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઉત્તરાખંડના નૈનિતાલમાં હોવાનું જણાઈ આવતા પોલીસે તાત્કાલિક નૈનિતાલ ધસી જઈને આરોપીઓને દબોચી લીધા હતા
રાજકોટ રેન્જના આઈજીપી સંદીપસિંઘે કહ્યું હતું કે, નિખિલ દોંગા અને તેમની ગેંગના શખ્સો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરવામાં માહીર છે. દોંગાના ગુનાહિત ઈતિહાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ર૦૧૩થી હત્યાના ગુનામાં ધકેલાયો હતો. જેલમાંથી ૧૯ વખત આરોપી નિખિલ પેરોલ પર છૂટયો હતો. જેમાંથી ૧ર વખત પેરોલ જમ્પ કરીને અન્ય ગુનાહિત કૃત્યો તેણે આચર્યા હતા. છેલ્લે તે અમદાવાદની સાબરમતી જેલમાં હતો અને ત્યાંથી તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુના કામે તેને ભુજની પાલારા જેલમાં ખસેડાયો હતો.ડિસેમ્બર-ર૦ર૦થી તે પાલારા જેલમાં હતો અને મોઢામાં કેન્સર થયું હોવાનું જણાવી તે જેલમાંથી સારવાર માટે જી.કે.માં ખસેડાયો હતો અને ત્યાંથી તેના સાગરીતો દ્વારા ઘડાયેલા પ્લાન મુજબ નિખિલને ભગાડવામાં આવ્યો હતો.
પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે કહ્યું હતું કે, આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત નિખિલ અને તેના ત્રણ સાગરીતો નૈનિતાલથી ઝડપાયા અને તે દરમિયાન નિખિલના અન્ય બે સાગરીતોને દબોચીને અત્યાર સુધીમાં કુલ ૧૦ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યા છે તેની પણ તપાસ કરાશે. આરોપીઓને અહીંથી ભગાડવામાં અન્ય જે કોઈએ પણ મદદગારી કરી હશે તે તમામની ઉંડાણપૂર્વકની તપાસ કરાશે. આરોપીને મદદગારી કરવામાં આથક વ્યવહારો કરાયા હોવાની ચર્ચાઓ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસેથી આ સમગ્ર મામલે તપાસ કરાશે.
નીખીલ અને તેના સાગરીતોનો ગુનાહિત ઈતિહાસ
નામચીન શખ્સ નીખીલ દોંગાને મદદગારી કરનારા ઈસમો પાસેથી બે કાર, મોબાઈલ નંગ ૪, રોકડ ૩,૧પ,૦૦૦ કબ્જે કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઈ માલવીયા રહેવાસી ગોંડલ સામે અગાઉ ગોંડલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જ્યારે સાગર કયાડા રહેવાસી ગોંડલ સામે ઠગાઈ,દારૂ, સહિતના ત્રણ ગુનાઓ નોંધાયા છે. જ્યારે શ્યામલ દોંગા રહેવાસી દેરડી કુંભાજી સામે એપેડેમીક એક્ટ હેઠળ ગુનો અગાઉ નોંધાઈ ચૂક્યો છે. તો નિકુંજ ઉર્ફે નીખીલ દોંગા વિરૂદ્ધ એક નહીં પણ ૧૯ જેટલા ગુનાઓ ગોંડલ, જેતપુર પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે જેમાં જુગાર, ખૂની હુમલા, દારૂ સહિતના કેસોમાં તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.
અત્યાર સુધી દોંગા સહિત ૧૦ ઈસમો ઝડપાયા
નીખીલ દોંગાને ભગાડવામાં મદદરૂપ થયેલ ભુજ હેડ ક્વાર્ટરના પીએસઆઈ રમેશભાઈ ગાંગલ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશ રૂપશીભાઈ રાઠોડની તા.ર૯/૩ના ધરપકડ કરીને તા.૩/૪ સુધીના રીમાન્ડ મંજુર કરાયા હતા. આ રીમાન્ડ દરમિયાન પીએસઆઈ એન.કે.ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી ખુલતા તેઓની ૩૧/૩ના અટક કરાઈ હતી અને તા.૩/૪ સુધીના રીમાન્ડ કોર્ટમાંથી મેળવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં સાપર વેરાવળના ભરત જવેરભાઈ રામાણી અને માધાપરના આકાશ વિનુભાઈ આર્યનું નામ ખુલતા તેઓની ર/૪ના અટક કરાઈ હતી. આરોપી નીખીલને નૈનીતાલથી તા.૧/૪ના અટક કરવામાં આવ્યો હતો. તેની સાથે ગોંડલના સાગર કિશોરભાઈ કયાડા અને દેરડીકુંભાજીના શ્યામલ બીપીનભાઈ દોંગા અને રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઈ માલવીયાની તા.૩/૪ના ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી ૧૦ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sQnppN
0 Response to "કુખ્યાત આરોપી નિખિલ દોંગાને નૈનિતાલથી ભુજ લઇ અવાયો"
Post a Comment