ડુમ્મસ કાંદી ફળિયામાં વૃધ્ધ ચકચારી લૂંટ-મર્ડરનો ભેદ ઉકેલાયો: ભુપેન્દ્ર પટેલના ઘરે જમીન વેચાણના 3-4 કરોડ પડયા હોવાનું માની પડોશી મહિલાએ ટીપ આપી હતી

ડુમ્મસ કાંદી ફળિયામાં વૃધ્ધ ચકચારી લૂંટ-મર્ડરનો ભેદ ઉકેલાયો: ભુપેન્દ્ર પટેલના ઘરે જમીન વેચાણના 3-4 કરોડ પડયા હોવાનું માની પડોશી મહિલાએ ટીપ આપી હતી


ચેતના પટેલે મુંબઇ રહેતી પિતરાઇ રેણુકાને યોજના કહેતા તેણે રીઢા પ્રતાપ ગીડાને વાત કરતા ટોળકી બનાવીઃ ભુપેન્દ્રભાઇ જાગી જતા લમણે પિસ્ટલ મુકી હાથ-પગ બાંધી મોઢે ડૂચો મારી હત્યા કરી



જુનાગઢના ત્રણ શખ્શો સહિત પાંચની ધરપકડઃ પડોશઈ ચેતનાની અટકાયત, પિતરાઇ બહેન રેણુકાને લેવા પોલીસ મુંબઇ રવાના

સુરત
ડુમ્મસના નિવૃત્ત એન્જિનીયર ભુપેન્દ્ર પટેલની હત્યા-લૂંટના ગુનાનો ભેદ ઉકેલતા ક્રાઇમ બ્રાંચે મુંબઇની લૂંટારૂ ગેંગના 5 અને લૂંટ અંગેની ટીપ આપનાર પડોશી મહિલાની ધરપકડ કરી બે પિસ્ટલ, ચોરીની બે મોટરસાઇકલ, 8 નંગ મોબાઇલ ફોન અને રોકડા રૂ. 1 લાખ મળી કુલ રૂ. 2.46 લાખનો મુદ્દમાલ કબ્જે લીધો છે. જયારે અન્ય એક મહિલાની સંડોવણીને પગલે ડુમ્મસ પોલીસની ટીમ મુંબઇ જવા રવાના થઇ છે.
ડુમ્મસના કાંદી ફળીયાના દુકાન મહોલ્લામાં રહેતા નિવૃત્ત એન્જિનીયર અને હાલમાં ટેમ્પો ભાડે આપી એકલવાયું જીવન ગુજારતા ભુપેન્દ્ર ગોવિંદ પટેલ (ઉ.વ. 61) ના હાથ-પગ બાંધી ગળું દબાણી કરપીણ હત્યા કરી લાખ્ખો રૂપિયાની લૂંટ કરી લૂંટારૂ ટોળકી ભાગી ગઇ હતી. ભુપેન્દ્રભાઇના પડોશી બળવંત પટેલના ઘરના સીસીટીવીમાં બે મોટરસાઇકલ પર પાંચ લૂંટારૂઓ લૂંટ કરવા આવ્યા અને બેગ લઇ પરત જઇ રહ્યા હતા તે કેદ થઇ ગયું હતું. પોલીસ માટે પડકાર રૂપ બનેલી આ ઘટનાનો ભેદ ઉકેલવા ડુમ્મસ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજી સહિતની અલગ-અલગ 10 ટીમ દોડી રહી હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાંચની મહોલ્લામાં ઝીણવટ પૂર્વકની તપાસ અંતર્ગત મહત્વની કડીના આધારે મળેલી બાતમીના આધારે સચિન નજીકના વાંઝથી ખરવાસા જવાના રોડ પર નહેર પાસેથી પાંચ લૂંટારૂ વિશાલ વાણીયા, પ્રતાપ ગીડા, મિથુન ઉર્ફે શેટ્ટી વાણીયન, પિન્ટુ ચૌધરી અને કેતન હડીયા (તમામ રહે. એફ 6/204, માં આનંદી હાઇટ્સ, દેવધ ગામ, ગોડાદરા) ને ઝડપી પાડી તેમની પાસેથી બે પિસ્ટલ અને બે કાર્ટીઝ, લૂંટ કરવા માટે ઉપયોગમાં લીધેલી ચોરીની બે મોટરસાઇકલ, રોકડા રૂ. 1 લાખ મળી કુલ રૂ. 2.46 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પાંચેય લૂંટારૂની પુછપરછ અંતર્ગત પ્રતાપ ગીડાએ ભુપેન્દ્ર પટેલની પડોશમાં રહેતી ચેતના લલીતભાઇ પટેલ અને મુંબઇ ખાતે રહેતી તેની પિતરાઇ બહેન રેણુકા પટેલે ટીપ આપ્યાની કબૂલાત કરી હતી. જેને પગલે ડુમ્મસ પોલીસે ચેતનાની અટકાયત કરી છે અને રેણુકાની અટકાયત માટે પોલીસ ટીમને તાબડતોબ મુંબઇ રવાના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રભાઇ જાગી જતા લમણે પિસ્ટલ ટાંકી હાથ-પગ બાંધી દીધા હતા અને ચાદર વડે મોંઢામાં ડુચો મારી મોત નીપજાવ્યું હતું.

કોણ-કોણ પકડાયું ?


(1) વિશાલ લાખાભાઇ વાણીયા (મૂળ રહે. મેંદરડા, વાલમ ચોક, જુનાગઢ)
(2) પ્રતાપ હરસુર ઉર્ફે ચીના ગીડા (મૂળ રહે. અમરગઢ, ખાડીયા વિસ્તાર, મેંદરડા, જુનાગઢ)
(3) મિથુન ઉર્ફે શેટ્ટી ઉર્ફે રોહિત શેટ્ટી મોહન વાણીયન (રહે. નાનુ પરમારના મકાનમાં, મુરબાડ, કલ્યાણ, થાણે અને મૂળ. ત્યાગરાજ, તા. મડીકેરી, જિ. કોડાગુર, કર્ણાટક)
(4) પીન્ટુ અર્જુન ચૌધરી (રહે. 5, પ્રેમનગર ઝુંપડપટ્ટી, વરલી વેસ્ટ, મુંબઇ અને મૂળ. લારપુર, તા. બૌધગયા, જિ. ગયા, બિહાર)
(5) કેતન રમેશ હડીયા (મૂળ રહે. અમરગઢ, ખાડીયા વિસ્તાર, મેંદરડા, જિ. જુનાગઢ)

3થી 4 કરોડની લાલચમાં લૂંટનો પ્લાન ઘડયો પરંતુ મળ્યા માત્ર 4 લાખ
નિવૃત્ત એન્જિનીયર ભુપેન્દ્ર પટેલને મનમેળ નહીં હોવાથી 20 વર્ષ અગાઉ પત્ની સાથે છુટાછેડા લઇ એકલા રહેતા હતા અને તેમનો ભાઇ કાંદી ફળીયામાં નજીકમાં જ રહે છે. ભુપેન્દ્રભાઇની પડોશમાં રહેતી ચેતના લલીત પટેલને એવી આશંકા હતી કે ભુપેન્દ્ર પટેલની વડીલોપાર્જીત જમીન કરોડો રૂપિયામાં વેચાય હતી. આ જમીન વેચાણના હિસ્સા પેટે કરોડો રૂપિયા આવ્યા છે અને ભુપેન્દ્રભાઇ પોતાના ઘરમાં 3થી 4 કરોડ રાખ્યા છે. જેથી ચેતનાએ મુંબઇ ખાતે રહેતી બહેન રેણુકા પટેલનો સંર્પક કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ પાંચ લૂંટારૂઓ ત્રાટકયા હતા પરંતુ ઘરમાંથી કરોડો રૂપિયા નહીં પરંતુ મળ્યા માંડ 4 લાખ રૂપિયા.

પડોશી ચેતનાએ મુંબઇ રહેતી પિતરાઇ રેણુકાને લૂંટની ટીપ આપી પ્લાન ઘડયો
જમીન વેચાણના 3થી 4 કરોડ રૂપિયા આવ્યા હતા અને તેઓ એકલા જ રહે છે. જેથી પડોશી ચેતના પટેલે મુંબઇ ખાતે રહેતી બહેન રેણુકા પટેલને વાત કરી હતી. રેણુકાએ પરિચીત પ્રતાપ હરસુર ગીડાનો સંર્પક કર્યો હતો. પ્રતાપ લૂંટના પ્લાનીંગને અંજામ આપવા મિથુન ઉર્ફે શેટ્ટી વાણીયને વાત કરી હતી. મિથુન અને પ્રતાપે ભેગા મળી વિશાલ વાણીયા, પિન્ટુ ચૌધરી અને કેતન હડીયાનો સંર્પક કરી પ્લાનમાં સામેલ કર્યા હતા. 



લૂંટ માટે 6 મહિનાથી પ્લાનીંગ ચાલતું હતું અને ચેતનાએ રેકી પણ કરાવી હતી
જમીન વેચાણના 3થી 4 કરોડની લાલચમાં લૂંટનો 6 મહિના અગાઉ પ્લાનીંગ બનાવ્યું હતું. ચેતનાએ પિતરાઇ બહેન રેણુકા સાથે મળી પ્લાનીંગ કર્યુ હતું. લૂંટના પ્લાનને અંજામ આપવા વિશાલ વાણીયાએ 6 મહિના અગાઉ દેવધ ગામમાં માં આનંદી હાઇટ્સમાં ભાડેથી ફ્લેટ લઇ રહેવા આવી ગયો હતો. ત્યાર બાદ વિશાલ અને મિથુન ઉર્ફે અન્નાએ પુણા વિસ્તારમાંથી બે મોટરસાઇકલની ચોરી કરી હતી અને તેના પર પ્રતાપ ગીડા, પીન્ટુ ચૌધરી, કેતન હડીયા તમામ ડુમ્મસ કાંદી ફળીયામાં ગયા હતા. જયાં ચેતનાએ રેંકી પણ કરાવી હતી. ઉપરાંત છેલ્લા ચારેક મહિનાથી ચેતના સતત લૂંટારૂઓ સાથે સંર્પકમાં હતી.

તા. 30 માર્ચની રાત્રે ચેતનાનો પતિ જાગી જતા લૂંટ કરવાનું ટાળ્યું હતું
ભુપેન્દ્ર પટેલ હત્યા-લૂંટનો ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર રૂપ હતો. પરંતું ભુપેન્દ્રભાઇના ઘરની પાછળની દિવાલ પાંચ ઉંચી હતી જયારે લૂંટારૂઓ જે દિવાલ કૂદીને આવ્યા હતા તેની ઉંચાઇ 9 ફૂટ હતી. જેથી સ્થાનિક વિસ્તારના કોઇકની સંડોવણીના આશંકાને પગલે તે દિશામાં પોલીસ તપાસ કેન્દ્રીત કરી હતી. જેમાં ચેતના લલીત પટેલની વર્તુણક શંકાસ્પદ જણાય હતી. પોલીસે ચેતના પર વોચ રાખવાની સાથે મોબાઇલની કોલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ચેતનાની સંડોવણી સ્પષ્ટ થઇ ગઇ હતી. ચેતનાની પુછપરછમાં લૂંટારૂઓ 2 એપ્રિલે ત્રાટકયા તે પહેલા તેઓ 30 માર્ચની રાત્રે પણ આવ્યા હતા. ચેતનાના ઘરની 9 ફૂટ ઉંચી દિવાલ કૂદી ભુપેન્દ્રભાઇના ઘરના કમ્પાઉન્ડમાં જાય તે પહેલા ચેતનાનો પતિ લલીત પટેલ જાગી જતા લૂંટ કરવાનું ટાળ્યું હતું.

ભુપેન્દ્રના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા બાદ મુંબઇના બિઝનેશમેનને ત્યાં 160 કરોડની લૂંટનો પ્લાન હતો
ભુપેન્દ્ર પટેલની લૂંટ-હત્યામાં ઝડપાયેલા પાંચ પૈકી ચાર રીઢા ગુનેગાર છે. જે પૈકી પ્રતાપ ગીડા તથા કેતન હડીયાવિરૂધ્ધ જુનાગઢ અને સાવરકુંડલા પોલીસમાં લૂંટ, અપહરણના ગુના, પીન્ટુ ચોધરી તથા મિથુન વાણીયન ઉર્ફે રોહિત શેટ્ટી ઉર્ફે બૈરનસિંહ રાણા વિરૂધ્ધ મલાડ પોલીસમાં લૂંટ અન કર્ણાટકના પડુબીડી પોલીસમાં લૂંટ અને આર્મ્સ એક્ટના ગુના નોંધાયા છે. જયારે વિશાલના ગુનાહિત રેકોર્ડ છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક પુછપરછમાં ભુપેન્દ્ર પટેલને ત્યાંથી 3થી 4 કરોડ રૂપિયા મળ્યા બાદ તેઓ તેમાંથી પિસ્ટલ, રિવોલ્વર જેવા ઘાતક હથિયારો ખરીદી મુંબઇ-બદલાપુર ખાતે વાંગણી હાઇવે પર રહેતા બિઝનેશમેનને નિશાન બનાવી 160 કરોડની લૂંટનો પ્લાનીંગ ઘડયો હતો.

લૂંટની રકમ સરખા હિસ્સે વહેંચણી કરવાના હતા
જમીન વેચાણના 3થી 4 કરોડની લાલચમાં પડોશી ચેતના અને તેની પિતરાઇ રેણુકાએ લૂંટનો પ્લાન ઘડયો હતો. રેણુકાએ પ્રતાપ ગીડાનો સંર્પક કરી એક પછી એક પાંચ જણાની ટોળકી બનાવી હતી. રેણુકાના કહેવાથી વિશાલ વાણીયાએ દેવઘમાં છ મહિના અગાઉ ફ્લેટ ભાડેથી લીધો હતો અને તેમાં રહેવા પણ આવી ગયો હતો. ત્યાર બાદ પ્રતાપ, મિથુન, પિન્ટુ તથા કેતન પણ આવ્યા હતા. લૂંટના પ્લાનીંગ મુજબ ટીપરની ભુમિકા ભજવનાર ચેતના અને તેની બહેન રેણુકા સહિત પાંચેય લૂંટારૂઓ જે રકમ મળે તે સરખે હિસ્સે વહેંચણી કરવાના હતા.

રાત્રે 9 વાગ્યે કરફ્યૂ શરુ થાય તે પહેલા જ ડુમ્મસ પહોંચી ગયા
ભુપેન્દ્ર પટેલના ઘરે લૂંટ કરવા ત્રાટકનાર લૂંટારૂઓ પિસ્ટલ જેવા ઘાતક હથિયાર સાથે ત્રાટકયા હતા. લૂંટારૂઓ ભુપેન્દ્રભાઇના ઘરમાં રાત્રે 2.15 વાગ્યા પછી ચેતનાના ઘરની દિવાલ કૂદીને ઘુસ્યા હતા. પરંતુ રાત્રે કરફ્યૂ દરમિયાન ઘાતક હથિયાર સાથે પોલીસના હાથ ઝડપાય નહીં તે માટે પાંચેય જણા રાત્રે 9 વાગ્યા પહેલા જ ડુમ્મસ પહોંચી ગયા હતા અને સતત ચેતના સાથે સંર્પકમાં રહી પ્લાનને અંજામ આપ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PHryhq

0 Response to "ડુમ્મસ કાંદી ફળિયામાં વૃધ્ધ ચકચારી લૂંટ-મર્ડરનો ભેદ ઉકેલાયો: ભુપેન્દ્ર પટેલના ઘરે જમીન વેચાણના 3-4 કરોડ પડયા હોવાનું માની પડોશી મહિલાએ ટીપ આપી હતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel